ગુજરાત ફરી ગતિશીલ બનશે : 14022 કરોડનું પેકેજ જાહેર કરતા મુખ્યમંત્રી

05 June 2020 10:47 AM
Ahmedabad Gujarat
  • ગુજરાત ફરી ગતિશીલ બનશે : 14022 કરોડનું પેકેજ જાહેર કરતા મુખ્યમંત્રી

કોરોનાએ બેભાન કરી દીધેલા અર્થતંત્રને ઓકસીજન આપતી રાજય સરકારની જાહેરાત : સૌના હિતનો વિચાર : છેવાડાના ગરીબ, વંચિત, પીડિત, શ્રમિક, વેપારી, ઉદ્યોગકારોને સંકટ વચ્ચે સધીયારો મળ્યો : ‘સબ સમાજ કો લીયે સાથ મે આગે હૈ બઢતે જાના’ની ભદ્ર ભાવનાવાળુ આત્મનિર્ભર પેકેજ

રાજકોટ તા.5
મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ વૈશ્વિક મહામારી કોરોના સંક્રમણની સ્થિતીમાં લોકડાઉનને કારણે જે પરિસ્થિતી ઉદભવી છે તેમાંથી જનજીવન, વેપાર-ધંધા રોજગાર ઊદ્યોગ પૂન: ધબકતા કરવા રાજ્ય સરકાર વતી 14 હજાર કરોડનું ગુજરાત આત્મનિર્ભર પેકેજ જાહેર કર્યુ છે.

કેન્દ્ર સરકારના પૂર્વ નાણાં સચિવ ડો. હસમુખ અઢિયાના અધ્યક્ષ પદે રાજ્ય સરકારે જે કમિટિની રચના ઇકોનોમીક રિવાઇવલની ભલામણો સુચવવા કરી હતી. આ કમિટિએ તેનો ઇન્ટરીમ રિપોર્ટ રાજ્ય સરકારને ત્રણ દિવસ પહેલાં આપ્યો હતો.

આ રિપોર્ટનો સર્વગ્રાહી તલસ્પર્શી અભ્યાસ કરીને રાજ્યના મંત્રીઓ, વરિષ્ઠ સચિવો, સમાજજીવનના આગેવાનો, ઊદ્યોગ-વેપાર મંડળો, વિવિધ સમાજવર્ગોના પ્રતિનિધિઓ સૌ સાથે મળીને ચર્ચા-વિચારણા પરામર્શની મેરેથોન ચિંતન બેઠકો કરી હતી તેની ફલશ્રુતિ રૂપે આ પેકેજ જાહેર કરાયું છે એમ મુખ્યમંત્રીએ જણાવ્યું હતું.
મુખ્યમંત્રીએ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલ તથા મંત્રીઓ સર્વ ભુપેન્દ્રસિંહ ચુડાસમા, સૌરભભાઇ પટેલની ઉપસ્થિતીમાં આ પેકેજની મહત્વપૂર્ણ જાહેરાત કરી હતી.

તેમણે એમ પણ જણાવ્યું હતું કે પેકેજ સમાજના કોઇ એકલ-દોકલ વર્ગ કે વ્યકિતઓને નહિ પરંતુ નાનામાં નાના, છેવાડાના ગરીબ વંચિત, પીડિત, શ્રમિક, નાના વેપારી, ઊદ્યોગ, ધંધા રોજગાર સૌના હિતની પ્રતિબદ્ધતા સાથે બનાવવામાં આવેલું ‘સબ સમાજકો લિયે સાથ મેં આગે હૈ બઢતે જાના’ની ભદ્ર ભાવનાવાળું પેકેજ છે. રાજ્યમાં કોવિડ-19ની મહામારીની પરિસ્થિતિને કારણે ધીમી પડેલી ઔધોગિક પ્રવૃત્તિને વેગવંતી બનાવવા માટે રૂ.768 કરોડની કેપીટલ અને વ્યાજ સબસીડીનું 31 જુલાઇ 2020 સુધીમાં ચૂકવણું કરવામાં આવશે. જેના કારણે ઉદ્યોગોને નાણા ભીડમાંથી મોટી રાહત મળશે.

