શ્રી નિરંજન શાહ સૌરાષ્ટ્રના પોતીકા સ્વપ્ન દ્રષ્ટા

27 June 2020 02:27 PM
India Sports
  • શ્રી નિરંજન શાહ સૌરાષ્ટ્રના પોતીકા સ્વપ્ન દ્રષ્ટા
  • શ્રી નિરંજન શાહ સૌરાષ્ટ્રના પોતીકા સ્વપ્ન દ્રષ્ટા
  • શ્રી નિરંજન શાહ સૌરાષ્ટ્રના પોતીકા સ્વપ્ન દ્રષ્ટા
  • શ્રી નિરંજન શાહ સૌરાષ્ટ્રના પોતીકા સ્વપ્ન દ્રષ્ટા

રાષ્ટ્ર ક્રિકેટનું સમાનાર્થી નામ એટલે શ્રી નિરંજન શાહ. આશરે 40 વર્ષથી સૌરાષ્ટ્ર અને બીસીસીઆઈના એડમીનેસ્ટ્રેશનમાં સફળતાપૂર્વક કાર્યરત રહેલા શ્રી નિરંજન શાહે ભારતીય ક્રિકેટનું સંપૂર્ણ Transformation જોયું છે.

જ્યારે ક્રિકેટમાં કંઇ પૈસા ન હતા ત્યારથી લઇને બીસીસીઆઇના સૌથી શક્તિશાળી અને ધનવાન સ્પોર્ટસ ઓર્ગેનાઈઝેશન બનવાની સફરના તેઓ સાક્ષી રહ્યા છે. સમસ્ત દેશમાં અને ખાસ તો સૌરાષ્ટ્રમાં ક્રિકેટનાં થયેલા વિકાસમાં નિરંજનભાઈ જેવા પરીશ્રમી લોકોનું યોગદાન છે. તેમની પેઢીના એડમીનીસ્ટ્રેટર્સના પ્રયત્નો થકી આજે બીસીસીઆઈ વિશ્વ ક્રિકેટમાં એક પાવરહાઉસ તરીકે ઓળખાય છે.

પણ આજે તેમની ઓછી જાણીતી અને રસપ્રદ વાતો શેર કરવી છે. બહુ ઓછા લોકોને ખબર છે કે યુવાવસ્થામાં શ્રી નિરંજનભાઈ એક હોંશીયાર અને પ્રતિભાશાળી વિદ્યાર્થી હતા. શાળાકીય જીવન બાદ તેઓ મેડીસીન ક્ષેત્રમાં જવા ઇચ્છતા હતાં. મેડીકલ કોલેજ જામનગરમાં એડમીશન લઇ છ મહિના અભ્યાસ પણ કર્યો, પરંતુ બાપુજીના આગ્રહવશ ફેમીલી બીઝનેસને પ્રાધાન્ય આપ્યું અને મેડીકલ કોલેજથી પાછા આવી ગયા.

બોસ્ટન-અમેરિકાની સુપ્રસિધ્ધ યુનિવર્સિટી એમ.આઈ.ટી.માં પણ પ્રવેશ મેળવવામાં સફળ થયા હતા. આ એ સમય હતો જ્યારે અમેરિકામાં પોસ્ટ ગ્રેજ્યુએશન પુરૂ કરતા જ અમેરીકાની સીટીઝનશીપ મળી જતી. પણ ફરીથી બાપુજી એ તેમને અટકાવ્યા. આ કોઇ પ્રારબ્ધના જ ખેલ હશે કે શ્રી નિરંજનભાઈ પોતાના અભ્યાસમાં ઉપર મુજબનું કઇ કરી ન શક્યા કારણ કે તેમને સૌરાષ્ટ્રના ક્રિકેટમાં અને ભારતીય ક્રિકેટમાં પ્રદાન કરવાના લેખ વિધાતાએ લખ્યા હતા.

છેક કોલેજના બીજા વર્ષમા ક્રિકેટ પ્રત્યે આકર્ષણ જાગ્યુ. બીએસ.સી. કરતા કરતા ક્રિકેટ રમવાનું શરૂ કર્યું. ધર્મેન્દ્ર કોલેજના કોચ રાઠોડ સાહેબે માર્ગદર્શન પુરૂ પાડ્યું. વાંચનનો ઘણો શોખ એટલે ક્રિકેટ અને રમત-જગતના વિવિધ સામાયિક અને પુસ્તકો નિયમિત વાંચતા. સર ડોન બ્રેડમેન વિષે ખાસ લગાવ, અને સર ડોન બ્રેડમેનને રૂબરૂ મળવાનો અવસર એ તેમની ક્રિકેટ સાથે જોડાયેલ સુખદ યાદગાર પળોમાંથી એક. 1985-86માં ભારતીય ટીમનાં મેનેજર તરીકે જ્યારે શ્રી નિરંજનભાઈ ઓસ્ટ્રેલિયાનાં પ્રવાસે ગયા ત્યારે એડીલેઇડમાં સર ડોનને મળવાનું થયેલું.

