PGCVLના 30 લાખથી વધુ રહેણાંક વિજગ્રાહકોને બીલમાં રૂા.250 થી 275નો લાભ

05 June 2020 04:02 PM
Rajkot Saurashtra
  • PGCVLના 30 લાખથી વધુ રહેણાંક વિજગ્રાહકોને બીલમાં રૂા.250 થી 275નો લાભ

વ્યાપારી ગ્રાહકોના ફીકસચાર્જ માફી-વિજદરમાં ઘટાડાથી પણ કરોડોનો ફાયદો

રાજકોટ તા.5
રાજય સરકારે 14000 કરોડનું આત્મનિર્ભર પેકેજ જાહેર કર્યુ છે તેમાં પીજીવીસીએલ હેઠળના 30 લાખથી વધુ રહેણાંક વિજગ્રાહકોને સરેરાશ 250થી 275 સુધીનો લાભ થવાના નિર્દેશ છે.

વિજતંત્રના સૂત્રોએ કહ્યું કે માસિક 200 યુનિટ સુધીનું વિજબીલ આવતુ હોય તેવા ગ્રાહકોને 100 યુનિટના નાણાં માફ કરવાના છે. વિજતંત્રમાં રહેણાંક બીલોમાં બીલીંગ સાયકલ બે મહિનાની હોય છે. અર્થાત બે મહિનામાં 400 યુનિટ સુધીનો વપરાશ કરતા વિજગ્રાહકોને 100 યુનિટના નાણા બાદ મળશે.

પીજીવીસીએલમાં 36 લાખથી વધુ રેસીડેન્સીયલ ગ્રાહકો છે તેમાંથી 30થી32 લાખ વિજગ્રાહકોને તેનો લાભ મળશે. શહેરી વિસ્તારના વિજગ્રાહકને સરેરાશ રૂા.275 તથા ગ્રામ્ય ગ્રાહકને અંદાજીત 250નો લાભ થશે.. અલબત, એક વખતનો જ આ લાભ છે. 85 ટકાથી વધુ વિજગ્રાહકોને તેનો ફાયદો મળશે.

આ જ રીતે નાના કોમર્સીયલ ગ્રાહકોને વિજદરમાં પાંચ ટકાની રાહત આપવામાં આવી છે તેવીજ રીતે લોટેન્શન વિજગ્રાહકોને મે મહિનાના ફીકસ ચાર્જમાંથી મુક્તિ આપવામાં આવી છે. આ છૂટછાટોથી દેખીતી રીતે વિજકંપનીની આવકને ફટકો પડશે. મોટો વિજવપરાશ ધરાવતા ગ્રાહકોને કોઈ માફી નથી છતાં 90 ટકા જેટલા રહેણાંક વિજગ્રાહકોને એક વખતના વિજબીલમાં સરેરાશ 250 થી 275નો ઘટાડો થશે.

લો-ટેન્શન વિજ વપરાશ કરતા કોમર્સીયલ ગ્રાહકોને વિજકર તથા ફીકસ ચાર્જમાં રાહત છે તેમાં પણ 40 કરોડ જેવો લાભ થાય તેમ છે. વિજકંપનીની આવકમાં કરોડો રૂપિયાનો ઘટાડો થશે.


Related News

Loading...
Advertisement