ભારત કોરોનાના કુલ પોઝીટીવમાં ઇટલીથી આગળ : એક જ દિવસમાં 300 મૃત્યુઆંકનો નવો રેકોર્ડ

06 June 2020 06:12 PM
India
  • ભારત કોરોનાના કુલ પોઝીટીવમાં ઇટલીથી આગળ : એક જ દિવસમાં 300 મૃત્યુઆંકનો નવો રેકોર્ડ

આવતા સપ્તાહથી મોલ અને રેસ્ટોરા ખૂલી રહ્યા છે તે પૂર્વે દેશમાં કોરોનાનું ચિત્ર વધુ બિહામણું બન્યું : દેશમાં સતત છઠ્ઠા દિવસે 9 હજારથી વધુ કેસ : યુપી-બિહારમાં વધી રહેલા કેસમાં 70 ટકા વતનવાપસી કરનાર મજદૂરો : મુંબઈ સહિત મહારાષ્ટ્ર, પાટનગર દિલ્હી અને અમદાવાદ સહિત ગુજરાતનું કોરોના ચિત્ર ધ્રુજાવે છે

નવીદિલ્હી,તા. 6
ભારતમાં લોકડાઉનને બદલે અનલોક શબ્દનો કેન્દ્ર સરકારે ઉપયોગ કર્યો પણ તેની સાથે સામાન્ય જનજીવન કરતાં કોરોના વધુ અનલોક થયો હોય તેવા સંકેત છે અને છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોનાના 9887 નવા કેસ નોંધાયા છે. તથા પ્રથમ વખત શુક્રવારે એવું બન્યું છે કે ભારતમાં કોરોનાના કારણે 300 મૃત્યુ નોંધાતા કુલ મૃત્યુઆંક 6575 થઇ ગયો છે. જો કે સરકાર હજુ ઇટાલી અને અમેરિકાથી ભારતનો મૃત્યુઆંક અત્યંત નીચો 2.8 ટકા હોવાનો દાવો કરે છે. સરકારે બચાવમાં કહ્યું કે વૈશ્વીક મૃત્યુઆંક 5.8 ટકા છે જ્યારે ભારતમાં તે નીચો છે. દેશમાં છેલ્લા 7 દિવસમાં સરેરાશ 239 મૃત્યુ રોજ નોંધાયા છે જે એક સપ્તાહ પહેલાના સરેરાશ 179 મૃત્યુ કરતાં 33 ટકા વધુ છે.

ભારત આ સાથે રોજના 10 હજાર નવા કેસમાં પણ નજીક આવી ગયો છે. ગઇકાલે 9887 કેસ નોંધાયા અને દેશ કુલ કેસોમાં ઇટાલીથી પાછળ રાખીને છઠ્ઠા નંબરે પહોંચી ગયું છે. ઇટાલીમાં નવા કેસોની સંખ્યા તબક્કાવાર ઘટી રહી છે અને ભારતમાં વધી રહી છે.ગ્લોબલ ડેટા મુજબ ઇટાલીમાં હાલ 2,34,013 પોઝીટીવ કેસ છે અને ભારતમાં 2,34,163 થયા છે આમ ભારતે હવે ઇટાલીને પાછળ ધકેલી દીધું છે. જો કે સરકાર હજુ પણ દેશની આબાદીની સંખ્યામાં પોઝીટીવ ઓછા હોવાનો આંકડો આપે છે. ભારતમાં રિકવરી રેટ 48.27 ટકા હોવાનું જણાવાય છે.

કોરોનાના કુલ કેસમાં સરકાર દ્વારા જે રીતે પરપ્રાંતિય મજૂરોની હેરફેરને પહેલા બ્રેક લગાવાઈ પછી ઓચિંતી મોટાપાયે હેરફેર શરુ કરાઈ તેના કારણે આ કામદારોના કોરોના સુપર કેરિયર બની ગયા હોવાનો સંકેત છે. ઓરિસ્સાના ગંજમ જિલ્લામાં 499 કેસ થયા છે જેમાં 80 ટકા ગ્રામીણ વિસ્તારના છે. 2 મે સુધી અહીં એક પણ કેસ નહોતો અને અહીંના લોકો અન્ય રાજ્યોમાંથી આવ્યા તેઓ કોરોના લેતા આવ્યા છે. ઉતરપ્રદેશમાં 30 લાખ મજૂરો પહોંચ્યા છે અને હવે તે પણ ચિંતાનો વિષય બની ગયા છે.

આગામી સપ્તાહથી દેશમાં મોલ અને રેસ્ટોરા ખોલવાની તૈયારી છે તે સમયે આ પ્રકારે વધેલા કેસ એ ચિંતાનો વિષય છે. મહારાષ્ટ્રમાં હાલત સતત બગડતી રહી છે અને અહીં કોરોના પોજીટીવ કેસ 80,229 થયા છે. ગઇકાલે 2436 નવા કેસ સામે આવ્યા હતા અને 139ના મૃત્યુ થયા છે. મુંબઈમાં 1149 કેસ વધ્યા છે અને મહાનગરમાં કુલ 46080 પોઝીટીવ થયા છે. મુંબઈમાં 54 લોકો અને થાણેમાં 30 લોકો સહિત રાજ્યમાં 149 કોરોનાથી મોત થયા છે. અને મહારાષ્ટ્રમાં કુલ મોતની સંખ્યા 2849 થઇ ગઇ છે.
દેશની રાજધાની દિલ્હી પણ વુહાન જેવો ટ્રેન્ડ બતાવી રહી છે. કોરોનાના કારણે દિલ્હી દેશમાં નંબર ત્રણ પર પહોંચી ગયું છે. 1 જૂનથી 3 જૂન વચ્ચે અહીં 44 લોકો કોરોનાથી મૃત્યુ પામ્યા હતાં. દિલ્હીમાં કુલ 708 લોકો મૃત્યુ પામ્યા છે.


Related News

Loading...
Advertisement