‘વગર ઘરાકીએ’ સોનાનો ભાવ રૂા.50000: સોનીબજારમાં ‘સુમસામ’ જેવી હાલત

25 June 2020 03:51 PM
Rajkot Business
  • ‘વગર ઘરાકીએ’ સોનાનો ભાવ રૂા.50000: સોનીબજારમાં ‘સુમસામ’ જેવી હાલત
  • ‘વગર ઘરાકીએ’ સોનાનો ભાવ રૂા.50000: સોનીબજારમાં ‘સુમસામ’ જેવી હાલત

લોકડાઉન પછી ઉંચા ભાવને કારણે ઝવેરીઓની માઠી: સોનુ લેનારા તો ઠીક, હવે વેચનારા પણ આવતા નથી: આયાતી માલની આવક બંધ જેવી, જુના માલના રિસાયકલીંગમાં જ વ્યવહાર સચવાય જાય છે

રાજકોટ તા.25
રાજકોટ સહિત દેશભરમાં સોનાના વેપારને ઘણા વખતથી ‘ગ્રહણ’ લાગ્યુ હોય તેવી દશા હતી જ તેવા સમયે લોકડાઉને હાલત વધુ ખરાબ કરી છે ત્યારે હવે વગર ઘરાકીએ ભાવ વધતા હોવાનો ઘાટ સર્જાયો છે. દસ ગ્રામ સોનાના ભાવ 50,000ની ઐતિહાસિક સપાટીએ પહોંચી ગયો છે પરંતુ લેનારા કે વેચનારા નથી.

વૈશ્વીક તેજીના પ્રભાવ હેઠળ સોનાના ભાવો સતત ઉછળી રહ્યા છે. રસપ્રદ બાબત એ છે કે સામાન્ય રીતે કોઈપણ કોમોડીટીમાં તેજી-મંદી ડીમાંડ-સપ્લાયના સિદ્ધાંત આધારીત થતી હોય છે. પરંતુ સોનુ તો ઘરાકી વિના જ તેજીના માર્ગે દોડી રહ્યું છે. રાજકોટમાં સોનાનો ભાવ ગઈ સાંજે 50250 સુધી પહોંચી ગયો હતો તેના આજે બપોરે 49750નો ભાવ હતો. રોકડામાં 49000નો ભાવ હતો. અત્યાર સુધીનો રેકોર્ડબ્રેક ભાવ છે. આ જ રીતે આજે ચાંદીનો ભાવ બીલમાં 48400 હતો. રોકડામાં 47500 હતો.

ઝવેરીઓનો એવો દાવો છે કે સોનીબજારમાં ઘરાકી જ નથી. અગાઉ આર્થિક મંદી સ્લોડાઉનને કારણે અગાઉ વેપાર-ઘરાકી ઓછા હતા. હવે કોરોના લોકડાઉન પછી હાલત અત્યંત ખરાબ છે. અઢી-ત્રણ મહિના તો દુકાનો ખોલવા પર જ પ્રતિબંધ હતો. એકાદ મહિનાથી દુકાનો ખુલી છે તો ઘરાકી નથી. ઘરાકી વિના પણ ભાવો સતત ઉછળે છે તે પાછળનું કારણ વિશ્વબજારની તેજી છે.

આંતરરાષ્ટ્રીય બજારમાં સોનુ 1762 ડોલર થયું છે. કોરોનાનું સંકટ વધી રહ્યું છે, નવો વેવ શરુ થઈ રહ્યાની ચેતવણી આપવામાં આવી રહી છે. અર્થતંત્રને વધુ મોટો ફટકો પડી શકે છે. ભારત-ચીન સંબંધો ઉપરાંત અમેરિકા-ચીનના વેપારવિવાદ સહિતના કારણો વિશ્વસ્તરે તેજી ભડકાવી રહ્યા છે બાકી રીટેઈલ ડીમાંડ ઠપ્પ જેવી છે.

