શહેર કોંગ્રેસમાં ભડકો: મોઢવાડીયાના ફોન છતાં કોઈ નેતા ‘નીલસીટી’ ન ગયા

06 June 2020 05:21 PM
Rajkot Gujarat
  • શહેર કોંગ્રેસમાં ભડકો: મોઢવાડીયાના ફોન છતાં કોઈ નેતા ‘નીલસીટી’ ન ગયા

કોંગ્રેસને ભાજપનો પડકાર તો છે જ, અંદરોઅંદર પણ માથાકુટ અટકતી નથી: પ્રદેશ નેતાગીરી તરફથી કોઈ સૂચના ન મળ્યાનુ સતાવાર કથન છતાં વાસ્તવિક કારણ સાવ જુદુ: ઈન્દ્રનીલ રાજયગુરુના નિલસીટીમાં ધારાસભ્યોને રાખવા સામે વાંધો: સમગ્ર કવાયત માટે માત્ર હોટલનો જ ઉપયોગ કરાયો છે, ઈન્દ્રનીલની કોઈ ભૂમિકા ન હોવાની ચોખવટ છતાં આગેવાનોએ ‘ઘસી’ને ના પાડી દીધી: અન્યત્ર મળવાની તૈયારી

રાજકોટ તા.6
રાજયસભાની ચૂંટણી પુર્વે કોંગ્રેસના ત્રણ ધારાસભ્યોના રાજીનામા પછી હવે પાર્ટીએ ડેમેજ કંટ્રોલ શરૂ કર્યુ છે અને સૌરાષ્ટ્રના તમામ ધારાસભ્યોને રાજકોટમાં ઈન્દ્રનીલ રાજયગુરુના નીલ સીટી ખાતે એકઠા કર્યા છે ત્યારે સંગઠનમાં ભડકો થયો છે. ઈન્દ્રનીલ રાજયગુરુના નીલ સીટીમાં ધારાસભ્યોને રાખવા સામે વાંધો લઈને સ્થાનિક નેતાઓએ ત્યાં જવાનો ઈન્કાર કરી દીધો હતો. પ્રદેશ નેતા અર્જુન મોઢવાડીયાએ ફોન કરવા છતાં કોઈ નેતા માન્યા ન હતા.

શહેર કોંગ્રેસના સૂત્રોએ કહ્યું છે કે પુર્વ ધારાસભ્ય ઈન્દ્રનીલ રાજયગુરુએ અગાઉ જ કોંગ્રેસ સાથે છેડો ફાડી નાખ્યો હતો. હવે તેઓ કોંગ્રેસમાં નથી છતાં સૌરાષ્ટ્રના ધારાસભ્યોને કેમ્પ ઈન્દ્રનીલ રાજયગુરુના નિલ્સ સીટીમાં રાખવામાં આવતા સ્થાનિક કોંગ્રેસના નેતાઓ ભડકયા હતા અને કોઈપણ સ્થાનિક મદદ માટે ધારાસભ્યોના કેમ્પ સ્થળ એવા નિલ્સ સીટીમાં જવાનો સાફ ઈન્કાર કરી દીધો હતો.

કોંગ્રેસના વિધાનસભાના વિપક્ષી નેતા પરેશ ધાનાણી, પુર્વ પ્રદેશ પ્રમુખ અર્જુન મોઢવાડીયા તથા અન્ય કેટલાંક ધારાસભ્યો ગઈરાત્રે જ કેમ્પમાં આવી ગયા હતા. કેમ્પની સમગ્ર જવાબદારી ઉપરોક્ત બન્ને નેતાઓ માથે છે. આજે સવારે અર્જુન મોઢવાડીયાએ સ્થાનિક નેતાઓને ફોન કરીને નિલ્સ સીટીમાં આવવા સૂચવ્યુ હતું. પરંતુ તમામે તમામ નેતાઓએ એક સરખો નકારમાં જવાબ આપ્યો હતો.

કોંગ્રેસના પ્રવકતા હેમાંગ વસાવડા, શહેર પ્રમુખ અશોક ડાંગર, પુર્વ કાર્યકારી પ્રમુખ મહેશ રાજપૂત જેવા આગેવાનોને ફોન થયા હોવાની ચર્ચા છે. મહિલા પ્રમુખ ગાયત્રીબા વાઘેલા પણ ગયા ન હોવાનું કહેવાય છે.

આ મામલે ડો. હેમાંગ વસાવડાનો સંપર્ક કરવામાં આવતા તેઓએ કહ્યું કે કોંગ્રેસના સૌરાષ્ટ્રના ધારાસભ્યો રાજકોટમાં હોવાની હકીકતથી વાકેફ છે. પરંતુ પ્રદેશ નેતાગીરી તરફથી કોઈ જાણ કરવામાં આવી ન હોવાથી કોઈ ગયુ નથી.

સૂત્રોએ એવી પણ માહિતી આપી છે કે, એકાદ આગેવાન દ્વારા તો પ્રદેશ નેતાની સાથે તડાફડી પણ બોલાવવામાં આવી હતી. છેલ્લી ઘડીએ પણ જાણ કરવામાં આવી ન હતી. આખા શહેરને ખબર પડી ત્યારે સ્થાનિક નેતાઓને બારોબાર જાણ થઈ હતી. સતાવાર રીતે તો છેક આજે સવારે 10 વાગ્યા બાદ સ્થાનિક આગેવાનોને જાણ કરવામાં આવી હતી એટલે નારાજ એગેવાનોએ પ્રદેશ નેતાને એક સરખો જ જવાબ આપી દીધો હતો. એમ પણ કહેવાય છે કે તેડુ આવશે જ! તે હકીકતથી વાકેફ સ્થાનિક નેતાઓએ આગોતરુ સંકલન કરી લીધુ હતું અને કોઈના ફોન આવે તો એકસરખા જ જવાબ આપવાનું નકકી કરી લીધુ હતું.

શહેર કોંગ્રેસ પ્રમુખ અશોક ડાંગરનો સંપર્ક કરતા તેઓએ કહ્યું કે કોંગ્રેસના ધારાસભ્યો રાજકોટમાં હોવાની સતાવાર જાણ જ કરવામાં આવી ન હોવાથી ગયા નથી. તમામ નેતાઓનો એકસમાન અભિગમ રહ્યો છે. કોંગ્રેસ રાજયસભાની ચૂંટણી પુર્વે ધારાસભ્યોને સાચવવા માટે ઉંધા માથે છે ત્યારે કોંગ્રેસમાં ભડકો થતા વધુ કફોડી હાલત થઈ છે.


Related News

Loading...
Advertisement