કોંગ્રેસના ધારાસભ્યોને ઝોન મુજબ વહેંચી દેવાયા : એક-એક નેતાઓનો પહેરો : તા.19 સુધી ધારાસભ્યોને રિસોર્ટમાં રહેવાની ફરજ પડાશે

06 June 2020 04:03 PM
Ahmedabad Gujarat Politics Rajkot
  • કોંગ્રેસના ધારાસભ્યોને ઝોન મુજબ વહેંચી દેવાયા : એક-એક નેતાઓનો પહેરો : તા.19 સુધી ધારાસભ્યોને રિસોર્ટમાં રહેવાની ફરજ પડાશે

રાજકીય કોરોનાના સંક્રમણને ખાળવા ગુજરાતમાં રાજય સભાની ચૂંટણી સમયે ફરી રિસોર્ટ પોલીટીકસ શરૂ : અમે હાર માનવાની તૈયારીમાં નથી : ભાજપ સામે વળતો વ્યુહ હોવાનો કોંગ્રેસના અગ્રણીઓનો દાવો : ભાજપને પણ ધારાસભ્યોને ‘કવર’ કરવાની ફરજ પડે તેવી સ્થિતિ : કર્ણાટક મોડેલ સામે ધરાયું

રાજકોટ તા.6
કોરોના ઔર નો કોરોના ગુજરાતમાં રાજયસભાની ચૂંટણી સમયે ફરી એક વખત રિસોર્ટ પોલીટીકસ શરૂ થઇ ગયું છે. ભાજપે કોંગ્રેસના ત્રણ ધારાસભ્યને રાજીનામુ અપાવીને રાજયસભાની ત્રીજી બેઠક જીતવા માટેનો માર્ગ ખુલ્લો કરી દેતા હવે કોંગ્રેસે તેના બાકીના ધારાસભ્યને બચાવવા માટે ફરી એક વખત રાજકોટથી લઇ રાજસ્થાન સુધી ધારાસભ્યોને સલામત કરવાનું શરૂ કરી દીધુ છે અને પક્ષના અલગ-અલગ નેતાઓને તેની જવાબદારી સોંપી દેવામાં આવી છે.

જે મુજબ વિપક્ષના નેતા પરેશ ધાનાણી અને પૂર્વ પ્રદેશ પ્રમુખ અર્જુન મોઢવાડીયાના નેતૃત્વમાં સૌરાષ્ટ્રના કોંગ્રેસના 18 ધારાસભ્યોને રાજકોટના નીલ સીટી રિસોર્ટમાં રાખવામાં આવી રહ્યા છે અને એક બાદ એક ધારાસભ્ય રાજકોટ પહોંચી રહ્યા છે. જેની સાથે કોંગ્રેસના યુવા નેતા હાર્દિક પટેલ પણ જોડાયો છે. તો બીજી તરફ રાજય સભાના ઉમેદવાર ભરતસિંહ સોલંકીને મઘ્ય અને દક્ષિણ ગુજરાતના કોંગ્રેસના ધારાસભ્યને સાચવવાની જવાબદારી સોંપાઇ છે. જયારે સિઘ્ધાર્થ પટેલને ઉત્તર ગુજરાતના ધારાસભ્ય સાથે રહેવા અને તે અકબંધ રહે તે જોવા માટે જણાવાયું છે.

સિઘ્ધાર્થ પટેલના નેતૃત્વમાં ઉત્તર ગુજરાતના ધારાસભ્યને સાચવવાની ચિંતા વધુ હોય તે રીતે તેમને અંબાજીથી આગળ વિન્ડ વાઇન્ડ ફાર્મ હાઉસમાં ફેરવાયા છે. જે રાજસ્થાનની સરહદમાં આવેલ છે. એક તરફ ભાજપે દાવ કર્યો છે કે તેની ત્રણ બેઠકોની જીત નિશ્ચિત થઇ છે પરંતુ કોંગ્રેસના સૂત્રોએ જણાવ્યું કે અમે એમ સહેલાઇથી પરાજય સ્વીકારવા માંગતા નથી અને અમે અમારા જે વર્તમાન ધારાસભ્ય ઉપરાંત અપક્ષ જીજ્ઞેશ મેવાણી અને ભારતીય ટ્રાયબલ પાર્ટીના બે મત મેળવીને પછીનો અમારો વધારાની વ્યુહ રચના અમલમાં મુકવા જઇ રહ્યા છીએ.

જો કે કોંગ્રેસના સૂત્રોએ આ અંગે કોઇ ફોડ પાડયો નથી. પરંતુ સ્વભાવીક છે કે તેની નજર ભાજપના કેટલાક એવા ધારાસભ્યો પર છે કે જે આ પક્ષપલટાથી નારાજ છે. જો કે ભાજપમાંથી હજુ સુધી આ પ્રકારે ક્રોસ વોટીંગની હિંમત ભાગ્યે જ થઇ છે. પણ આગામી દિવસોમાં ભાજપ પણ તેના કેટલાક ધારાસભ્યને ‘કવર’ કરવાનું શરૂ કરી દે તો આશ્ચર્ય થશે નહી.

કર્ણાટકમાં ભાજપને તેના ધારાસભ્યને દિલ્હી, મુંબઇ દોડાવવા પડયા હતા તે સૂચક છે. આમ રાજયમાં તા.19 સુધી રિસોર્ટ પોલીટીકસ અને પાર્ટી પોલીટીકસ બંને ચગતુ રહેશે તે નિશ્ચિત છે.


Related News

Loading...
Advertisement