રાજયમાં મહાપાલિકા-પાલિકા-પંચાયત ચૂંટણીઓ સમયસર જ યોજાશે: પંચ

26 June 2020 10:29 AM
Ahmedabad Gujarat Politics Rajkot
  • રાજયમાં મહાપાલિકા-પાલિકા-પંચાયત ચૂંટણીઓ સમયસર જ યોજાશે: પંચ

રાજયમાં કોરોનાની અનિશ્ચિતતા છતા ચૂંટણી પંચ આગળ વધે છે: ચૂંટણીઓ મુલત્વી રહેવાની શકયતા નકારતા રાજય ચૂંટણી પંચ પ્રવકતા: અમો વિશેષ સાવધાની રાખીશું: રાજકોટ-જામનગર-ભાવનગર સહિત છ મહાપાલિકા- 56 નગરપાલિકા- 230 તાલુકા પંચાયત ચૂંટણીઓની તૈયારી શરૂ

રાજકોટ: ગુજરાતમાં કોરોનાના સંક્રમણની સ્થિતિ હજુ ગંભીર છે અને રાજયનું વહીવટીતંત્ર પણ હજુ કોરોના સંબંધીત કામગીરીમાં વ્યસ્ત છે અને તબકકાવાર ન્યુ નોર્મલ ભણી સ્થિતિ લઈ જવા પ્રયાસ છે તે સમયે રાજયમાં આ વર્ષના અંતે યોજાનારી મહાનગરપાલીકા તથા જીલ્લા-તાલુકા પંચાયતની ચૂંટણીનું શેડયુલ છે તે પાછી ઠેલાવાની શકયતા નકારતા રાજયના ચૂંટણી પંચે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું છે કે, તમામ સાવચેતીના પગલા સાથે આ ચૂંટણીઓ નિયત સમયે જ યોજવામાં આવશે.

રાજયમાં અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ, ભાવનગર, જામનગરની મહાપાલિકાઓની ચૂંટણી અને 56 નગરપાલીકા, 31 જીલ્લા પંચાયત અને 230 તાલુકા પંચાયતોની ચૂંટણીમાં નવેમ્બર-ડિસેમ્બરમાં શેડયુલ છે જેમાં એવા સંકેત મળતા હતા કે આ તમામ સ્થાનિક સંસ્થાઓની મુદત પુરી થયા બાદ ત્યાં વહીવટદારનું શાસન મુકીને આગામી વર્ષ- ચૂંટણી યોજવા માટે નિર્ણય સેવાઈ શકે છે પણ રાજયના ચૂંટણી પંચના સેક્રેટરી અને પ્રવકતા એમ.પી.જોષીએ એક વાતચીતમાં જણાવ્યું કે, પંચ નવેમ્બરમાં ચૂંટણી યોજવા માટે પુરી રીતે તૈયાર છે અને કોરોનાના કારણે ચૂંટણીઓ મુલત્વી રાખવાનો વિલંબમાં મુકવાનો કોઈ પ્રશ્ન જ નથી.

પંચે જણાવ્યું કે, નવેમ્બર માસમાં આ તમામ ચૂંટણીઓ યોજવા માટે પંચે તૈયારી શરુ કરી જ છે. રાજય સરકારે મહાપાલિકામાં હવા ક્ષેત્રનો સમાવેશ કરી લીધો છે અને મહાપાલિકાના કદ પણ મોટા થઈ ગયા છે અને તેથી અમારે વોર્ડના નવા સિમાંકનથી પ્રક્રિયા જે કરવાની રહે છે તે આગામી બે માસમાં પુરી કરાશે. જો કે રાજય સરકારે તે યોગ્ય સમયમાં નોટીફાય કરવું જરૂરી બનશે.

કોરોના સંદર્ભમાં ચૂંટણી પંચે અનેક સલામતી ઉપાયોની ચર્ચા કરી જ છે. ચૂંટણી પંચે હાલની પેટાચૂંટણીમાં જે ઉપાયો લીધા છે અને બિહાર સહિતની ચૂંટણીમાં તે લેવા જઈ રહી છે તેને પણ અમો ગુજરાતમાં અમલમાં મુકીશું અને મતદાર યાદી અંગે અમે જણાવ્યું કે વિધાનસભામાં જે મતદાર યાદીનો ઉપયોગ કર્યો હતો તેનો ઉપયોગ આ ચૂંટણી યોજવામાં કરવામાં આવશે જો કે જયાં નવા વોર્ડનું સિમાંકન થયું છે ત્યાં મતદાર યાદી કરશે.


Related News

Loading...
Advertisement