રાજકોટમાં કોરોનાની સારવાર માટે વધુ એક ખાનગી હોસ્પિટલ; HCGને ડેઝીગ્નેટેડ કરવાની તૈયારી

06 June 2020 05:16 PM
Rajkot Saurashtra
  • રાજકોટમાં કોરોનાની સારવાર માટે વધુ એક ખાનગી હોસ્પિટલ; HCGને ડેઝીગ્નેટેડ કરવાની તૈયારી

સરકારી ગાઈડલાઈન મુજબની સગવડતા ઉપલબ્ધ છે કે કેમ ? HCG પાસેથી દરખાસ્ત મંગાવતા જિલ્લા કલેક્ટર

રાજકોટ,તા. 6
રાજકોટમાં કોરોના વાઈરસની સારવાર માટે વધુ એક ખાનગી હોસ્પિટલને ડેઝીગ્નેટેડ જાહેર કરવાની તૈયારીઓ શરુ કરવામાં આવી છે. હાલમાં રાજકોટમાં સરકારી હોસ્પિટલ તથા જામનગર રોડ પરની ક્રાઈસ્ટ હોસ્પિટલમાં કોરોના પોઝીટીવ દર્દીઓની નિ:શુલ્ક સારવાર કરવામાં આવે છે તેમાં એક વધુ ડેઝીગ્નેટેડ હોસ્પિટલને માન્યતા આપવાની તજવીજ શરુ થઇ છે.

રાજકોટની 150 ફૂટ રીંગ પર આવેલી એચ.સી.જી. હોસ્પિટલને કોરોના પોઝીટીવ દર્દીઓની સારવાર માટે ડેઝીગ્નેટેડ જાહેર કરવામાં આવે તે માટે હોસ્પિટલ સત્તાવાળાઓ પાસેથી જિલ્લા કલેક્ટર રેમ્યા મોહને દરખાસ્ત મંગાવી હોવાનું અધિક નિવાસી કલેક્ટર પરિમલ પંડ્યાએ જણાવ્યું હતું.

રાજકોટમાં કોરોના પોઝીટીવના કેસો વધે તો દર્દીઓની સારવારમાં પહોંચી વળાય તે માટે વધુ એક ખાનગી હોસ્પિટલમાં કોરોના પોઝીટીવ દર્દીઓની સારવાર કરવામાં આવે તે માટે એચ.સી.જી. હોસ્પિટલની દરખાસ્ત મંગાવવામાં આવી છે. એચસીજી હોસ્પિટલનાં તબીબો ડો.સંજીવ ભટ્ટ તથા અન્ય એક તબીબે ગઇકાલે જિલ્લા કલેક્ટર રેમ્યા મોહન સાથે બેઠક કરી એચસીજીને કોરોના ડેઝગ્નેટેડ જાહેર કરવા ચર્ચા કરી હતી.

હાલમાં રાજકોટની એચસીજી હોસ્પિટલમાં પ્રથમ માળે બાર બેડની સગવડતા ઉપલબ્ધ કરાવી શકાય તેમ છે. એચસીજી હોસ્પિટલમાં આઈસીયુ, વેન્ટીલેટર સહિતની સુવિધાઓ હાલમાં જે ઉપલબ્ધ છે તદુપરાંત કોરોના પોઝીટીવ દર્દીઓની સીંગલ એન્ટ્રી અને એક્ઝીટ, એમ્બ્યુલન્સ, સારવાર, દવા, નિષ્ણાંત તબીબો સહિતની શું સગવડતા છે ? વધુ સગવડતા શું ઉભી કરી શકાય તેમ છે ? તે સહિતની તમામ વિગતો સાથે હોસ્પિટલ સત્તાવાળાઓ પાસેથી દરખાસ્ત મંગાવવામાં આવી છે.

દરમ્યાન રાજકોટમાં હાલ કોરોના પોઝીટીવનાં દર્દીઓની સારવાર સરકારી સિવિલ તથા ક્રાઈસ્ટ હોસ્પિટલમાં કરવામાં આવે છે. આ તમામ સારવાર ખર્ચ રાજ્ય સરકાર ઉઠાવે છે. હાલમાં કોરોના પોઝીટીવનાં દર્દીઓ પાસે ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે માત્ર ક્રાઈસ્ટ હોસ્પિટલનો જ વિકલ્પ છે. હવે જો એચસીજી હોસ્પિટલ સતાવાળાઓ તમામ સગવડતા ઉભી કરે અને સરકાર માન્યતા આપે તો રાજકોટમાં ક્રાઈસ્ટ બાદ વધુ એક એચસીજી હોસ્પિટલમાં ખાનગી સારવારની સગવડતા મળશે.

આ અંગે એચસીજીનાં સીઇઓ મનિષ અગ્રવાલ પાસેથી તમામ વિગતો-સગવડતા સહિતની દરખાસ્ત આવ્યે સરકાર મંજુરી આપશે તો રાજકોટમાં ક્રાઈસ્ટ બાદ વધુ એક ખાનગી એચસીજી હોસ્પિટલમાં કોરોના દર્દીની સારવાર શરુ થશે તેવું અંતમાં જણાવાયું હતું.


Related News

Loading...
Advertisement