રાજયમાં ઔધોગિક ક્ષેત્રે ટેક્ષટાઇલ ઉદ્યોગ મહત્ત્વનું સ્થાન ધરાવે છે તેમજ વિપુલ પ્રમાણમાં રોજગારી પુરી પાડે છે. આવા ટેક્ષટાઇલ ઉદ્યોગોને રૂ. 450 કરોડ કેપીટલ અને વ્યાજ સબસીડીનું ચૂકવણું 31 જુલાઇ સુધીમાં કરવામાં આવશે. કોવિડ-19ની મહામારીની વિકટ પરિસ્થિતિમાં રાજ્યના તમામ પ્રકારના ઔધોગિક એકમોને લાભ મળી રહે તે જરુરી છે. જે અન્વયે મેગા ઇન્ડસ્ટ્રીઝને પણ રૂ.150 કરોડ કેપીટલ અને વ્યાજ સબસીડીનું 31 જુલાઇ સુધીમાં ચૂકવણું કરવામાં આવશે. રાજયના 3200 કરતા વધુ વેપારીઓને રૂ.1,200 કરોડનું પડતર વેટ અને જીએસટી રિફંડ 31 જુલાઇ 2020 સુધીમાં ચુકવવામાં આવશે જેથી આ વેપારીઓને નાણાં ભીડમાંથી રાહત મળશે.

રાજયના 27 હજારથી વધુ ઉદ્યોગ સાહસિકોને બાજપેયી બેન્કેબલ યોજનામાં રૂ.190 કરોડની સબસીડીની રકમ 31 જુલાઇ 2020 સુધીમાં ચુકવવામાં આવશે. સોલાર રુફ ટોપ યોજના હેઠળની 65000 કુટુંબો માટેની રુા. 190 કરોડની સબસીડી 31 જુલાઇ 2020 સુધીમાં આપવામાં આવશે. ગુજરાત એગ્રો-ઈન્ડ સ્ટ્રીઝ કાર્પોરેશનના માધ્યમથી એગ્રો અને ફુડ પ્રોસેસીંગ એક્મોને રૂ.90 કરોડની કેપીટલ અને વ્યાજ સબસીડી 31 જુલાઇ 2020 સુધીમાં આપવામાં આવશે.

ઔદ્યોગિક વસાહતો
જીઆઇડીસીના ઉદ્યોગકારોના બાકી લેહણા માટે વન-ટાઇમ-સેટલમેન્ટ યોજના અમલમાં મૂકવામાં આવશે. આ યોજના અંતર્ગત, ઉદ્યોગકારોએ તેઓના તમામ વિલંબિત ચુકવણાના વ્યાજની રકમ 50% માફી અને દંડકીય વ્યાજની રકમ 100% માફી મેળવવા માટે તમામ ચુકવણા ચોક્કસ સમયમર્યાદામાં ભરપાઈ કરવાના રહેશે. આ યોજનાથી ઉદ્યોગકારોને રૂપિયા 133 કરોડની રાહત મળશે.

જીઆઇડીસીના નોટીફાઇડ વિસ્તારના ઉદ્યોગકારોએ તેઓના તમામ વિલંબિત ચુકવણાના વ્યાજ ઉપર 50 ટકા વ્યાજ માફી મેળવવા માટે તમામ ચુકવણા ચોક્કસ સમયમર્યાદામાં ભરપાઈ કરવાના રહેશે. આ યોજના અંતર્ગત 15315 ઉદ્યોગકારોને રૂ.95 કરોડની રાહત મળશે. ચાલુ વર્ષ 2020-21 માટે કોઇ વણવપરાશી રહેલ પ્લોટનો દંડ વસુલ લેવાનો રહેશે નહી. સદર નીતિથી અંદાજે રૂ.60 કરોડની રાહત આપવામાં આવશે. જેનો 3733 ઉદ્યોગકારોને લાભ મળશે.

