અનલોક-ટુ: ગુજરાતમાંથી સમયની પાબંદી હટાવવા તૈયારી

24 June 2020 11:09 AM
Ahmedabad Gujarat Rajkot
  • અનલોક-ટુ: ગુજરાતમાંથી સમયની પાબંદી હટાવવા તૈયારી

રાજયભરમાં માસ્ક- સોશ્યલ ડીસ્ટન્સનો જ હવે આગ્રહ રખાશે: રાત્રી કર્ફયુ જવાના સંકેત: જીમ-બગીચા ખોલી નખાશે: રાજય સરકાર પાસે ધારાસભ્યો-ચેમ્બર્સ સહિતના ફીડબેક આવ્યા: આજે વિચારણા: તા.1 જુલાઈથી અમલ

રાજકોટ: ગુજરાતમાં લોકડાઉન-4 બાદ હવે અનલોક-વનમાં જે વ્યાપક છૂટછાટ અપાઈ છે તેમાં આગળ વધીને તા.1 જુલાઈથી અનલોક-ટુનો પ્રારંભ થશે અને તેમાં હવે છૂટછાટોને આગળ વધારવાની માંગ છે.

રાજય સરકાર પાસે બે મુખ્ય માંગ આવી છે. હાલ જે રીતે સાંજે 7 વાગ્યે વ્યાપાર-ધંધા બંધ કરી દેવાની ફરજ પડે છે અને રાત્રીના નવ વાગ્યાથી કર્ફયુ લાદી દેવામાં આવે છે. તે સમયમાં ફેરફાર કરીને મોડી રાત્રી સુધી વ્યાપાર-ધંધા ચાલુ રાખવાની માંગ છે.

રાજય સરકારે ધારાસભ્યો- સાંસદો પાસેથી ફીડબેક મેળવ્યા છે અને રાત્રીના 9 બાદ લોકોને બહાર આવવા જવામાં મુશ્કેલી પડી રહી છે અને સાંજે 7 વાગ્યા બાદ પણ વ્યાપાર-ધંધા ખાસ કરીને રેસ્ટોરા-હોટલ-બજારોને 10 કે 11 વાગ્યા સુધી ખુલ્લા રાખવાની માંગ છે.

આ ઉપરાંત હવે જીમને પૂર્ણ રીતે ખોલવા દેવાની તથા રેસ્ટોરા જે સાંજે 7 વાગ્યે બંધ કરી દેવાનો આદેશ છે. તેઓને સાંજનો ડિનર- બીઝનેસ જ મુખ્ય હોય છે. તેઓને ભારે નુકશાન સહન કરવું પડયું છે. સૂત્રોના જણાવ્યા મુજબ રાજય સરકાર સોશ્યલ ડીસ્ટન્સ તથા માસ્કના પાલનના કડક આદેશ સાથે હવે ‘સમય’ની તમામ પાબંદી હટાવી લેશે તેવો સંકેત છે અને રાત્રીના કર્ફયુ પણ જશે.

જેનાથી આવાગમન કરતા મુસાફરોને રાહત રહે તથા ખાનગી ટ્રાવેલ બીઝનેસ જે મર્યાદીત છે તેને પણ વેગ મળશે. જો કે હજું અમદાવાદ-સુરત જેવા ક્ષેત્ર જયાં કેસ હજુ પણ ચિંતાજનક છે ત્યાં છૂટછાટો મર્યાદીત રહેશે.


Related News

Loading...
Advertisement