મધ્યપ્રદેશ ભાજપમાં ડખ્ખા : સિંધીયાએ ટવીટર હેન્ડલ પરથી કમળ-ભાજપ શબ્દ હટાવ્યો

06 June 2020 10:58 AM
India
  • મધ્યપ્રદેશ ભાજપમાં ડખ્ખા : સિંધીયાએ ટવીટર હેન્ડલ પરથી કમળ-ભાજપ શબ્દ હટાવ્યો

ભાજપના આમંત્રણ અને ઓફરથી પક્ષાંતર કરી રહેલાં કોંગ્રેસના નેતાઓ માટે લાલબત્તી: ધૂળેટીના દિવસે કેસરિયા કરનાર કોંગ્રેસના પૂર્વ નેતા હવે નવા રંગે રંગાવાની તૈયારીમાં : 22 ટેકેદાર ધારાસભ્યોનો ભાજપે યુઝ એન્ડ થ્રોની જેમ ઉપયોગ કર્યા હોવાનો સંકેત મળતા જ રાજવી આક્રોશ બતાવવા તૈયારી

નવી દિલ્હી,તા. 6
મધ્યપ્રદેશમાં ઓપરેશન કમલમથી કોંગ્રેસના દિગ્ગજ જ્યોતિરાદિત્ય સિંધીયાને કેસરીયો ખેસ પહેરાવીને તેમના જૂથના મધ્યપ્રદેશ કોંગ્રેસનાં 22 ધારાસભ્યોને પણ રાજીનામુ અપાવી વિધાનસભામાં પોતાની આર્ટિફીશ્યલ બહુમતીથી સત્તા મેળવનાર ભાજપથી હવે જ્યોતિરાદીત્ય સિંધીયા અને તેના ટેકેદારો સખ્ત નારાજ હોવાના સંકેત છે અને આગામી દિવસમાં મધ્યપ્રદેશના રાજકારણમાં નવો ધડાકો થઇ શકે છે.

જ્યોતિરાદીત્ય સિંધીયાએ તેનો સંકેત આપી દેતા તેમના ટવીટર હેન્ડલ પરથી ભાજપ શબ્દ હટાવી દીધો છે અને કમળ પણ દૂર કરી નાખ્યું છે તથા પોતાને જનતાનો સેવક તથા ક્રિકેટ પ્રેમી તરીકે ગણાવી દીધા છે. 18 વર્ષ સુધી કોંગ્રેસમાં રહ્યા બાદ ગત ધૂળેટીએ જ સિંધીયા ભાજપના કેસરીયા રંગે રંગાઈ ગયા હતા અને તેમના 22 ટેકેદારોએ પણ ધારાસભામાંથી રાજીનામા આપીને કમલનાથ સરકારને લઘુમતીમાં મૂકી મુખ્યમંત્રી રાજીનામું આપવાની ફરજ પાડી હતી અને શિવરાજ ચૌહાણે ફરી એક વખત રાજ્યના મુખ્યમંત્રીનો હોદો સંભાળ્યો હતો.

પરંતુ એક તરફ 30 દિવસ સુધી ફક્ત શિવરાજ ચૌહાણે જ એકલા હાથે શાસન ચલાવ્યું હતું. જોરદાર જૂથબંધીના કારણે તેઓ મંત્રીમંડળ નક્કી કરી શક્યા નહીં અને હવે જ્યારે કોંગ્રેસનાં 22 ધારાસભ્યોને ટીકીટ મળવા અંગે પણ ફરી ચિંતા થઇ છે અને જ્યોતિરાદીત્ય સિંધીયાને પણ ભાજપે પક્ષાંતર સમયે જે વચન આપ્યું હતું તેમાં પીછેહઠ થઇ રહી હોવાનુંં મહેસૂસ થતાં જ તેઓએ ફરી એક વખત ભાજપને ચેતવણી સિગ્નલ મોકલી દીધું છે.

સુત્રોના જણાવ્યા મુજબ ભાજપે પક્ષાંતર સમયે જે ચૂંટણી ટીકીટનું વચન આપ્યું હતું તે મુજબ હવે ટીકીટ આપવા માંગતી નથી. મદ્યપ્રદેશ ભાજપમાં બળવાનો ભય છે અને તેથી કોંગ્રેસના પૂર્વ ધારાસભ્યોને યુઝ એન્ડ થ્રો થવાનો ભય છે અને તેઓએ સિંધીયા સમક્ષ રજૂઆત કરી હતી.

અત્રે ઉલ્લેખનીય છે કે બે દિવસ પહેલા મુખ્યમંત્રી શિવરાજ ચૌહાણ દિલ્હીમાં ગૃહમંત્રી અને ભાજપના દિગ્ગજ નેતા અમીત શાહને મળ્યા હતા. તેમાંથી પણ સિંધીયાને કોઇ સંકેત મળ્યા છે અને તેઓ નવા-જૂની કરવાના મૂડમાં છે.


Related News

Loading...
Advertisement