જીલ્લા પંચાયતમાં સિકયુરીટી માટે 18.77 લાખનો ખર્ચ

04 June 2020 05:35 PM
Rajkot Saurashtra
  • જીલ્લા પંચાયતમાં સિકયુરીટી માટે 18.77 લાખનો ખર્ચ

નવી દરખાસ્તો ન હતી, અધ્યક્ષસ્થાનેથ પાંચ ઠરાવ લેવાયા : લાંબા વખતથી અટવાયેલુ ટેન્ડર મંજુર: લોકડાઉન પછી પ્રથમ કારોબારી બેઠક મળી

રાજકોટ તા.4
રાજકોટ જીલ્લા પંચાયતમાં કોરોના લોકડાઉન પછી ત્રણ મહીના કરતા વધુ સમય બાદ મળેલી કારોબારી બેઠકમાં લાંબા સમયથી અટવાયેલા સિકયુરીટી ટેન્ડરને મંજુરી આપવામાં આવી હતી.

સાડા ત્રણ મહિને મળેલી કારોબારી બેઠકના એજન્ડામાં નવી કોઈ દરખાસ્ત ન હતી. પરંતુ પ્રમુખસ્થાનેથી પાંચ ઠરાવ લેવામાં આવ્યા હતા. જીલ્લા પંચાયત કચેરી ઉપરાંત પ્રમુખ તથા જીલ્લા વિકાસ અધિકારીના બંગલા પર સુરક્ષાગાર્ડ તૈનાત કરવાના થાય છે. લાંબા વખતથી ટેન્ડર પ્રક્રિયા અટવાયેલી હોવાથી જુની એજન્સીને મુદત વધારો આપવામાં આવતો હતો. હવે નવુ ટેન્ડર ફાઈનલ કરી દેવામાં આવ્યું છે. વાર્ષિક 18.78 લાખમાં જસદણની રોયલ સિકયુરીટીને કોન્ટ્રાકટ અપાયો છે. બે વર્ષ માટે આ કોન્ટ્રાકટ અપાયો છે. ત્રણેય સ્થળો માટે કુલ 12 સુરક્ષા ગાર્ડ એજન્સી પુરા પાડશે.

આ સિવાય જસદણ તથા પડધરી તાલુકામાં જુદી-જુદી ગ્રામ પંચાયતોના બિલ્ડીંગોના કામ પુરા કરવા માટે મુદત વધારો આપવાના ઠરાવ મંજુર કરવામાં આવ્યા હતા.
કોરોના મહામારીને કારણે સવા બે મહીનાઓ સુધી સરકારી કચેરીઓમાં કામકાજ સ્થગીત જેવા હતા. આમાં સ્વભંડોળના બજેટના સ્થગીત કામોની વહીવટી પ્રક્રિયા પૂર્ણ કરીને નવા વર્ષમાં સામેલ કરવા ઠરાવ કરાયો હતો.

લોકડાઉન પછીની આ પ્રથમ કારોબારીમાં માસ્ક-સોશ્યલ ડીસ્ટન્સીંગ જેવા નિયમોનું પાલન કરવામાં આવ્યું હતું. કારોબારી ચેરમેન કે.પી.પાદરીયા, જીલ્લા વિકાસ અધિકારી અનિલ રાણાવસિયા વગેરે હાજર હતા.

જીલ્લાના આરોગ્ય વિભાગની કારોના કામગીરી બિરદાવાઈ
દરેક વિભાગો પર ચાંપતી નજર છે, ટેન્ડર કે અન્ય કોઈ કામમાં ગરબડ નહીં ચાલે: ચેરમેનની ટકોર
કારોબારી બેઠકમાં આરોગ્ય વિભાગના બાયોવેસ્ટ ટેન્ડરની પ્રક્રિયાનો હિસાબ માંગતા કે.પી.પાદરીયાએ એમ કહ્યું કે જીલ્લા પંચાયતના દરેક વિભાગો પર મારી ચાંપતી નજર છે. બારોબાર કામ કરી લેવા કે ટેન્ડર પ્રક્રિયામાં ગરબડ જેવી એકપણ નચાલથ ચાલવા નહીં દઉં કારોબારીમાં મંજુર થયા સિવાય બારોબારના એકપણ કામ ચલાવાશે નહી.

બીજી તરફ કારોબારી સભ્ય ચંદુભાઈ શિંગાળાએ આરોગ્ય તંત્રની કામગીરી બીરદાવી હતી. ત્રણ-ત્રણ લોકડાઉન સુધી જીલ્લામાં એક પણ પોઝીટીવ કેસ થયો ન હતો. ઉપરાંત શહેરના આરોગ્ય વિભાગને પણ જીલ્લા તંત્રે મદદ કરી હતી. આરોગ્ય અધિકારી ડો. મીતેશ ભંડેરી સહિતની ટીમે કાબીલેદાદ કામગીરી કરી હતી. તમામ સભ્યોએ તાળીઓના ગડગડાટથી ટેકો આપ્યો હતો.


Related News

Loading...
Advertisement