અનાજ-કઠોળ, ડુંગળી-બટેટાનો ગમે તેટલો સંગ્રહ થઈ શકશે

04 June 2020 11:19 AM
Ahmedabad Gujarat
  • અનાજ-કઠોળ, ડુંગળી-બટેટાનો ગમે તેટલો સંગ્રહ થઈ શકશે

આવશ્યક વસ્તુધારામાંથી અનાજ, કઠોળ, તેલ, તેલીબીયા પણ બાકાત: યાર્ડ બહાર માલ વેચવા ખેડૂતોને છૂટ: જાહેરનામુ પ્રસિદ્ધ

અમદાવાદ તા.4
કેન્દ્ર સરકાર ભારતના ઈતિહાસમાં વર્ષો જૂના ખેડુતો અને વેપારીઓને લગતા કાયદામાં ધરમૂળથી ફેરફારો કરવાની જાહેરાત કરી હતી. વર્તમાન કોરોના વાયરસની સ્થિતિમાં ખેડૂતોને તેની ખેતપેદાશનાં સારા ભાવ મળી શકે એ હેતુથી કેન્દ્ર સરકારે વર્ષો જૂના આવશ્યક ચીજવસ્તુ ધારો એશેન્સિયલ કોમોડીટી એકટમાં ફેરફાર કરીને પસંદગીની કેટલીક કોમાડીટીને સ્ટોક લિમીટમાંથી દૂર કરી છે.

જયારે એપીએમસીને લગતા કાયદામાં પણ મોટો ફેરફાર કર્યો છે. આ બંને કાયદાને કેન્દ્રીય આર્થિક બાબતની કેબીનેટ કમીટીએ લીલીઝંડી આપી હતી. કેન્દ્ર સરકારે આવશ્યક ચીજવસ્તુધારામાંથી અનાજ-કઠોળ, ખાદ્યતેલ-તેલીબીયા અને ડુંગળી-બટાટાને દૂર કર્યા છે. પરિણામે વેપારીઓ હવે આ કોમોડીટીનો ગમે તેટલો સ્યોક કરી શકશે. જેને પગલે વેપારીઓને પણ રાહત થશે અને સરકારી કનડગતમાંથી છુટકારો મળી શકશે.

કેન્દ્ર સરકારે જણાવ્યું હતું કે, દેશમાં સ્ટોક લિમીટનાં કાયદાને પગલે વેપારીઓ મોટી માત્રામાં સ્ટોક કરી શકતા નહોતા અને ખેડૂતોને સારા ભાવ મળતા નહોતા. પરંતુ હવે તે મદદ મળી શકશે. હાલમાં ખેડૂતો નાશવંત ચીજવસ્તુઓમાં મોટાપાયે નુકશાન કરતાં અને બગાડ પણ થતો હતો, જેમાંથી પણ હવે મુક્તિ મળી શકશે. નવા ફેરફારથી હવે વેરહાઉસ, કોલ્ડ સ્ટોરેજ સહિતની ચેઈનમાં નવું રોકાણ પણ આવશે અને સ્ટોક કરવાની ક્ષમતામાં પણ વધારો થશે.

જો કે સરકારે આ કાયદામાં કોઈ આપતાકાલિન સ્થિતિ કે કોઈ કોમોડીટીનાં અસાધારણ ભાવ વધી જાય તો સ્ટોક લીમીટ લાગુ કરવાની એક જોગવાઈ રાખી છે. આ ઉપરાંત કેન્દ્ર સરકારે એપીએમસીનાં કાયદામાં પણ ફેરફાર કર્યો છે. જેને સરકારે ખેતપેદાશનાં ટ્રેડ અને વેપારનાં પ્રમોશન અને સ્ટોરેજને લગતો કાયદો 2020 એવું નામ આપીને ફેરફારો કર્યો છે. જે અંતર્ગત ખેડૂતો હવેથી કાયદાની રૂએ પોતાની તમામ ખેતપેદાશને દેશમાં ગમે ત્યાં અને ગમે ત્યારે વેચાણ કરી શકશે. અત્યાર સુધી માત્ર માર્કેટ યાર્ડમાં જ વેચાણની છૂટ હતી. જો કે ખેડૂતો યાર્ડ બહાર માલ વેચાણ કરતાં હતા, પરંતુ હવે સરકારે તેને કાયદાને આધીન છૂટ આપી છે. ખેડૂતો રાજયમાં કે રાજય બહાર વેચાણ કરવાની સાથે ધારે તો સીધું પ્રોસેસીંગ કે નિકાસ પર કરી શકશે.

આ કાયદાને કારણે હવેથી ખેડૂતો અને વેપારીઓને પોતાની પસંદગી પ્રમાણે લે-વેચ કરવાની છૂટ મળી છે. પરિણામે કોઈ રાજય કે વિસ્તારમાં કોઈ કોમોડીટીનો વધુ સ્ટોક હોય તો તે જે વિસ્તારમાં અછત હોય ત્યાં સરળતાથી વેચાણ કરી શકશે. વળી નવા કાયદાને પગલે ઈલેકટ્રોનીક ટ્રેડીંગને પણ પ્રોત્સાહન આપવાની જોગવાઈ કરી છે.

સરકારે એક ત્રીજા કાયદાહેઠળ પ્રાઈવ સેકટરનાં રોકાણને પણ ભારતીય ખેત પેદાશની વેલ્યુ ચેઈનમાં ભાગીદાર બનાવવાની છૂટ આપી છે. જેને પગલે ખેડૂતો નવી ટેકનોલોજી અને ઉચ્ચ પ્રકારની ખેતી કરી શકે તે માટેનું માર્ગદર્શન મેળવી શકશે.


Related News

Loading...
Advertisement