હોરર સિનેમાના ધારાધોરણો બદલતી ‘બુલબુલ’!

27 June 2020 02:37 PM
Entertainment India
  • હોરર સિનેમાના ધારાધોરણો બદલતી ‘બુલબુલ’!
  • હોરર સિનેમાના ધારાધોરણો બદલતી ‘બુલબુલ’!

‘ક્લિન સ્લેટ’ ફિલ્મ્સ દ્વારા પાછલા વર્ષોમાં જે પ્રકારની ફિલ્મો પ્રોડ્યુસ કરવામાં આવી રહી છે, એની નોંધ લેવા જેવી છે. એન.એચ.10, પરી, ફિલ્લૌરી અને હવે બુલબુલ! એમેઝોન પ્રાઇમ પર રીલિઝ થયેલી એમની ‘પાતાલ લોક’ વેબસીરિઝ પણ હજુ તરોતાજા છે. ભૂતકાળમાં મેં નીલ નીતિન મુકેશનો ઇન્ટરવ્યુ કર્યો હતો, ત્યારે તેણે અનુષ્કા શર્માના ભરપેટ વખાણ કરતા કહ્યું હતું કે, ’બોલિવૂડને અનુષ્કા શર્મા જેવી પ્રોડ્યુસરની સખ્ત જરૂર છે, જે મર્મસભર સિનેમાને વેગ આપી શકે.’

નેટફ્લિક્સ પર આજ અઠવાડિયે રીલિઝ થયેલી ‘બુલબુલ’ લોકવાયકા પર લખાયેલી હોરર ડ્રામા ફિલ્મ છે. ‘ક્લિન સ્લેટ ફિલ્મ્સ’ જે રીતે ત્રણ-ત્રણ હોરર ફિલ્મો આપી ચૂક્યું છે, એ જોતાં તો એવું જ લાગે છે કે અનુષ્કા શર્મા અને તેના પ્રોડ્યુસર ભાઈ કર્નેશ શર્માને ભૂતિયા ફિલ્મો માટે વધુ લગાવ છે. અને આમેય રામગોપાલ વર્મા, વિક્રમ ભટ્ટ, મહેશ ભટ્ટ જેવા દિગ્દર્શક-નિર્માતાનો યુગ આથમ્યા બાદ બોલિવૂડને મજબૂત હોરર સ્ક્રિપ્ટ્સની તાતી જરૂરિયાત છે. આપણે ત્યાં હોરર જોન્રેને મજાક સમજી લેવામાં આવ્યું છે. પરંતુ ભારતીયોની આ માનસિકતા બદલી શકે એટલી તાકાત ‘બુલબુલ’માં છે.

1881ની સાલમાં બંગાળના ઠાકુર ફેમિલીની આ વાર્તા છે. બંગાળના ઇન્દ્રનિલ ઠાકુર (રાહુલ બોઝ) પોતાનાથી ઓછામાં ઓછી વીસેક વર્ષ નાની બુલબુલ સાથે પરણે છે. ઇન્દ્રનિલના નાના ભાઈ એટલે કે બુલબુલના દેર સત્યા ઠાકુરની ઉંમર પણ બુલબુલ જેવડી જ હોવાથી બંને વચ્ચે ગાઢ મિત્રતા થઈ જાય છે. વીસ વર્ષના વહાણા વીતી જાય છે અને 1901ની સાલમાં સત્યા ઠાકુર (અવિનાશ તિવારી) લંડનથી ભણીને આવ્યા બાદ ઠાકુર હવેલીમાં પરત ફરે છે. બુલબુલ (તૃપ્તિ ડિમરી) હવે ‘ઠકુરાઇન’ તરીકે ઠાઠથી રાજ કરતી હોય છે. પરંતુ રહસ્યમય ભૂતકાળ હળવેકથી ડોકું ઊંચુ કરીને બહાર આવવાની મથામણ કરતો રહે છે.

ફિલ્મમાં એક સંવાદ છે 
‘મા, આ બિચ્છુ કેમ પહેરાવવામાં આવે છે?’ આપણે ત્યાં ગુજરાતીમાં જેમ પગની આંગળીઓમાં સ્ત્રી ‘માછલી’ નામનું ઘરેણું પહેરે છે, એવું જ ‘બિચ્છુ’ પહેરતી બુલબુલ તેની માને પૂછે છે.

