રામકથા શ્રોતાઓ માટે આવ્યા શુભ સમાચાર : આ તારીખે થશે સૌપ્રથમ ઓનલાઇન રામકથાનો મંગલ પ્રારંભ

04 June 2020 11:00 PM
Gujarat
  • રામકથા શ્રોતાઓ માટે આવ્યા શુભ સમાચાર : આ તારીખે થશે સૌપ્રથમ ઓનલાઇન રામકથાનો મંગલ પ્રારંભ

60 વર્ષ બાદ જે સ્થળે પૂ.મોરારિબાપુએ તેમની પ્રથમ કથા કરી હતી, તે જ સ્થળે કોઈ પણ શ્રોતા વિના - સરકારના નિયમો અનુસાર ઓનલાઇન કથા યોજાશે : બાપુની ૮૪૪મી કથા હશે

રાજકોટ : સમગ્ર વિશ્વ અને ભારત પર અચાનક આવી પડેલી મહામારી કોરોનાને કારણે સમગ્ર સૃષ્ટિ અને રાષ્ટ્ર સામેના કપરા અને મૂંઝવણભર્યા કાળમાં સતત ૬૧ દિવસ સુધી પૂજ્ય મોરારીબાપુએ વિશ્વને
"સર્વે ભવન્તુ સુખિનઃ સંતુ સર્વે સંતુ નિરામયા" કહીને સર્વભૂત હિતાય , સર્વ ભૂત પ્રિતાય અને સર્વભૂત સુખાય હરિકથા- સત્સંગની સરવાણી વહાવી હતી.
વિશ્વના અસંખ્ય શ્રાવકોએ આ સત્સંગ શ્રવણનો લાભ લઇ, આવા કપરા સમયે બાપુની કરુણાના સહારે ઇશ્વર પરની આસ્થાને ટકાવી રાખી હતી. અને એમનાં આશ્વાસનથી આપત્તિ સામે શ્રદ્ધાનું આધ્યાત્મિક અને આત્મિક બળ પ્રાપ્ત કર્યું હતું.
હજુ પણ મહામારીનો કહેર મટ્યો નથી. એટલે પ્રશાસન દ્વારા કોઈ પણ ધાર્મિક - સામાજિક મેળાવડાઓ પર પ્રતિબંધ છે જ. રાષ્ટ્રીય હિત માટે પ્રશાસન દ્વારા જે કોઈ નિર્ણયો જાહેર થાય, તેનો પૂજ્ય બાપુ સાદર સ્વીકાર કરે છે તેમ જ પૂરા રાષ્ટ્રને તેનો સ્વીકાર કરવા વિનમ્ર અનુરોધ પણ કરે છે.

હાલના સંજોગોમાં વ્યાસપીઠ શ્રોતાઓની લાગણી અને માગણી છે કે પૂજ્ય બાપુ દ્વારા ફરી રામકથા ગાનનો આરંભ થાય.

તેથી વ્યાસપીઠનાં શ્રોતાઓની લાગણીને સ્વીકારીને પૂજ્ય બાપુએ શનિવાર ૬ જૂનથી ૧૪ જૂન સુધી સવારના 9:30 -12:00 સુધી વ્યાસપીઠનાં નિયમ મુજબ જ નવ દિવસિય રામકથાનો પ્રારંભ કરવાનો નિર્ણય જાહેર કર્યો છે.

પૂજ્ય બાપુ દ્વારા ૧૪ વર્ષની ઉંમરે પોતાના જીવનની સૌ પ્રથમ કથા જે સ્થળે કરી હતી, એ 'ત્રિભુવન વટ' ની નીચે જ રામકથા ગાન આરંભાશે.

આ કથા શ્રોતાઓને આસ્થા ચેનલ પરથી તેમજ સંગીતની દુનિયા અને ચિત્રકુટધામ તલગાજરડાના યુટ્યુબનાં માધ્યમથી લાઈવ માણવા- સાંભળવા મળશે. આ બાપુની ૮૪૪મી કથા થશે.

માત્ર ઓડિયો- વિડિયો રેકોર્ડિંગ અને કેમેરામેન જ સોશિયલ ડિસ્ટન્સના તમામ પ્રમાણિત નિયમોને સ્વીકારીને બાપુ સામે ઉપસ્થિત રહેશે.

વ્યાસપીઠ પરથી પૂજ્ય બાપુ કથાગાન કરશે અને જે રીતે પ્રત્યેક કથાનું લાઇવ પ્રસારણ થતું એ જ રીતે નવદિવસિય કથા અનુષ્ઠાન થશે.


Related News

Loading...
Advertisement