CHOKED : નોટબંધીનો ગૂંગળાયેલો અવાજ!

06 June 2020 01:04 PM
Entertainment
  • CHOKED :  નોટબંધીનો ગૂંગળાયેલો અવાજ!
  • CHOKED :  નોટબંધીનો ગૂંગળાયેલો અવાજ!

‘ચોક્ડ’ના અર્થ સાથે જ આખી ચર્ચા શરૂ કરીએ. શ્વાસ રૂંધાઈ જાય અથવા કંઈક ગૂંગળાયાની અનુભૂતિ થાય એને અંગ્રેજીમાં ‘ચોક્ડ’ કહે છે. મોટેભાગે ખૂનખરાબાને કેન્દ્રમાં રાખીને ફિલ્મો બનાવવાની છાપ ધરાવતાં અનુરાગ કશ્યપ નેટફ્લિક્સ પર આ અઠવાડિયે મસ્તમજાની ‘ચોક્ડ’ લઈને આવ્યા છે.

કેન્દ્ર સરકારના તઘલખી નિર્ણયો પર જોરદાર પ્રહાર કરતી આ ફિલ્મ વાસ્તવમાં નોટબંધી વખતે ભારતીયોએ 2016ના નવેમ્બર મહિનામાં વેઠેલી વેદનાનું પ્રતિબિંબ છે. જોકે, અનુરાગ કશ્યપના હાથ નીચે પ્રતિબિંબ થોડુંક ધૂંધળું કૈદ થયું છે એ વાત અલગ છે!

મૂળ વાર્તા શરૂ થાય છે, ઑક્ટોબર 2016થી! મુંબઈના મિડલ-ક્લાસ એપાર્ટમેન્ટમાં સરિતા પિલ્લઈ (સૈયામી ખેર) અને સુશાંત પિલ્લઈ (રોશન મેથ્યુ) પોતાના દીકરા સમીર સાથે રહે છે. ગાયિકા બનવાનું અધૂરું સ્વપ્ન જીવી ચૂકેલી સરિતા હવે ઘર ચલાવવા માટે બેંકમાં નોકરી કરે છે. બીજી બાજુ, સુશાંત આખો દિવસ રખડી ખાય એવો બેરોજગાર ઘરઘણી છે, જેને નવા નવા ધંધા પર હાથ અજમાવવો અને ગિટાર વગાડવું ગમે છે.

બેડરૂમમાં બંને પતિ-પત્નીની વચ્ચે સૂતો દીકરો એમની નિષ્ક્રિય સેક્સ-લાઇફનું પ્રતિક છે. સરિતાના ભૂતકાળમાં કંઈક એવું બન્યું છે, જેમાંથી હજુ એ દંપતી બહાર નથી આવી શક્યું, જેના લીધે એમનું લગ્નજીવન તદ્દન નિરસ છે! એક દિવસ રસોડાની વોશ-બેઝિનના પાઇપમાંથી બૂડબૂડિયા અને પાણી ઉભરાવાની સમસ્યા શરૂ થાય છે.

અચાનક એમાંથી રૂપિયાની નોટનું બંડલ પ્લાસ્ટિકના ઝબલામાં પેક થઈને બહાર ઉભરાઈ આવે છે, જે સરિતાને હાથ લાગે છે. ધીરે ધીરે એના જીવનમાં કેટલાક પરિવર્તનો આવે છે. નોટબંધી થતાંની સાથે જ તેની બેંકની નોકરીમાં પણ ઘણા ટ્વિસ્ટ આવતાં જાય છે.

બહુ આકરો કટાક્ષ કર્યો છે સાહેબ! સાવ મંદ મંદ વાતાં પવનની માફક આવ્યા બાદ વિચારો અને વ્યથાનું વાવાઝોડું પેદા કરવાનું કામ અનુરાગ કશ્યપે કર્યુ છે. ‘પૈસા બોલતા હૈ’ ટેગલાઇન હેઠળ એમણે નરેન્દ્ર મોદીના નોટબંધીના નિર્ણયની અતિશય માઇલ્ડ પરંતુ ધારદાર શબ્દોમાં ટીકા કરી છે. નોટબંધી બાદ બેંકમાં આવીને 2000ની નોટ લઈ જતી વૃદ્ધ મહિલા સાથેનો સંવાદ હોય કે પછી સરિતાને નોટ બદલી આપવા માટે ધમકી આપતો લોકલ ગુંડો, દરેક બાબત પ્રેક્ષકના માનસપટ પર ચોટદાર દ્રશ્ય ખડું કરે છે.

બીજી બાજુ, નરેન્દ્ર મોદીના પ્રત્યેક નિર્ણયોને સમજ્યા-વિચાર્યા વગર ધામધૂમથી સ્વીકારી લેતો તેનો પતિ એટલે કે સુશાંતના કિરદારને બેરોજગાર બતાવીને અનુરાગ કશ્યપે ઘણા પ્રહારો કર્યા છે. અલબત્ત, નિહિત ભાવેનું રાઇટિંગ અમુક તબક્કે અત્યંત કંટાળાજનક અને લાંબુ થઈ જાય છે. ફિલ્મ પૂરી કરવા માટે રીતસરના તરફડિયા મારવા પડે એ હદ્દનું ભયંકર!

‘ચોક્ડ’ના પાત્રો ફિલ્મનો પ્રાણ છે. પોતાની દીકરીના લગ્ન માટેની તૈયારીઓ કરી રહેલી શરવરી ઉર્ફે અમૃતા સુભાષની (હા, ગલીબોય અને સેક્રેડ ગેમ્સમાં કામ કરી ચૂકેલી અભિનેત્રી) નોટબંધી વખતેની માનસિક દશા અને સ્થિતિ ધ્યાન ખેંચનારી છે. સૈયામી ખેરનો અભિનય પણ ઠીકઠાક જ છે! રોશન મેથ્યુએ બેશક બાજી મારી છે, પરંતુ ઑવરઑલ લેથાર્જિક રાઇટિંગના કારણે ફિલ્મ ઘણા ખરા અંશે ત્રાસ બની જાય છે. અહીં ‘ચોક્ડ’ એ ફક્ત શ્વાસોચ્છવાસ કે પાઇપમાં અટકી ગયેલા પાણીના ગૂંગળામણની નહીં, પરંતુ પૈસાના અભાવે મિડલ ક્લાસ પરિવારે આપવી પડતી કુરબાની સૂચવે છે. માણસનું મન રૂંધાય ત્યારે કેવો અનુભવ થાય એ જાણવા માટે તો ફિલ્મ જોવી જ રહી.
bhattparakh@yahoo.com

કેમ જોવી? :
નોટબંધી વખતે ભારતના અનેક પરિવારોને થયેલી માનસિક ગૂંગળામણનો ખ્યાલ મેળવવા માટે!
કેમ ન જોવી? :
પુનરાવર્તિત થતાં દ્રશ્યોથી અતિશય કંટાળી જવાય એ હદ્દના લસ્ત સ્ક્રીનપ્લેને કારણે!

: ક્લાયમેક્સ :
બેકગ્રાઉન્ડ સ્કોર અને ‘પૈસા બોલતા હૈ’ ગીત બાબતે ફિલ્મને અવ્વલ ગુણ આપવા પડે, હોં કે!

: સાંજસ્ટાર:
અઢી ચોકલેટ


Related News

Loading...
Advertisement