જીઆઇડીસીમાં આવેલ યુનિટ કે જે બે વર્ષ કરતાં વધુ સમય માટે બંધ રહેલા હોય તો વણવપરાશી દંડ પ્રતિ વર્ષ 20 ટકાના સ્થાને ફકત 5 ટકા વસુલ કરવામાં આવશે. વધુમાં આ પ્રકારના કિસ્સાઓમાં તબદીલી ફી ઓછી કરી 15 ટકાના સ્થાને 10 ટકા વસુલવામાં આવશે. જે અન્વયે 1991 ઉદ્યોગકારોને રૂ. 40.42 કરોડનો લાભ મળશે.

હપ્તા ચૂકવણી
ફાળવણીદારો દ્વારા ભરપાઈ કરવાના થતા તા.31-03-2020 તથા તા.30-06-2020ના હપ્તાની ચુકવણીનો સમયગાળો છ મહિના માટે લંબાવી આપવામાં આવશે. વધુમાં, માર્ચ થી જુનનો સમયગાળો સૌથી વધુ અસરગ્રસ્ત હોઈ આ ત્રિ-માસિક સમયગાળા માટે વિલંબિત ચુકવણીના વ્યાજ તથા દંડનીય વ્યાજની વસુલાત કરવામાં આવશે નહિ. આ નિર્ણયથી ઉદ્યોગોને રૂ. 26.80 કરોડની રાહત મળશે. બાકીના સમયગાળા માટે વિલંબિત ચુકવણીના વ્યાજની વસુલાત 7%ના રાહત દરે કરવામાં આવશે જેનાથી ઉદ્યોગોને રૂપિયા 14.30 કરોડની રાહત મળશે. જેનાથી 3100 ઉદ્યોગકારોને લાભ થશે.

વ્યાજ માફી
લોકડાઉનની પરિસ્થિતિના કારણે જીઆઇડીસી દ્વારા કેટલાક ઉદ્યોગકારો ફાળવેલ પ્લોટના આંશિક /કુલ રકમ ભરપાઇ કરી શકયા નથી. આ ફાળવેલ પ્લોટ ઉપરની વિલંબીત વ્યાજ માફીની સમયમર્યાદા 30 જુન, સુધી વધારી આપવામાં આવશે. જેનાથી 518 ફાળવેલ પ્લોટના લાભાર્થીઓને રૂ.3.31 કરોડની રાહતનો લાભ મળશે.
વર્ષ 2020-21 માટેની જીઆઇડીસી દ્વારા પ્લોટની ફાળવણીની કિંમતની સમીક્ષા સ્થગિત રાખવામાં આવશે. આ નિર્ણયથી 727 નવા ઉદ્યોગ સાહસિકોને જમીન સસ્તા ભાવે ઉપલબ્ધ કરાવી શકાશે જેનાથી અંદાજે રૂ. 38.98 કરોડની રાહત મળશે. જીઆઇડીસીની વસાહતોમાં હયાત ઉદ્યોગોને ફાળવણીદર આધારિત વિવિધ ફી તથા ચાર્જીસમાં અંદાજિત રૂ.21.45 કરોડની રાહત મળશે. જેના થકી 2700 ઉદ્યોગકારોને લાભ મળશે.

આ ઉપરાંત જીઆઇડીસી દ્વારા નવા ઉદ્યોગ સાહસિકોને પ્રોત્સાહિતના કરવાના ઉદેશથી નવા ઉદ્યોગોને જમીનની કિંમતની ચુકવણીમાં સુવિધા મળી રહે તે માટે ત્રિમાસિક હપ્તાઓમાં ચુકવણુ કરવાની સુવિધા આપવામાં આવે છે. અગ્રણી રાષ્ટ્રીયકૃત બેંકો દ્વારા સુક્ષ્મ, લઘુ તથા મધ્યમ કદના ઉદ્યોગોને કરવામાં આવતા ધિરાણના સરેરાશ વ્યાજ દરને ધ્યાને લેતાં નિગમ દ્વારા હાલના વ્યાજ દરને 12% થી ઘટાડીને 10% કરવામાં આવશે. જેનાથી 727 ઉદ્યોગકારોને લાભ થશે. આ ઘટાડાથી રૂ.16.12 કરોડની વ્યાજની રાહત આપવામાં આવશે.