આજે પણ એ મુલાકાતની ઝીણી વિગતો તેમને યાદ છે. ખૂબ વિનમ્ર-મળતાવડા એવા સર બ્રેડમેને એ સમયે ક્રિકેટમાં પહેરાતા સ્પાઈક શૂઝ (ખીલાવાળા શૂઝ) વિષે ખૂબ જ ઝીણવટપૂર્વક વાત કરી તેના ફાયદા વર્ણવ્યા હતાં. શ્રી નિરંજનભાઈને વર્ષોથી એક વાતનો વસવસો હતો કે સૌરાષ્ટ્ર કેમ રણજી ચેમ્પીયન ન બની શકે ? અને એ પણ જયદેવ ઉનડકટની ટીમે આ જ વર્ષે રણજી ચેમ્પીયન બનીને નિરંજનભાઈની એ અધુરી ઇચ્છા પણ પુરી કરી દીધી.

જ્યારે સૌરાષ્ટ્રમાં એક પણ ટર્ફ પીચ ન હતી તે 1980ના સમય 2020માં સૌરાષ્ટ્રનું પોતાના ઘરઆંગણે ચેમ્પીયન થવા સુધીનો તમામ સમયમાં આ માણસે જોયો છે. 1983માં ભારત વિશ્વ વિજેતા બન્યું એ પછી તરત જ ઇરાની ટ્રોફી જેવો મોટો મેચ રાજકોટમાં રમાયો હતો. રાજકોટ મ્યુનિ. કોર્પોરેશનમાં રમાયેલા એ મેચમાં ભારતના તમામ મોટા ક્રિકેટરો રમ્યા હતા.

એ પછી એ જ મેદાન પર 1985-86માં પ્રથમ વન ડે ઇન્ટરનેશનલ રમાઈ હતી. ઇંગ્લેન્ડ અને વેસ્ટ ઇન્ડીઝ જેવી ધરખમટીમો 80ના દશકમાં રાજકોટમાં વેસ્ટઝોન સામે ત્રણ દિવસના મેચ રમી હતી. નિરંજનભાઈ માને છે કે એ સમયે સુવિધા-સવલતો એટલી સારી નહોતી કે અત્યારના સમય જેવી તો જરાય ન હોતી છતા ક્રિકેટરો કોઇ ફરીયાદ કર્યા વગર રમતા અને સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસીએશન એવા મોટા મેચનું આયોજન સફળતાપૂર્વક કરી શક્યું.

2000ના દશકમાં બીસીસીઆઈના આદેશ મુજબ સૌરાષ્ટ્રએ ખુબ જ સુંદર-ઇકોનોમીકલ સ્ટેડીયમ બનાવ્યું. સ્ટેડીયમના કોઇપણ ખુણેથી બેસીને મેચ જોવાની મજા આવે એવા સામાન્ય નિયમ સાથે બનેલું આ સ્ટેડીયમ અદ્વીતીય છે. આગળ જતા જ્યાં ટેસ્ટ મેચ પણ રમાયો અને આઈપીએલ પણ. આજે સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસીએશનની ગણના એક સધ્ધર-પ્રસ્થાપીત ઓર્ગેનાઈઝેશન તરીકે થાય છે, જેનુ ઘણુ શ્રેય શ્રી નિરંજનભાઈને જાય છે.

નવી પેઢીને એમણે એક સુદ્રઢ વારસો સોંપ્યો છે. ફાઈનાન્સીયલી કે પછી વિવિધ આયામો જેમ કે સીસ્ટમ, ઇન્ફ્રાસ્ટ્રક્ચર દરેક રીતે એક સશક્ત ઓર્ગેનાઈઝેશન તરીકે એસ.સી.એ.ની નવી ટીમને આપ્યું છે. ‘હવે આગળ શું ?’ એવા પ્રશ્નના જવાબમાં તેઓ કહે છે ‘હજુ ઘણુ કરવાનું બાકી છે.ઇનડોર ફેસીલીટી/ઇનડોર સ્ટેડીયમમાં ઘણું કામ થઇ શકે તેમ છે.

જે રીતે અમેરીકામાં બેઝબોલ અને ઇંગ્લેન્ડ-બ્રાઝીલમાં ફુટબોલનું સ્થાન છે તે રીતે ભારતમાં ક્રિકેટનું સ્થાન બનાવવું પડશે.’ ‘આઈ.પી.એલ. એવી મોટી ટુર્નામેન્ટ બનવી જોઇએ કે તે ઇંગ્લીશ પ્રીમીયર લીગ’ જેવી બની શકે અને આઈપીએલ એટલી પાવરફુલ લીગ બનવી જોઇએ કે આંતરરાષ્ટ્રીય ક્રિકેટ સાથે તેને કોઇ નિસ્બત ન રહે, એકદમ ઈપીએલની જેમ’

દરેક સમાજને એક એવો સ્વપ્નદ્રષ્ટા મળે છે જે કોઇ એક ક્ષેત્રમાં ધરમૂળમાંથી ફેરફારો કરી ક્રાન્તીનું સર્જન કરે છે. શ્રી નિરંજન શાહે આપણા ક્ષેત્રમાં આવી જ ભૂમિકા નિભાવી છે. એક સંનિષ્ઠ અને સફળ વહીવટકર્તા તરીકે ક્રિકેટની રમતનું સિંચન કરવામાં તેમનું આખુ આયખુ વિતી રહ્યું છે. ક્રિકેટને કેન્દ્રમાં રાખી રમતલક્ષી કાર્ય કરવાની જવાબદારી શ્રી નિરંજન શાહે સુપેરે નિભાવી છે. આવી અદભૂત ઇનીંગ માટે તો આપણે સહુએ કહેવું પડે - "Well played sir'


Related News

Loading...
Advertisement