કમલમમાં કેસરીયા ખેસ પહેરતાં કોંગ્રેસનાં પાંચ પૂર્વ ધારાસભ્યો

27 June 2020 04:59 PM
Ahmedabad Gujarat Politics Rajkot
  • કમલમમાં કેસરીયા ખેસ પહેરતાં કોંગ્રેસનાં પાંચ પૂર્વ ધારાસભ્યો

ફરી એક વખત કોંગ્રેસની જુથબંધીને વખોડી: મોદી-રૂપાણીના નેતૃત્વને સ્વીકાર્યું: રાજયસભા ચૂંટણીમાં ભાજપને એક બેઠક જીતાડવા રાજીનામા આપનાર આઠ ધારાસભ્યોમાંથી પાંચે નવો ખેસ પહેર્યો : ‘વિકાસ’થી પ્રેરાઈને આવ્યા હોવાનો દાવો

રાજકોટ તા.27
ગુજરાતમાં રાજકારણને પુરેપુરૂ અનલોક કરતા ભાજપે આજે તેના ઈશારે ધારાસભામાંથી રાજીનામુ આપનાર કોંગ્રેસના પાંચ પૂર્વ ધારાસભ્યોને પક્ષને પ્રવેશ આપ્યો છે.

મોરબીના ધારાસભ્ય બ્રિજેશ મેરજા , અબડાસાના પ્રદ્યુમનસિંહ જાડેજા, ધારીના જે.વી.કાકડીયા, કરજણનાં અક્ષય પટેલ તથા કપરાડાનાં જીતુભાઈ ચૌધરીએ આજે કમલમમાં યોજાયેલા ખાસ કાર્યક્રમમાં ભાજપના પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીના હસ્તે કેસરીયો ખેસ પહેરી લીધો હતો અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ગૃહમંત્રી અમિત શાહ, ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી તથા ગુજરાત ભાજપના પ્રમુખ જીતુ વાઘાણીનું નેતૃત્વ તેઓ સ્વીકારે છે તેવુ જણાવ્યુ હતું.

રાજયસભા ચૂંટણી સમયે કોંગ્રેસ પાસેથી વધુ એક બેઠક આંચકવા ભાજપે કોંગ્રેસના આઠ ધારાસભ્યોને ‘સમજાવી’ને રાજીનામા આપવા સંમત કરી દીધા હતા અને તે રીતે હાલમાં યોજાયેલી ચૂંટણીમાં ભાજપે ત્રણ બેઠક જીતી હતી.

આ આઠ ધારાસભ્યોમાંથી ત્રણ ધારાસભ્યોને ભાજપ ફરી ટીકીટ નહિં આપે તેવા સંકેત છે અને તેઓ આજે ભાજપમાં જોડાયા નથી. જયારે અન્ય પાંચ ધારાસભ્યોએ કેસરીયો ખેસ પહેરી લીધો છે તેઓએ પોતાના વિધાનોમાં કોંગ્રેસ નેતૃત્વને વખોડયુ હતું અને ભાજપના નેતૃત્વનાં વખાણ કર્યા હતા.


Related News

Loading...
Advertisement