જસદણમાં પ્રેમ સંબંધ મામલે યુવાનની હત્યા

24 June 2020 12:32 PM
Jasdan
  • જસદણમાં પ્રેમ સંબંધ મામલે યુવાનની હત્યા

યુવતીના પરિવારજનો યુવાનને વાડીએ સમજાવવા આવ્યાં બાદ હથિયારો લઇ તૂટી પડ્યા: હાથ-પગ ભાંગી નાખ્યા અને માથામાં ગંભીર ઇજાથી હોસ્પિટલે સારવારમાં ખસેડાય તે પૂર્વે દમ તોડ્યો: યુવાનને છોડાવવા વચ્ચે પડેલા માતા અને દાદી પણ ઘવાયા: હત્યા, હુમલો અને રાયોટ સહિતની કલમ હેઠળ ગુન્હો નોંધાયો: પરિવારમાં અરેરાટી

રાજકોટ,તા. 24
જસદણનાં સરતાનપરમાં પ્રેમસંબંધ મામલે કોળી યુવાનને સમજાવવા ગયેલાં યુવતીના પરિવારજનોએ માથાકૂટ કરી પાઈપ વડે હુમલો કરી યુવકનાં હાથ-પગ ભાંગી નાખ્યા હતા અને માથામાં પણ ગંભીર ઇજા થઇ હતી. હુમલામાં યુવકના દાદી અને માતાને પણ ગંભીર ઇજા થતાં સારવારમાં ખસેડાયા હતાં. યુવકને પ્રાથમિક સારવાર ભાવનગર અને બોટાદ મળ્યા બાદ વધુ સારવાર માટે અમદાવાદ સિવિલમાં ખસેડવામાં આવતાં યુવકે સારવાર પૂર્વે જ દમ તોડી દેતા બનાવ હત્યામાં પલટાયો હતો.

નવ આરોપી સામે રાયોટ, હુમલો અને હત્યાનો ગુન્હો નોંધી વધુ કાર્યવાહી આદરી છે.બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર, વિંછીયાના સરતાનપરમાં રહેતા જેન્તીભાઈ આંબાભાઈ રોજાસરા કોળી (ઉ.43) નામનાં આધેડે તેના જ ગામનાં જયંતીલાલ વિઠ્ઠલ મકવાણા, વિનુ વિઠ્ઠલ મકવાણા, મનુ વિઠ્ઠલ મકવાણા, પ્રકાશ જયંતી મકવાણા, બુધા જયંતી મકવાણા અને બીજા ચાર અજાણ્યા માણસો વિરુધ્ધ ફરિયાદ કરતાં હત્યા, રાયોટ અને હુમલાની કલમ હેઠળ જસદણ પોલીસે ગુન્હો નોંધી તપાસ આદરી છે. જેન્તીભાઈએ ફરિયાદમાં જણાવ્યું હતું કે, પોતે ખેતીકામ કરે છે.

તેને સંતાનમાં બે દીકરા એક દીકરી છે. જેમાં આશિષ મોટો છે. અને તેણે 12 પાસ સુધીનો અભ્યાસ કર્યો છે. આશિષને આરોપી મનુભાઈ મકવાણાની દીકરી સાથે પ્રેમસંબંધ હોય જે આરોપીને તેમનાં પરિવારને સારુ નહીં લાગતા જેથી યુવતીના પરિવારના સભ્યો વાડીએ આવી આશિષ તથા આશિષના માતા મુક્તાબેન અને દાદી શિવુબેનને સમજાવટ કરીને પાઈપ વડે હુમલો કર્યો હતો.

જેમાં મુક્તાબેન અને શિવુબેનને પણ ઇજા થઇ હતી તેમજ આશિષના બન્ને પગ ભાંગી નાખ્યા હતાં અને હાથમાં પણ ગંભીર ઇજા કરી હતી અને આરોપીઓ પલાયન થયા હતાં. ઘવાયેલા આશિષને ભાવનગર, બોટાદ બાદ અમદાવાદ સિવિલમાં ખસેડવામાં આવતાં તેનું સારવાર મળે તે પૂર્વે જ મોત નીપજ્યું હતું.
આ ઘટના અંગે જસદણ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવામાં આવતાં પીઆઈ કે.આર. રાવત સહિતનાં સ્ટાફે આરોપીને દબોચી લેવા તજવીજ આદરી છે.


Loading...
Advertisement