પાણી બીલ
ઉદ્યોગોને માસિક પાણીના વપરાશના બીલના ચુકવણા માટે 15 દિવસનો સમય આપવામાં આવે છે. કોવિડ-19ને કારણે જીઆઇડીસીએ પાણીના બીલો પરના વ્યાજ તેમજ દંડનીય વ્યાજ માફ કરવાનો નિર્ણય કર્યો છે. માર્ચ અને એપ્રિલ 2020ના પાણીના બીલો પરના વ્યાજ તથા દંડનીય વ્યાજની રકમ રૂ.1.32 કરોડ થાય છે. જે પૈકી નોટીફાઇડ વિસ્તારમાં સમાવિષ્ટ ઉદ્યોગોના પાણીના બીલો પરના વ્યાજ તેમજ દંડનીય વ્યાજ રૂ. 0.52 કરોડ થાય છે, જેનો લાભ 19267 ઉદ્યોગોને મળવાપાત્ર થશે.

જીઆઇડીસી મોરેટોરિયમ પીરીયડ 1-2 વર્ષ વણવપરાશી દંડની રકમ વસુલ લઇ વધારી આપે છે. ચાલુ નાણાંકીય વર્ષમાં જીઆઇડીસીઆ પ્રકારની તમામ મિલકતોનો વપરાશ શરૂ કરવા માટે મોરેટોરિયમ પીરીયડ 1 વર્ષ વધારી આપવામાં આવશે. જેના કારણે 352 ઉદ્યોગકારોને રુ. 7.89 કરોડની રાહત મળશે.

દંડ માફી
હાલ જીઆઇડીસીના 1635 ઔદ્યોગિક પ્લોટનો મોરેટોરિયમ પીરીયડ પૂર્ણ થઇ ગયો છે કે જે ખુલ્લા હોય અથવા ઉત્પાદન શરુ કરવાનુ બાકી છે તેવા ઉદ્યોગકારો ઉત્પાદન તા.31-03-2022 સુધીમાં શરૂ કરે તે માટે ઉદ્યોગકારોને પ્રોત્સાહન આપવા વણવપરાશી દંડમાં માફીનો લાભ મેળવી શકે છે. જો ઉદ્યોગકાર તેમ કરવામાં નિષ્ફળ જાય છે તો તેવા સંજોગોમાં તમામ વણ વપરાશી સમયગાળા માટે વણવપરાશી દંડ વસુલ લેવામાં આવશે.

સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગો- એમએસએમઇને પ્રોત્સાહન મળે તે માટે જીઆઇડીસી દ્વારા 3000 ચો.મી. સુધીના પ્લોટ ફાળવણી માટેની મળતી ઓનલાઇન અરજીઓને સમિતિ સમક્ષ મૂકયા વગર રજૂ કરાયેલ દસ્તાવેજી પૂરાવા આધારિત ફાળવણીની મંજૂરી આપવામાં આવશે. આનો લાભ 1428 લાભાર્થીઓને મળશે.
જીઆઇડીસીમાં આવેલી અનસેચ્યુરેટેડ વસાહતોમાં લગત પ્લોટ ફાળવણી માટે મળતી અરજીઓમાં વસાહતની પ્રવર્તમાન વિતરણ કિંમતના 20 ટકા પ્રીમિયમ એકીસાથે વસૂલ લઇ ફાળવણી કરવામાં આવે છે.

આ વસાહતોમાં કોઇપણ પ્રકારનું વધારાનું પ્રીમિયમ વસૂલ્યા સિવાય હયાત ઉદ્યોગકારોને તેમના ઉદ્યોગોના વિસ્તરણ માટે લગત પ્લોટની ફાળવણી વસાહતના પ્રવર્તમાન વિતરણ દર મુજબ કરવામાં આવશે.


Related News

Loading...
Advertisement