સોમવારથી શાળાઓના નવા શૈક્ષણિક સત્રનો પ્રારંભ: વિદ્યાર્થીઓને ઘેર બેઠા અપાશે શિક્ષણ

06 June 2020 06:14 PM
Rajkot Gujarat
  • સોમવારથી શાળાઓના નવા શૈક્ષણિક સત્રનો પ્રારંભ: વિદ્યાર્થીઓને ઘેર બેઠા અપાશે શિક્ષણ

સરકારી-ગ્રાન્ટેડ શાળાઓના ધો.1 થી 8 અને 9 થી 12ના છાત્રોને સ્ટડી મટીરીયલ્સ આપવા કાર્યવાહી : સ્વનિર્ભર સંસ્થાઓ દ્વારા આવતા સપ્તાહથી વિદ્યાર્થીઓને ઓનલાઈન શિક્ષણ: ડો.ભરાડ : પ્રાથમિક વિભાગના બાળકોને તા.13 સુધીમાં પહોંચતા થશે પાઠયપુસ્તકો : શિક્ષણમંત્રી દ્વારા સ્વનિર્ભર શાળા સંચાલકો-સંઘો સાથે વિડીયો કોન્ફરન્સ

રાજકોટ તા.6
રાજકોટ સહિત રાજયભરની પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં ઉનાળુ વેકેશન પૂર્ણ થતા જ આગામી તા.8ને સોમવારથી નવા શૈક્ષણિક સત્રનો પ્રારંભ થનાર છે પરંતુ કોરોનાના ફૂંફાડાના પગલે એક માસ સુધી વિદ્યાર્થીઓને શાળા પર નહીં જવા શિક્ષણ વિભાગ દ્વારા ફરમાન કરી વિદ્યાર્થીઓને ઓનલાઈન શિક્ષણ આપવા આદેશ કરેલ છે.

તેની સાથોસાથ રાજયની પ્રાથમિક અને માધ્યમિક શાળાઓમાં તા.8થી ધો.1માં તેમજ ધો.9માં પ્રવેશ આપવાની કામગીરી શરૂ કરી પ્રવેશ પામેલ વિદ્યાર્થીઓની ડાયસમાં ડેટા એન્ટ્રી કરાવવા ઉપરાંત જે વિદ્યાર્થીઓને રાજય સરકાર દ્વારા વિનામૂલ્યે પાઠયપુસ્તકો પૂરા પાડવામા આવે છે તેવા વિદ્યાર્થીઓને તા.8 થી તા.13 સુધીમાં પાઠયપુસ્તકો મળી રહે તેવી વ્યવસ્થા કરવા તાકીદ કરી છે.

તેમજ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ અને જી.સી.ઈ.આર.ટી. દ્વારા ડી.ડી. ગીરનાર ટીવી ચેનલ પરથી શૈક્ષણિક કાર્યક્રમોનુ પ્રસારણ કરવામાં આવશે
દરમ્યાન આ સંદર્ભે રાજયના શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા દ્વારા ગઈકાલે સ્વનિર્ભર શાળા સંચાલક મંડળની કોર કમીટી તેમજ શિક્ષક સંઘો સહિતના સાથે વિડીયો કોન્ફરન્સ આયોજીત કરી જરૂરી માહિતી પૂરી પાડી આ અંગે ચર્ચા કરી હતી. આ પ્રેસ કોન્ફરન્સમાં શિક્ષણ વિભાગના સચિવ સહિતના અધિકારીઓએ પણ ભાગ લીધો હતો.

આ અંગે સ્વનિર્ભર શાળા સંચાલક મંડળના શિક્ષણવિદ ડો.જતીનભાઈ ભરાડનો સંપર્ક કરાતા તેઓએ લર્નીંગ વિધાઉટ સ્કૂલીંગથી વિદ્યાર્થીઓને આવતા સપ્તાહથી ઓનલાઈન શિક્ષણ આપવાનુ શાળા સંચાલકો શરૂ કરી દેશે. શિક્ષણમંત્રી ચુડાસમા સાથેની બેઠકમાં આ અંગે ચર્ચા કરવામા આવી હતી.

કોરોના વાયરસના કહેરના પગલે શાળા સંચાલકો પણ શાળાઓ શરૂ કરવાનુ હમણા જોખમ લેવા માંગતા ન હોવાનો પ્રતિભાવ પણ શિક્ષણમંત્રી સમક્ષ વ્યકત કરાયેલ છે. શહેર-જિલ્લામાં સ્વનિર્ભર 450 સહિત સરકારી અને ગ્રાન્ટેડ મળી 1050 જેટલા પ્રાથમિક માધ્યમિક શાળાઓ આવેલ છે.

સ્વનિર્ભર શાળશઓ દ્વારા પાઠયપુસ્તકોનુ લીસ્ટ સોમવારથી આપવાનુ શરૂ કરી દેશે તેમજ આવતા સપ્તાહથી વિદ્યાર્થીઓને ઓનલાઈન શિક્ષણ આપવાનુ શરૂ કરી દેશે તેમ તેઓએ જણાવ્યુ હતુ.

દરમ્યાન આ અંગે શિક્ષણાધિકારી ઉપાધ્યાયે જણાવ્યુ હતુ કે રાજકોટ સહિત રાજયના ચાર ઝોનમાં ધો.9 થી 12ના વિદ્યાર્થીઓ માટે સ્ટડી મટીરીયલ્સ તૈયાર કરવાની સુચના શિક્ષણ બોર્ડ દ્વારા અપાયેલ છે જે અંતર્ગત રાજકોટ ઝોન ધો.11નુ સ્ટડી મટીરીયલ્સ તૈયાર કરવાની કામગીરી સોંપાતા આ સ્ટડી મટીરીયલ તૈયાર કરવાનુ શરૂ કરી દેવામા આવેલ છે.

જે તૈયાર થયે બોર્ડને મોકલી અપાશે. જુન માસમાં વિદ્યાર્થીઓને ઘેર બેસી ભણવાનુ હોય ધો.9 થી 12ના વિદ્યાર્થીઓને મટીરીયલ્સનુ વિતરણ કરાશે. વિદ્યાર્થીઓ ઘરે બેસી શિક્ષણ મેળવી શકે તે માટે તૈયારીઓનો ધમધમાટ શાળાઓ દ્વારા કરી દેવામા આવેલ છે.

દરમ્યાન જિલ્લાની સરકારી અને ગ્રાન્ટેડ માધ્યમિક શાળાઓના વિદ્યાર્થીઓને પાઠયપુસ્તકો પહોંચાડી દેવાયા બાદ જિલ્લાની સરકારી પ્રાથમિક શાળાઓને પણ તા.13 સુધીમાં પુસ્તકો પહોંચાડી દેવામાં આવશે.


Related News

Loading...
Advertisement