ખાનગી બસો દોડવા લાગી: કેટલાંક ટ્રાવેલર્સોએ ભાડા વધારી દીધા

05 June 2020 04:01 PM
Rajkot Gujarat
  • ખાનગી બસો દોડવા લાગી: કેટલાંક ટ્રાવેલર્સોએ ભાડા વધારી દીધા

રાજય સરકારે રોડ ટેકસમાં માફી આપીને મુખ્ય માંગણી સ્વીકારી લેતા: અમદાવાદ સહિતના રૂટો પર બપોરથી જ બસો દોડવા લાગી: રાત્રે 8 વાગ્યે બસો જે-તે સ્થળે પહોંચી જાય અને 50 ટકા મુસાફરો બેસાડવાનો નિયમ : ભાડામાં 20થી25 ટકાનો ભાડાવધારો થયાનો નિર્દેશ: અમુક ટ્રાવેલ્સ સંચાલકોએ હાલ તુર્ત ભાડા યથાવત રાખ્યા: રાજકોટ-અમદાવાદનું ભાડુ રૂા.600 આસપાસ થવાની સંભાવના

રાજકોટ તા.5
કોરોના લોકડાઉન હળવુ થયા પછી પણ નીતિનિયમોને કારણે ખાનગી બસ વ્યવહાર બંધ જ રાખનારા ટ્રાવેલર્સોએ છેવટે બસ વ્યવહાર શરૂ કરી દીધો છે. એસ.ટી. દ્વારા અપનાવાયેલા ધારાધોરણો-નિયમો મુજબ જ ખાનગી બસો દોડશે. જો કે, નોંધપાત્ર ભાડાવધારો થવાની આશંકા છે તે વિશે આંતરિક મતમતાંતર હોવાથી એકાદ દિવસમાં તમામના ભાડા એકસરખા થઈ જવાની શકયતા છે.

કેન્દ્ર સરકારે રાહતો જાહેર કર્યા બાદ ગુજરાત સરકારે પણ લોકડાઉનના નિયમો હળવા કરી નાખ્યા હતા. બસ સહિતના વાહનવ્યવહારની છુટ્ટ આપી હતી છતાં વિવિધ માંગણીઓને આગળ ધરીને ખાનગી બસ વ્યવહાર શરૂ કરાયો ન હતો. રોડ ટેકસમાં માફી આપવા, વાહન વીમા પ્રીમીયમમાં રાહત આપવા સહિત અર્ધોડઝનથી વધુ માંગણીઓનો સ્વીકાર ન થાય ત્યાં સુધી ખાનગી બસો નહીં શરૂ કરવાનું નકકી કરાયું હતું.

રાજય સરકારના આત્મનિર્ભર પેકેજમાં સપ્ટેમ્બર સુધીના રોડ ટેકસની માફી આપવામાં આવી છે. મહત્વની માંગણીનો સ્વીકાર થતા ટ્રાવેલર્સોએ આજે તાકીદની બેઠક યોજીને બપોરથી જ ખાનગી બસ સેવા શરૂ કરી દીધી હતી.

ગુજરાત ખાનગી બસ સંચાલક એસોસીએશનના પ્રમુખ મેઘજીભાઈએ આજે બપોરે ‘સાંજ સમાચાર’ સાથેની વાતચીતમાં કહ્યું કે રોડ ટેકસ માફીનો પ્રશ્ર્ન હલ થઈ ગયો છે. આ મુખ્ય માંગણી હતી એટલે ખાનગી બસ વ્યવહાર ચાલુ કરી દેવાયો છે. એસટીની બસો જે નીતિનિયમો હેઠળ ચાલે છે તે ધોરણે જ ખાનગી બસો દોડશે.
ખાનગી બસોમાં ક્ષમતાના 50 ટકા મુસાફરોને જ બેસાડવામાં આવશે. આ જ રીતે રાત્રે 9 વાગ્યે કરફયુ લાગી જતો હોવાથી રાત્રે 8થી8.30 સુધીમાં બસ જે-તે ડેસ્ટીનેશન પર પહોંચી જાય તે પ્રમાણેના સમયપત્રક મુજબ જ બસો દોડાવવામાં આવશે.

