આત્મનિર્ભર લોન સ્કીમ પાર્ટ-2ની જાહેરાત

05 June 2020 11:09 AM
Ahmedabad Gujarat
  • આત્મનિર્ભર લોન સ્કીમ પાર્ટ-2ની જાહેરાત

લારીવાળાઓને છાયડા માટે છત્રી પણ આપશે સરકાર : ચાર ટકા દરથી અઢી લાખનું ધિરાણ : શ્રમિક કલ્યાણ માટે 466 કરોડની ફાળવણી

રાજકોટ, તા.પ
મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ આત્મનિર્ભર સહાય યોજના-ર હેઠળ નવી ધિરાણ યોજના પણ જાહેર કરી છે. આત્મનિર્ભર ગુજરાત સહાય યોજના-ર હેઠળ નાના વેપારીઓ, મધ્યમ વર્ગની વ્યક્તિઓ, કારીગરો તથા શ્રમિકોને રૂપિયા 1 લાખથી વધુ અને મહત્તમ રૂપિયા 2.50 લાખની મર્યાદામાં સહકારી બેંકો તથા ક્રેડિટ કો-ઓપરેટીવ સોસાયટી મારફત ધિરાણ પ્રાપ્ત થશે.

રાજ્ય સરકાર દ્વારા વાર્ષિક 4 ટકા વ્યાજ સહાય આપવામાં આવશે, જ્યારે બાકીના 4 ટકા વ્યાજ લાભાર્થીએ ચૂકવવાનું રહેશે. આ ધિરાણ લાભાર્થીઓને ત્રણ વર્ષની મુદત માટે આપવામાં આવશે, જે પૈકી પ્રથમ છ માસ નો સમયગાળો મોરેટોરીયમ પિરિયડ ગણાશે. આથી લાભાર્થીને 6 માસ દરમિયાન કોઈ હપ્તો ભરવાનો રહેશે નહીં. ત્યારબાદ લાભાર્થી દ્વારા ધિરાણની રકમ 4 ટકાના વ્યાજ સહિત 30 સરખા માસિક હપ્તામાં પરત ચૂકવવાની રહેશે. આ માટે રુા. 300 કરોડ ફાળવવામાં આવશે.

મહિલાઓને સ્વરોજગારી માટે પ્રોત્સાહન આપવા મહિલા ઉત્કર્ષ જૂથને ઝીરો ટકા દરે લોન મળી રહે તે માટે વ્યાજ સહાય આપવા રૂ.200 કરોડની ફાળવણી કરવામાં આવશે. 32 હજારથી વધુ લાભાર્થીઓને સ્વરોજગાર મળે તે હેતુથી માનવ ગરિમા યોજનાની કીટનું વિતરણ કરવામાં આવશે જેનો અંદાજિત ખર્ચ રૂા.25 કરોડ થશે.

શ્રમિક કલ્યાણ
આદિવાસી ખેતમજૂરો કે આદિવાસી બાંધકામ શ્રમિકો પોતાના વતનમાંથી અન્ય જીલ્લામાં રોજગારી મેળવવા માટે જાય છે. જે આદિવાસી શ્રમિકોને પોતાનું આવાસ નથી તેવા શ્રમિકોને વતનમાં પાકુ ઘર બનાવવા માટે લાભાર્થીદીઠ રૂ. 35000 સબસીડી આપવામાં આવશે. 1 લાખ લાભાર્થીઓ માટે રૂ. 350 કરોડની ફાળવણી કરવામાં આવશે.

લારી પર છત્રી
લારીવાળાનાના વ્યવસાયકારોને ગરમી, ઠંડી અને વરસાદથી રક્ષણ આપવા માટે તથા તેમની લારીઓમાં રાખવામાં આવતાં ફળફળાદી, શાકભાજી બગડી ન જાય તે માટે મોટી સાઇઝની છત્રીઓ આપવા માટે રૂ.10 કરોડની ફાળવણી કરવામાં આવશે.


Related News

Loading...
Advertisement