ઝવેરીઓના કહેવા પ્રમાણે અગાઉ ભાવવધારો થાય ત્યારે રીટેઈલરો તથા ઈન્વેસ્ટરો માલ વેચવા ઉતરી પડતા હતા. પરંતુ અત્યારે પરિસ્થિતિ એવી છે કે લેનારાની જેમ વેચનારા પણ નથી. લોકડાઉન ખુલ્યા પછી તુર્ત રોકડની જરૂરિયાતવાળો કેટલોક વર્ગ દાગીના વેચવા આવતો હતો. ઝવેરીઓને ગમે તેમ રોકડની વ્યવસ્થા કરવી પડતી ત્યારે ભાવગાળો 3000 રૂપિયા થઈ ગયો હતો. તે હવે 800-1000 રૂપિયા થઈ ગયો હોવા છતાં હવે વેચનારાની સંખ્યા ઘટી ગઈ છે.

જાણીતા ઝવેરીઓ એવો સ્પષ્ટ સૂર વ્યક્ત કરી રહ્યા છે કે હજુ ટુંકાગાળામાં ઘરાકી વધવાની કે સોનીબજારમાં ચળકાટ આવવાની શકયતા દેખાતી નથી. દિવાળીના તહેવારોનો ગાળો મુખ્ય હોય છે ત્યારે પણ સામાન્ય વર્ષો જેવી ઘરાકી રહેશે કે કેમ તે વિશે છે. કોરોનાની હાલત કેવો વળાંક લેશે તેની કોઈને ખબર નથી એટલે અત્યારે લોકો સોનાની ખરીદીમાં ખચકાટ રાખે છે. રોકડ નાણાં હાથ પર રાખવાનું માનસ છે. કોરોનાનો હાઉસ ઘટવાને બદલે વધી રહ્યો છે.

કારણ કે નવા કેસો વધી રહ્યા છે. ભયભીત લોકો બહાર નીકળવામાં સાવચેતી રાખી રહ્યા છે. ગ્રામ્ય ભાગોની ઘરાકી મોયી હોય પરંતુ તે વર્ગ પણ નથી આવતો. ચોમાસામાં આમેય ઘરાકી નથી હોતી. પરંતુ આ વર્ષે ચોમાસાને બદલે કોરોનાના ડરનો જ માર છે અને તેમાંથી બજારની ગાડી કયારે પાટે ચડશે તે વિશે કાંઈ કહી શકવાની સ્થિતિ નથી.

સોનાની આયાત ઠપ્પ જેવી: એક સાથે 10-20 બિસ્કીટ કદાચ ન પણ મળે
સોનીબજારના એક બુલીયન વેપારીએ કહ્યું કે સોનામાં રીટેઈલ કે ઈન્વેસ્મેન્ટરૂપી ઘરાકી નથી. ગાડી કયારે પાટે ચડશે તે નકકી નથી ત્યારે આયાતી સોનુ આવતુ જ લગભગ બંધ થઈ ગયું છે. અત્યારે થોડા ઘણા વેપાર થાય છે તે ગ્રાહકો દ્વારા વેચાતા દાગીનાના માલમાં સરભર થઈ જાય છે. પરિસ્થિતિ એવી છે કે સ્વીસ માર્કાવાળા બિસ્કીટ માટે જ કોઈ આગ્રહ કરે તો બીલ સિવાય એક જ સ્થળેથી 10-20 બિસ્કીટ મળવા મુશ્કેલ છે. આ પાછળનું કારણ સ્પષ્ટ છે. આયાતી માલ આવતો નથી અથવા સાવ ઓછો આવે છે.

જુના સોનાના વેચાણમાં ભાવનો ગાળો ઘટી ગયો
ઝવેરીઓએ એમ કહ્યું કે લોકડાઉન પછી માર્કેટ ખુલ્યા ત્યારે રોકડની ખેંચ અનુભવતા કેટલાંક લોકો દાગીના વેચવા ઉતરી પડયા હતા. ઝવેરીઓ પાસે ઘરાકો આવતા ન હતા એટલે આ સોનુ સ્ટોક કરવા જેવી હાલત હતી. આ વખતે જુના અને નવા સોના વચ્ચેનો ભાવગાળો 3000 રૂપિયા જેવો થઈ ગયો હતો. જૂનુ સોનુ વેચનારાઓમાં કચવાટ હતો. પરંતુ ઝવેરીઓ પાસે પણ કોઈ વિકલ્પ ન હતો. હવે આ ભાવગાળો ઘટીને 800-1000 રૂપિયા થઈ ગયો હતો. સોનાના ભાવ વધુ વધવાની ગણતરીએ લોકોએ સોનુ વેચવાનું ધીમુ કરી નાખ્યુ છે.


Related News

Loading...
Advertisement