ચીન-કોરોના સંકટ વચ્ચે તેજી! એક માસમાં સેન્સેકસ 14 ટકા વધ્યો

29 June 2020 10:30 AM
Business India World
  • ચીન-કોરોના સંકટ વચ્ચે તેજી! એક માસમાં સેન્સેકસ 14 ટકા વધ્યો

અમેરિકા, જાપાન, યુરોપીયન દેશોના શેરબજારો કરતા પણ વધુ તેજી: સ્વદેશી-વિદેશી ઈન્વેસ્ટરોનું વધતુ રોકાણ: નવા 10 લાખ ડીમેટ ખાતા ખુલ્યા

મુંબઈ તા.29
કોરોના સંકટને કારણે વિશ્વભરના અર્થતંત્ર હચમચી ગયા હોવા છતાં ભારતીય શેરબજારમાં રોકાણકારોનો ભરોસો અડગ રહ્યો હોય તેમ છેલ્લા એક મહિનાની તેજીમાં 14 ટકાનું રીટર્ન મળ્યુ છે. સેન્સેકસમાં એક મહિનામાં 14.2 ટકાની વૃદ્ધિ થઈ હતી. અમેરિકા, જાપાન, યુરોપ જેવા વિકસીત દેશોના શેરબજારો કરતા પણ ભારતીય માર્કેટ વધુ વધ્યુ છે.

આંકડાકીય વિશ્લેષણ પરથી એવુ માલુમ પડે છે કે, અમેરિકા, ફ્રાંસ, જર્મની તથા બ્રિટનના શેરબજારોમાં છેલ્લા એક મહિના દરમ્યાન 2.1થી 7.3 ટકાની તેજી થઈ હતી. નિષ્ણાંતોએ એમ કહ્યું છે કે ધારણાથી વિપરીત છેલ્લા મહિનામાં વિદેશી ઈન્વેસ્ટરોએ મોટાપાયે રોકાણ કર્યુ છે. માર્ચ-એપ્રિલ મહિનામાં ચિકકાર વેચવાલી કરનારા વિદેશી ઈન્વેસ્ટરો મોટાપાયે લેવાલ થતા નવી આશા બંધાઈ હતી.

આ સિવાય સ્વદેશી ઈન્વેસ્ટરો તથા નાણાં સંસ્થાઓએ પણ મોટાપાયે નાણાં ઠાલવ્યા હોવાથી તેજીને મજબૂત ટેકો મળતો રહ્યો છે. મે-જૂન મહિનામાં વિદેશી સંસ્થાકીય ઈન્વેસ્ટરોએ 35000 કરોડનું રોકાણ કર્યાના આંકડા જારી થયા છે. ટેલીકોમ, ઓટોમોબાઈલ્સ તથા ઈન્ફ્રાસ્ટ્રકચર ક્ષેત્રની કંપનીઓમાં આ રોકાણ ઠલવાયુ છે.

જાણકારો એવુ માને છે કે, વિદેશી સંસ્થાઓ કોરોના સંકટ વચ્ચે પણ અન્ય દેશો કરતા ભારતીય શેરબજાર-અર્થતંત્રને મજબૂત ગણે છે. મે મહિનામાં 14569 કરોડનું રોકાણ કર્યુ હતું. જુનમાં અત્યાર સુધીમાં 20,000 કરોડથી વધુ નાણા ઠાલવી દીધા છે. છેલ્લા એક વર્ષનું આંકડાકીય વિશ્ર્લેષણ કરવામાં આવે તો જર્મનીના શેરબજારમાં સૌથી મોટી તેજી થઈ છે. જર્મની શેરબજારનો ઈન્ડેકસ ડેકસ 1.6 ટકા તથા અમેરિકી ડાઉજોન્સ 0.6 ટકા વધ્યા હતા.

ભારતીય શેરબજારમાં સેન્સેકસમાં 11.3 ટકાનો ઘટાડો થયો છે. ત્રણ વર્ષના સમયગાળામાં સેન્સેકસમાં 12.3 ટકા તથા ડાઉજોન્સમાં 20.3 ટકાની વૃદ્ધિ થઈ છે. રીટેઈલ ઈન્વેસ્ટરોનો ઝોક વધતો રહ્યો હોય તેમ મે મહિનામાં 10 લાખ નવા ડિમેટ ખાતા ખુલ્યા હતા. માર્ચ-એપ્રિલમાં 12 લાખ નવા ડિમેટ ખાતા ખુલ્યા હતા. ગત વર્ષે 11 મહિનામાં 44 લાખ ડીમેટ ખાતા ખુલ્યા હતા. છેલ્લા ત્રણ મહિનામાં 10 ટકા નવા ખાતા મહિલાના નામે હતા.

નાના શેરોમાં આંધળુકીયા રોકાણ સામે નિષ્ણાંતોની લાલબતી
શેરબજારની પ્રવર્તમાન તેજીમાં બે-પાંચ રૂપિયાવાળા નાના શેરોમાં જોરદાર તેજી થઈ છે. આ શેરોમાં વેપાર બહુ ઓછા થતા હોય છે. વાસ્તવમાં આવા શેરોમાં જોખમ વધારે હોય છે એટલે તેમાં રોકાણ કરવામાં સાવચેતી રાખવા જેવું છે છેલ્લા છ માસમાં સેન્સેકસ 14 ટકા ઘટયો છે ત્યારે કેટલાંક નાના શેરો 1200 ટકા વધ્યા છે. આવા શેરોમાં આંધળુકીયા રોકાણમાં સાવચેતી રાખવી પડે.


Related News

Loading...
Advertisement