બે જુથો વચ્ચે મારામારી: બંને પક્ષે પોલીસ ફરીયાદ

26 June 2020 02:09 PM
Porbandar
  • બે જુથો વચ્ચે મારામારી: બંને પક્ષે પોલીસ ફરીયાદ

પોરબંદર નજીકના ધ્રુબકા નેસમાં સરકારી જમીનના કબ્જા બાબતે

(બી.બી.ઠકકર) રાણાવાવ તા.26
બરડા ડુંગરના ખારાવિરા નેસમાં રહેતા ભોજા જેસા કોડીયાતર નામના યુવાન દ્વારા એવી પોલીસ ફરીયાદ નોંધવામા આવી છે કે તેણે પડતર જમીનમાં વાડો વાળેલો હતો અને ત્યાં પોતે અને તેના નાના ભાઈ જીવા જેસા વાડાને સાફસફાઈ કરવા ગયા હતા જેમા કાકા-બાપાના દિકરા સામત બધા કોડીયાતર અને ખીમા જેસા કોડીયાતર પણ સાથે હતા.
આ ચારેય વ્યકિતઓ વાડાની સફાઈ કરતા હતા ત્યારે આવડા સાંગા ચાવડા ત્યાં આવીને ‘તમે અહીં વાડો બનાવી શકો નહી’ તેમ કહીને ગાળો બોલતા અને ગાળો બોલવાની ના પાડતા ઉશ્કેરાઈ આવડાએ લાકડી મારી હતી તથા તેના દીકરા દેવા તથા રાણાએ કુહાડી સાથે આવી પહોંચ્યા હતા તથા ભાવેશ અવાડા, મેરા સાંગા, પરબત મેરા અને ડાયીબેન આવડા લાકડીઓ સાથે આવી પહોંચ્યા હતા અને દેવાએ સામતના માથામા કુહાડીનો ઘા મારવા લાગ્યો ત્યારે રાણા આવડાએ ભોજાને માથામા કુહાડી મારી હતી અને ચારેય લોકોને લાકડી અને કુહાડી વડે માર મારી ‘અહીંથી વાડો છોડીને જતા રહેજો, નહીંતર પતાવી દઈશુ’ તેમ કહી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી અને તમામને લોહીલોહાણ હાલતમાં પોરબંદરની સરકારી હોસ્પીટલે લાવવામા આવ્યા હતા અને ત્યાંથી સામતભાઈને માથામા વધુ ગંભીર ઈજા થતા રાજકોટ સારવાર માટે લઈ જવાયા છે. આથી હત્યાની કોશિષ સહિતની કલમો હેઠળ ભોજા કોડીયાતરે ગુન્હોે નોંધાવ્યો છે.
સામે પક્ષે રાણા આવડાએ એવી પોલીસ ફરીયાદ નોંધાવી છે કે તે સવારે પોતાના પરિવાર અને ભાઈઓ સાથે ઘરે હતા ત્યારે તેની બાજુમાં રહેતા ખીમા સેજા કોડીયાતર, રમેશ લાખા કોડીયાતર, રાણા માંડા કોડીયાતર, કાના માંડા કોડીયાતર, બાલુ સેજા કોડીયાતર, સામત બધા કોડીયાતર તથા ખારાવિરા નેસ નજીક રહેતા ભોજા સેજા કોડીયાતર, જીવા સેજા કોડીયાતર, આવડા બાધા કોડીયાતર, સેજા પાંચા કોડીયાતર, બાઘા પાંચા કોડીયાતર અને પુરીબેન સામત કોડીયાતર વગેરે ઘર પાસે આવીને ગાળો બોલવા લાગ્યા હતા અને રાણાભાઈના પિતા આવડાભાઈને બોલાવીને ‘આ જગ્યા તમે વાળેલી છે તે તમારી નથી અમારી છે’ તેમ કહેતા તેના પિતાજીએ ‘અમારા ઘર પાસે સરકારી જગ્યા છે જે અમારી કહેવાય’ તેમ કહેતા ઉશ્કેરાઈ જતા ભોજા સેજાએ આવડાભાઈ ચાવડાના માથામા ખૂન કરવાના ઈરાદે કુહાડીના ઘા માર્યા હતા અને સામત બાઘાએ લાકડીના ઘા માર્યા હતા.
આથી રાણાનો ભાઈ દેવો છોડાવવા ગયો ત્યારે રમેશ લાખા તથા આવડા બાઘાએ દેવાના માથામાં કુહાડી વડે મારવા લાગ્યો હતો આથી ફરીયાદી રાણાભાઈ પોતે ઉપરાંત ભાઈ ભાવેશ, વિરો અને કાકા મેરા સાંગા, પરત મેરા વગેરે બચાવવા ગયા ત્યારે રાણા માંડા કુહાડીથી, ખીમા જેસા લાકડીથી, જીવા સેજા, કાના માંડા, પુરીબેન સામત, બાલુ સેજા, સામત બાઘા અને જેસા પાંચા લાકડી અને કુહાડી વડે આડેધડ મારવા લાગ્યા હતા. જેમા આવડાભાઈના માથામા કુહાડીનો ગંભીર ઘા લાગ્યો હતો તેથી તેના પત્ની ડાયીબેન વચ્ચે પડતા તેમને પણ કુહાડી લાગી હતી. ભાઈ વિરા, કાકા મેરા અને ભાઈ ભાવેશ અને કાકાના દીકરા પરબતને પણ ઈજાઓ થઈ હતી અને પિતા બેભાન થયા ત્યાં સુધી મારતા હતા. ઘર પાસેની સરકારી જમીન પોતે વાળેલી છે તે બાઘા પાંચા અને આવડા બાઘાને જોઈતી હોવાથી ખૂનની ઈરાદે આ હુમલો થયો હતો.
બંને પક્ષે ઘવાયેલાઓને પોરબંદરની સરકારી ભાવસિંહજી હોસ્પીટલમાં લવાયા હતા અને આગળની તપાસ પોલીસે હાથ ધરી છે.


Loading...
Advertisement