‘છોકરીને પાંખો આવીને ક્યાંક તે ઉડી ન જાય એનું ધ્યાન રાખવા માટે બેટા!’ મા જવાબ આપે છે. સાહેબ, મુદ્દાની વાત એ છે કે ફિલ્મનું જોન્રે હોરર છે એટલું જ! બાકી વાત તો ફેમિનિઝમની છે. ફિલ્મની લેખિકા અન્વિત્તા દત્ત ‘બુલબુલ’ સાથે ડિરેક્શન ક્ષેત્રે ડેબ્યુ કર્યુ છે. આ પહેલાં તે ક્વીન, ફિલ્લૌરી જેવી ફિલ્મો પણ લખી ચૂક્યા છે. કંગના રનૌત સ્ટારર ‘ક્વીન’ના કેટલાક સંવાદો તો હજુ પણ આપણને મોં જુબાની યાદ છે! દોઢ કલાકની ફિલ્મને જરા પણ આડે રસ્તે ફંટાવ્યા વગર પોતાને જે કહેવું છે

એ કેમેરા વડે વર્ણવવામાં તેઓ સફળ થયા છે. અમિત ત્રિવેદીનું મ્યુઝિક, સિદ્ધાર્થ દિવાનની સિનેમેટોગ્રાફીએ ‘ઠાકુર હવેલી’ની અસરકારકતા ઉભી કરવામાં અત્યંત મહત્વનો ભાગ ભજવ્યો છે. મોટે ભાગે લાલ રંગની થીમ સાથે આગળ ધપતી ફિલ્મ પ્રેમ અને બદલાનું પ્રતીક છે. સાથોસાથ, બંગાળના આદ્યદેવી મહાકાલીના રક્ત સરીખા ક્રોધનું પ્રતીક પણ લાલ રંગ છે.

અત્યંત માવજતપૂર્વક લખાયેલી ’બુલબુલ’ને ચાર ચાંદ લગાવવાનું કામ કલાકારોએ કર્યુ છે. એકતા કપૂરે ’લૈલા મજનૂ’ ફિલ્મમાં જે જોડીને કાસ્ટ કરી હતી, એ તૃપ્તિ ડિમરી અને અવિનાશ તિવારીએ બુલબુલને માર્મિક બનાવવામાં ખાસ્સી મહેનત કરી છે. બીજી બાજુ, ડો. સુદિપના પાત્રમાં પરમ્બ્રત ચટ્ટોપાધ્યાય અને વિનોદિનીના પાત્રમાં પાઓલી દામનું કામ સરાહનીય છે. હરહંમેશની જેમ રાહુલ બોઝ અહીંયા મેદાન મારી ગયા છે.

ઇન્દ્રનિલ અને મહેન્દ્ર નામના બંને પાત્રમાં એમનો અભિનય કાબિલેદાદ છે. સૌથી ખાસ વાત છે, સેટ ડિઝાઇન! મીનલ અગ્રવાલે ફિલ્મના સેટને ફક્ત બાહ્ય રીતે શણગાર્યો નથી, પરંતુ આંતરિક રીતે અલંકૃત પણ કર્યો છે. ‘બડી હવેલિયોં કે રાઝ ભી બડે હોતે હૈ!’ જેવા સંવાદો જ્યારે પાઓલી દામ બોલે, ત્યારે ઠાકુર હવેલી પોતે એક જીવતીજાગતી અભિનેત્રી બનીને ‘બુલબુલ’નું અભિન્ન અંગ બની જાય છે. લાલ ચંદરવો, ભેંકાર ભાસતું જંગલ અને રહસ્યમય હત્યાઓને કારણે થ્રિલ સતત જળવાઈ રહે છે.

હા, ફિલ્મના ક્લાયમેક્સને હજુ વધારે સારો અને હટકે બનાવી શકાયો હોત એ વાત અલગ છે! જોકે, અનુષ્કા શર્મા અને કર્નેશ શર્માએ આટલો સારો પ્રયત્ન કર્યો એ માટે દાદ આપવી ઘટે. ‘બુલબુલ’ એક અસુરેખ એટલે કે નોન-લિનીયર ફિલ્મ છે. ફિલ્મમાં વર્તમાન કાળ અને ભૂતકાળ બંને સમાંતરે ચાલે છે, જે બુલબુલનું સબળું પાસું છે. પ્રેક્ષક છેક સુધી જકડાયેલો રહે એ પ્રકારે ચાલતો સ્ક્રીનપ્લે અન્વિત્તા દત્તની દેન છે.


: ક્લાયમેક્સ :
ઝી ફાઇવ પરની ‘લાલ બાઝાર’ અને સોની લિવ પરની ‘યોર ઑનર’ જોતી વખતે મગજ પર હથોડાં વાગતાં હોવાથી અધવચ્ચે જ પડતી મૂકી દેવાનો વખત આવ્યો છે! સિને'મા'નો સમય બગાડવા બદલ અમારા સુરાપુરા એમને પહોંચે!

*કેમ જોવી? :
-કલાત્મકતા, કાળપ અને કલાકારો માટે!
*કેમ ન જોવી? :
-હોરર ફિલ્મો જોવાનું સાવ પસંદ જ ન હોય તો!

: સાંજસ્ટાર:
સાડા ત્રણ ચોકલેટ

bhattparakh@yahoo.com


Related News

Loading...
Advertisement