અમેરિકાએ કોરોના વાયરસની વેકિસન તૈયાર કરી લીધી : ટ્રમ્પનો ધડાકો

06 June 2020 10:40 AM
India World
  • અમેરિકાએ કોરોના વાયરસની વેકિસન તૈયાર કરી લીધી : ટ્રમ્પનો ધડાકો

વેકિસન નિર્માણમાં અત્યંત હકારાત્મક આશ્ચર્ય જોવા મળી શકે છે : ખુબ જ પ્રગતિ થઇ છે : અમેરિકી પ્રમુખ ▪️ કોરોના સામેની વેકિસનના 20 લાખ ડોઝ તૈયાર છે ▪️ આખરી ટેસ્ટ અને વૈજ્ઞાનિકોની લીલીઝંડી મળે તો તૂર્ત જ તેનો ઉપયોગ શરુ થશે ▪️ ટ્રાન્સપોર્ટેશન માટેની પણ તૈયારી કરી લેવામાં આવી છે ▪️ વ્હાઈટ હાઉસમાં પત્રકાર પરિષદ ▪️ ચીનની સાથે રહીને વેકિસન તૈયાર કરી હોવાનો દાવો ▪️ જોકે જે થયું છે તે થવું જોઇતું ન હતું ▪️ કોરોના સંક્રમણ અંગે ચીન સામેનો આક્રોશ યથાવત

વોશિંગ્ટન,તા. 6
વિશ્વમાં કોરોના સંક્રમણમાં અમેરિકા સહિતના દેશો હજુ પણ ખતરાનો સામનો કરી રહ્યા છે તે સમયે અત્યાર સુધીની સૌથી મોટી એક આશામાં અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે જાહેર કર્યું છે તેમના દેશમાં અંદાજે 20 લાખ કોરોના વાઈરસ વિરોધી વેકિસન તૈયાર થઇ ગઇ છે. અને તે આખરી સલામતી ટેસ્ટ પાસ કર્યા બાદ તૂર્ત જ તે વેકિસનનો કોરોનાને રોકવા માટે ઉપયોગમાં લેવાશે.

પ્રમુખ ટ્રમ્પની આ જાહેરાતને અત્યંત મહત્વ આપવામાં આવી રહ્યું છે. કોરોના સામે ઝઝૂમી રહેલા વિશ્વ માટે આ એક મહત્વના સમાચાર આપતાં પ્રમુખ ટ્રમ્પે વ્હાઈટ હાઉસ ખાતે આ જાહેરાત કરી હતી. અને કહ્યું હતું કે કોરોના સામેની આ વેકિસન આખરી સુરક્ષા ટેસ્ટ અને વૈજ્ઞાનિકોના ગ્રીન સિગ્નલ બાદ તૂર્ત જ તેને તબીબી ઉપયોગ માટે મંજૂરી આપવામાં આવશે.

પ્રમુખ ટ્રમ્પે જાહેરાત કરી કે અમે અસાધારણ રીતે એક મહત્વપૂર્ણ કાર્ય કરી રહ્યા છીએ અને હકારાત્મક આશ્ર્ચર્ય પણ મળી રહ્યું છે. ગઇકાલે એક બેઠકમાં જાણ કરવામાં આવી કે કોરોના વેકિસનના નિર્માણ માટે અત્યંત અભૂતપૂર્વ પ્રગતિ કરવામાં આવી છે અને સેફટી ટેસ્ટ પછી 20 લાખ વેકિસન તૈયાર હશે. આ વેકિસનના પરિવહન માટે અમે લોજીસ્ટીક તૈયારી પણ કરી લીધી છે.

ન્યૂયોર્ક ટાઈમ્સના અહેવાલ મુજબ ટ્રમ્પ તંત્રએ કોરોના સામેની વેકિસન બનાવવા માટે પાંચ કંપનીઓને પસંદ કરી હતી અને વધુ ચાર કંપનીઓને તેમાં સામેલ કરી છે.ટ્રમ્પે કહ્યું કે ઓછામાં ઓછી 7 કે 8 કંપનીઓ એક જ સમાન રીતે અને થોડી અલગતાથી વેકિસનના મોરચે કામ કરી રહ્યા છે અને તેઓ થોડા અલગ અને થોડા સમાન રીતે આખરી તબક્કે પહોંચી ગયા છે. જો કે તેને કઇ કંપની વેકિસન બનાવવાના તબક્કે પહોંચી ગઇ છે અથવા તેનું ઉત્પાદન શરુ કરી દીધું છે તે જાહેર કર્યું ન હતું.

ટ્રમ્પે એ પણ કહ્યું કે ચીન સાથે રહીને અમે આ કામ કરી રહ્યા છીએ અને ટ્રમ્પનું આ વિધાન મહત્વનું માનવામાં આવે છે. કારણ કે અગાઉ તેઓએ કોરોના વાઈરસ માટે ચીનને જ જવાબદાર ગણાવ્યું હતું અને તે સંદર્ભમાં વધુ એક વાક્ય કહેતા કહ્યું કે જે થયું છે (કોરોના વાઈરસનું સંક્રમણ) તે થવું જોઇતું ન હતું. અમેરિકામાં નેશનલ ઇન્સ્ટીટયુટ ઓફ હેલ્થ દ્વારા કોરોના વેકિસન તૈયાર કરવા માટે મોડેલના ફર્મ સાથે સહયોગ સાધવામાં આવ્યો છે અને તે આ વેકિસન તૈયાર કરવામાં સૌથી આગળ હોવામાં માનવામાં આવેછે.

વ્હાઈટહાઉસના આરોગ્ય સલાહકાર ડો. એન્થની ફુસીએ ગત સપ્તાહે જ જાહેર કર્યું હતું કે કોરોના સામેની વેકિસનમાં ચાર ટ્રાયલ ચાલી રહી છે અને તેઓ તેમાં સીધી કે આડકતરી રીતે સામેલ છે અને તેઓએ 2021ના પ્રારંભમાં વેકિસન તૈયાર થઇ જશે તેવી આશા પણ વ્યક્ત કરી હતી. સંશોધકોએ કોરોના વેકિસન માટેની પ્રક્રિયામાં અનેક તબક્કાનું રિસર્ચ કર્યું હતું.

ટ્રમ્પે ગઇકાલે એવું પણ કહ્યું કે કોરોના વાઈરસને હવે ઓળખી કઢાયો છે. જો કે વૈજ્ઞાનિકો કહે છે કે તેઓ વાઈરસને પૂર્ણ રીતે જાણી શક્યા નથી. ખાસ કરીને કોઇને સંક્રમણ થાય તો તેને ઇમ્યુન સિસ્ટમ કઇ રીતે જવાબ આપે છે તે જાણવાનું હજુ બાકી છે.


Related News

Loading...
Advertisement