જસદણમાં ચોરીનું આળ મુકી પેટ્રોલ પંપના કર્મચારીઓએ ત્રાસ આપતાં એકાઉન્ટન્ટનો આપઘાત

27 June 2020 12:37 PM
Jasdan Rajkot
  • જસદણમાં ચોરીનું આળ મુકી પેટ્રોલ પંપના કર્મચારીઓએ ત્રાસ આપતાં એકાઉન્ટન્ટનો આપઘાત

પેટ્રોલ પંપના હિસાબનાં રૂા. 1.50 લાખ યુવક લઇ ગ્યો હોવાનો આક્ષેપ કરી ચાર શખ્સોએ ઘરે જઇ ધમકી આપી : આપઘાતની ફરજ અંગે ફરિયાદ

રાજકોટ,તા. 27
જસદણમાં ચોરીની આળથી પેટ્રોલ પંપમાં કામ કરતા યુવાને આપઘાત કરી લીધાનો આક્ષેપ થયો છે. યુવાને ઝાડ સાથે દોરડું બાંધી ગળાફાંસો ખાઈ જીવ દીધો હતો.
બનાવની મળતી વિગત મુજબ જસદણના વિંછીયા રોડ પર આવેલા જુના રેલવે સ્ટેશન નજીક ગઇકાલે સવારે ઝાડ સાથે દોરડુ બાંધી ગળાફાંસો ખાધેલી હાલતમાં એક યુવાનનો મૃતદેહ મળી આવ્યો હતો.

પોલીસે તપાસ કરતા જાણવા મળેલ કે યુવાનનું નામ પ્રવિણ બાબુભાઈ ચૌહાણ (ઉ.30) છે અને જસદણનાં જુના બસ સ્ટેશન પાસે આવેલા પેટ્રોલ પંપમાં મહેતાજી તરીકે નોકરી કરતો હતો. પરિવારજનોને જાણ કરાતા મૃતકના પિતા ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. તેઓએ આક્ષેપ કર્યો હતો કે, તા. 25ની સાંજે પેટ્રોલ પંપના બે માણસો સમીરભાઈ વાણિયા અને નિતેષભાઈ વાણિયા મારી ઘરે આવ્યા હતા અને મારો પુત્ર પ્રવિણ ક્યાં છે તે અંગે પૂછપરછ કરી હતી.

તેમણે આરોપ લગાવ્યો હતો કે તમારો પુત્ર પેટ્રોલ પંપના કબાટમાંથી દોઢ લાખ લઇ ગયો છે અને સાથે કબાટની ચાવી પણ લઇ ગયો છે. મેં તેમને જણાવ્યું કે, મારો પત્ર ઘરે આવ્યો હતો પણ કપડા બદલાવી જતો રહ્યો છે. આ બાદ પંપના માણસોએ મારા આખા ઘરની તપાસ કરી હતી અને ઘરવખરી વેરવિખેર કરી દીધી હતી.

તેઓના ગયા પછી મે પ્રવિણની શોધખોળ આદરી હતી, સગા સંબંધીને ત્યાં તપાસ કરી હતી. પણ તેની ભાળ મળી નહોતી. તા. 26ના રોજ તેને આપઘાત કરી લીધાની જાણ થઇ હતી, પેટ્રોલ પંપના માણસો સમીરભાઈ અને નિતેષભાઈએ ચોરીની આળ લગાવતા મારા પુત્રને લાગી આવ્યું હોય, તેથી તેણે આ પગલું ભર્યું છે. પોલીસે મૃતકના પિતાની ફરિયાદ પરથી આરોપીઓ સામે ગુનો નોંધ્યો છે. આ મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડ્યો હતો. આપઘાત પાછળનું સત્ય જાણવા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

મૃતક એક બહેન અને બે ભાઈમાં નાનો હતો, અને પેટ્રોલ પંપમાં મહેતાજી તરીકે કામ કરતો હતો. આશાસ્પદ યુવાનના મોતથી પરિવારમાં શોકનો માહોલ છવાયો છે.


Related News

Loading...
Advertisement