બસ ભાડા વિશેના સવાલના જવાબમાં તેઓએ કહ્યું કે રોડ ટેકસમાં રાહત મળી છે પરંતુ સામે બસમાં મતા કરતા 50 ટકા જ મુસાફરો બેસાડવાના રહે છે. ઉપરાંત આવતા દિવસોમાં ડિઝલના ભાવવધારાની પણ વાત છે એટલે અમુક અંશે ભાવવધારો કર્યા સિવાય વિકલ્પ નથી. વિવિધ રૂટ પર સરેરાશ 20થી25 ટકાનો ભાવવધારો થશે. જો કે, આખરી નિર્ણય સર્વસંમતિથી લેવાશે. સંભાવના એવી છે કે રાજકોટ-અમદાવાદનું બસભાડુ 450વાળુ 600 કે 650 થઈ શકે.

બીજી તરફ અન્ય ખાનગી ટ્રાવેલર્સોએ એવો નિર્દેશ કર્યો હતો કે બહુ વધુ ભાડુ રખાય તો પ્રવાસીઓને સંખ્યા ઓછી રહે તેમ છે. આ સંજોગોમાં ભાડા હાલ તુર્ત યથાવત રાખવા અને વ્યવહાર નોર્મલ થયા પછી ભાડાવધારા વિશે નિર્ણય લેવાનું સૂચવાયુ છે. અમુક ટ્રાવેલર્સોએ આજે ભાડામાં કોઈ વધારો કર્યો નથી જયારે અન્ય ખાનગી બસ સંચાલકોએ ભાડા વધારી દીધા હતા. એક સમાન ભાડા રાખવાની ફોર્મ્યુલા સાંજ સુધીમાં નકકી થાય તેમ છે.

સોશ્યલ ડીસ્ટન્સના પાલન સાથે સર્વિસો શરૂ કરાયેલ છે: દશરથસિંહ
સ્લીપર કોચમાં 32ની કેપેસીટી સામે 22 અને 2ડ્ઢ2 માં માત્ર 32 ઉતારૂઓ બેસાડાય છે
ટ્રાવેલ્સ સંચાલકોની માંગણીનો રાજય સરકાર દ્વારા સ્વીકાર કરી લેવાતા રાજકોટના તમામ ટ્રાવેલ્સ સંચાલકોએ આજે બપોરથી જ બસ સર્વિસો શરૂ કરી દીધી છે.
આ સંદર્ભે ટ્રાવેલ્સ એસો.ના પ્રમુખ દશરથસિંહ વાળાએ જણાવેલ હતું કે રાજય સરકાર દ્વારા ટ્રાવેલ્સ સંચાલકોનો છ માસનો રોડ ટેકસ માફ કરી દેવાતા અને નોનયુઝ બસોમાં એડવાન્સ ટેકસ નહીં લેવાનો નિર્ણય લેવાતા તેને આવકારી સંચાલકોએ તેમની બસોના પૈડા ફરતા કરી દીધા છે.

જેમાં તેમની ઉપાસના ટ્રાવેલ્સ દ્વારા રાજકોટથી અમદાવાદ, સુરત, વડોદરા, નાથદ્વારા સહિતની સર્વિસો શરૂ કરી દેવાયેલ છે. હાલની કોરોનાની સ્થિતિને ધ્યાને રાખી સોશ્યલ ડીસ્ટન્સના નિયમને અનુસરી સ્લીપર કોચમાં 32ના સ્થાને 25 અને 2 બાય 2 બસ સર્વિસોમાં 40ના બદલે 30થી32 ઉતારુઓને બેસાડવામાં આવી રહ્યા છે.


Related News

Loading...
Advertisement