વઢવાણના અયોઘ્યાનગરમાં ફરી શાક માર્કેટ શરૂ કરવાની ગતિવિધિઓનો રહેવાસી દ્વારા વિરોધ

06 June 2020 03:06 PM
Surendaranagar
  • વઢવાણના અયોઘ્યાનગરમાં ફરી શાક માર્કેટ શરૂ કરવાની ગતિવિધિઓનો રહેવાસી દ્વારા વિરોધ

જરૂર પડે તો કોર્ટમાં જવાની ચીમકી સાથે કલેકટરને ફરી રજૂઆત

(ફારૂક ચૌહાણ)
વઢવાણ તા.6
વઢવાણ 80 ફુટ રોડ પર આવેલા અયોધ્યાનગર ચોકમાં ફરીવાર શાકમાર્કેટ શરૂ થતી અટકાવવા રહીશો કલેક્ટર કચેરીએ દોડી આવ્યા હતા. અને લેખીત આવેદન પાઠવી વઢવાણ પાલિકા હસ્તકના પ્લોટમાં જ માર્કેટ ચાલુ રાખવા માંગ કરી હતી અને યોગ્ય ન્યાય નહીં મળે તો કોર્ટના દ્વાર ખખડાવવાની ચીમકી પણ ઉચ્ચારી હતી. શાકમાર્કેટના કારણે ટ્રાફીકની સમસ્યા ખુબ જ રહેતી હતી
વઢવાણ 80 ફુટ રોડ પર અયોધ્યાનગર ચોક પાસે શાકમાર્કેટના કારણે સ્થાનિકોને ટ્રાફીક સહીતની સમસ્યાનો સામનો કરવો પડતો હતો. જે અંગે રજૂઆત કરતા તંત્ર દ્વારા શાકભાજીના વેપારીઓને અન્ય સ્થળે ખસેડતા વેપારીઓએ કલેક્ટર કચેરીમાં આવેદન પાઠવી ફરી તે જગ્યાએ બેસવાની મંજૂરી આપવા માંગ કરી હતી. ત્યારે શુક્રવારે અયોધ્યાનગર અને આસપાસની સોસાયટીના રહીશો પણ કલેક્ટર કચેરીએ રજૂઆત કરવા દોડી આવ્યા હતા. અને ભવાનસિંહ ટાંક, સુનિલભાઇ ઉમરાણીયા, સંજયભાઇ પાટડીયા, શૈલેષભાઇ વ્યાસ સહીતનાઓએ રજૂઆત કરતા જણાવ્યું કે શાકમાર્કેટના કારણે ટ્રાફીકની સમસ્યા ખુબ જ રહેતી હતી.
જેના કારણે વાહનચાલકો અન રાહદારીઓને મુશ્કેલીનો સામનો કરવો પડતો હતો. તેમજ શાકભાજીનો કચરો એકઠો થવાના કારણે રખડતા પશુઓનો પણ ત્રાસ રહેતો હતો. અને વેપારીઓને પાલિકા દ્વારા જે જગ્યા ફાળવવામાં આવી છે તે યોગ્ય છે. તંત્ર દ્વારા ફરીવાર અયોધ્યાનગર ચોકમાં શાકમાર્કેટ શરૂ કરવાની મંજૂરી ન આપવામાં આવે તેવી માંગ છે તેમ છતાં જો માર્કેટ ફરીવાર ત્યાં શરૂ થશે તો અ઼તે ન્યાય માટે કોર્ટના દ્વારા ખખડાવવાની ચીમકીપણ રજૂઆતના અંતે ઉચ્ચારી હતી.


Loading...
Advertisement