રાજકુમાર કોલેજની પ્રતિષ્ઠા ખરડાતા 10 જૂને ફાઉન્ડીંગ હાઉસના પ્રતિનિધિઓની મિટીંગ

06 June 2020 06:08 PM
Rajkot Saurashtra
  • રાજકુમાર કોલેજની પ્રતિષ્ઠા ખરડાતા 10 જૂને ફાઉન્ડીંગ હાઉસના પ્રતિનિધિઓની મિટીંગ

રાજકોટ તા.6
ગુજરાત રાજયની પ્રતિષ્ઠીત શૈક્ષણિક સંસ્થાના રાજકુમાર કોલેજ દ્વારા લોકડાઉન દરમિયાન પણ વિદ્યાર્થીઓ પાસે ફીની માંગણી કરીને રાજય સરકારની ગાઈડલાઈન્સનો ઉલ્લંઘન કર્યો હતો. આ સહિત અનેક બાબતોને લઈને ફાઉન્ડીંગ હાઉસીઝે 10 જૂનનાં રોજ સંસ્થાના પ્રિન્સીપાલ, ટ્રસ્ટ સેક્રટરી અને સંચાલકો સાથે બેઠક કરવાનો નિર્ણય લીધો છે.

આ અંગે માંધાતાસિંહે જણાવ્યું હતું કે, કોરોનાના વધતા જતાં સંક્રમણને ધ્યાને લઈને લોકડાઉન અમલી બનાવવામાં આવ્યું હતું. લોકડાઉન દરમિયાન કોઈપણ શૈક્ષણિક સંસ્થા વિદ્યાર્થીઓ પાસેથી ફીની માંગણી ન કરી શકે તેવી સરકારની ગાઈડલાઈન્સ હતી તેમ છતાં રાજકુમાર કોલેજ દ્વારા વિદ્યાર્થીઓ માટે ફીની માંગણી કરી હતી. આ બાબતે અમે પ્રિન્સીપાલ, ટ્રસ્ટ સેક્રેટરી અને સંચાલકોને સરકારની ગાઈડલાઈન્સ અનુસરવા માટે પત્ર લખ્યો.

રાજકુમાર કોલેજ માનવીય મૂલ્યો અને પ્રજાભિમુખતાના પાયા પર ઉભેલી સંસ્થા છે. પરંતુ સમયાંતરે રાજકુમાર કોલેજની પ્રતિષ્ઠા ખરડાય તેવી બાબતો સામે આવી રહી છે. આ અંગે પત્ર દ્વારા પણ સંસ્થાની ગરીમા જળવાય તે માટે ટકોર કરવામાં આવી હતી. પરંતુ તેની સતત ઉપેક્ષા જ કરવામાં આવી હતી.

આ તમામ બાબતે એક પત્ર દરબાર સાહેબ ઓફ જેતપુર મહિપાલસિંહ વાળાને પાઠવીને 10 જૂનના રોજ મિટીંગનું આયોજન કરવા જણાવ્યું છે. તાજેતરમાં વિદ્યાર્થી સંગઠન દ્વારા પણ રાજકુમાર કોલેજમાં જઈને રજુઆત કરવામાં આવી હતી.

આ અંગે માંધાતાસિંહે જણાવ્યું હતું કે, શૈક્ષણિક સંસ્થામાં બનેલી આ પહેલી ઘટના છે તેથી રાજકુમાર કોલેજના તમામ ફાઉન્ડીંગ હાઉસીઝના સભ્યોએ તા.10 જૂનને બુધવારે મિટીંગનું આયોજન કર્યુ છે. જેમાં સરકારી માર્ગદર્શિકાનો અમલ, ગુણાત્મક ઓનલાઈન કલાસીઝ, ફાઉન્ડીઝ હાઉસીઝના પ્રશ્નો, સંસ્થાના બંધારણ પાલન તથા વિદ્યાર્થીઓ, વાલીઓ, કર્મચારીઓને લગતાં પ્રશ્નો વિશે વિગતવાર ચર્ચા થશે.


Related News

Loading...
Advertisement