24 કલાકમાં છુટો છવાયો વધુ 1.5 ઇંચ સુધી વરસાદ : ધૂપછાંવનો માહોલ

04 June 2020 11:12 AM
kutch Rajkot Saurashtra
  • 24 કલાકમાં છુટો છવાયો વધુ 1.5 ઇંચ સુધી વરસાદ : ધૂપછાંવનો માહોલ

સવારથી રહ્યો વરસાદી માહોલ : કોટડાસાંગાણી 1.5, થાન-1.5, ગોંડલ-1, સુત્રાપાડા-જેતપુર-0.5, ધોરાજી-વિસાવદર-ઘોઘા-હળવદ-વડીયામાં-0.5, સૌરાષ્ટ્ર-કચ્છમાં અન્યત્ર હળવા ભારે ઝાપટા વરસ્યા : તોફાની પવનને કારણે કેટલાક સ્થળે વૃક્ષો, બેનરો, હોર્ડિગ્ઝો ઉડી તૂટી પડયા

રાજકોટ તા.4
સમગ્ર સૌરાષ્ટ્ર-કચ્છમાં ગઇકાલે મોટાભાગે વાદળછાયુ વાતાવરણ બની રહેવા સાથે સતત બીજા દિવસે નિસર્ગ વાવાઝોડાની અસર હેઠળ હળવા ભારે ઝાપટાથી લઇ કેટલાક સ્થળે નોંધપાત્ર 1.5 ઇંચ સુધી વરસાદ નોંધાયા બાદ આજે સવારથી ધૂંપછાવનો માહોલ વચ્ચે વરસાદી વાતાવરણ યથાવત રહ્યું છે તો વાવાઝોડાની અસર હેઠળ વધુ તેજ ગતિએ પવન ફૂંકાયો હતો.

નિસર્ગ વાવાઝોડાની અસર હેઠળ પૂર્વાનુમાન મુજબ જ બે દિવસ વરસાદી માહોલ બની રહ્યો હતો. ગઇકાલે દિવસે મોટાભાગે વાદળછાયુ વાતાવરણ બની રહેતા કેટલાક સ્થળે હળવા ભારે ઝાપટાથી દોઢ ઇંચ વરસાદ વરસી ગયા બાદ રાજકોટ, મોરબી, સુરેન્દ્રનગર પંથકમાં વાતાવરણમાં બદલાવ આવતા રાત્રીના સમયે કોટડામાં 1.5, થાનમાં 1.5, ગોંડલમાં 1, સુત્રાપાડા-જેતપુરમાં પોણો, ધોરાજી-વિસાવદર-ઘોઘા-હળવદ-વડીયામાં અડધો ઇંચ તેમજ ભૂજ, કુતિયાણા, તલાલા, જસદણ, ચોટીલા, પોરબંદર, જામજોધપુર, જામકંડોરણા, જૂનાગઢમાં ઝાપટા પડયા હતા.

આજે સવાર સુધીમાં છેલ્લા 14 કલાક દરમિયાન થયેલા છુટછવાયા વરસાદ વચ્ચે કેટલાક સ્થળે દિવસ રાત ફૂંંકાયેલા તોફાની પવનથી ઝાડવા, હોર્ડિગ્ઝ, બેનરો ઉડયા હતા જો કે કોઇ જાનહાની થઇ હતી નહી. દરમિયાન આજે સવારથી જ છુટાછવાયા માહોલ વચ્ચે કેટલાક સ્થળે છાંટાછાટી થયા બાદ મોટાભાગના સ્થળે ઉઘાડ નીકળી ગયો હતો. જો કે આજે પણ બપોર પછી કેટલાક સ્થળે મીની વાવાઝોડા સાથે વરસાદ ખાબકી જવાની શકયતા જોવા મળે છે.

રાજકોટ
રાજકોટમાં ગઇકાલે દિવસે ગરમી અને બફારા વચ્ચે દિવસભર ધૂપછાંવનો માહોલ બની રહ્યો હતો તો રાત્રીના સમયે છાંટાપણ પડયા હતા. જેથી અગાસીમાં સૂતેલા લોકોની નિંદ્રામાં ભંગ થયો હતો. બાદ આજે સવારથી ફરી શહેરમાં વાદળછાયુ વાતાવરણ બની રહેવા સાથે અસહ્ય ગરમી બફારો લોકોને અકળાવી રહ્યો છે. ગઇકાલે મહત્તમ તાપમાન 4.1 ડિગ્રી રહ્યા બાદ આજે લઘુત્તમ તાપમાન 27.4 ડિગ્રી નોંધાયું છે. હવામાં સવારે 66 ટકા ભેજ નોંધાયો હતો તો પવનની ઝડપ 13 કિ.મી. પ્રતિ કલાક રહી હતી. રાજકોટ જિલ્લાના કોટડા સાંગાણીમાં દોઢ, ગોંડલમાં એક, જેતપુરમાં પોણો, ધોરાજીમાં અડધો ઇંચ વરસાદ નોંધાયો હતો.

ગોંડલ
ગોંડલ શહેર પંથકમાં સાંજે વાતાવરણ પલટતા આકાશકાળા ડિબાંગ વાદળોથી ગોરમભાયુ હતું અને ધમાકેદાર વરસાદી ઝાપટુ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી જવા પામી હતી. તાલુકા પાંચીયાવદર, મોવીયા, શ્રીનાથગઢ, શિવરાજગઢ, માંડણ કુંડલા તેમજ બીલડી સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદ વરસ્યો હતો.

ઉના-ગીરગઢડા
ગીરગઢડા પંથકમાં વરસાદી માહોલ જોવા મળ્યો હતો અને ગીરગઢડા તાલુકાના વેળાકોટ, બોડીદર ગામના વિસ્તારમાં બપોરબાદ સામાન્ય વરસાદના ઝાપટા વરસ્યા હતા. આ વરસાદના કારણે કેરી, તલ અને અન્ય ખરીફ કૃષિ પાકોને નુકશાન થયું હોવાનું જાણવા મળેલ છે.

ખંભાળીયા
દેવભૂમિ દ્વારકા જિલ્લામાં નિસર્ગ વાવાઝોડાની ઓછી થઇ ગયેલી સંભાવનાઓ વચ્ચે મંગળવારે સાંજે વંટોળીયા પવન સાથે કેટલાક વિસ્તારોમાં છાંટા વરસ્યા હતા. જયારે આજે સવારથી વાતાવરણ ખુલ્લુ રહ્યું હતું. જો કે પવનન થોડા જોર વચ્ચે ઉકળાટ અને અસહ્ય બફારો લોકોએ અનુભવ્યો હતો. આટલું જ નહીં. દ્વારકાના દરીયા કિનારે પાંચથી છ ફૂટ જેટલા વિશાળ મોજા પણ ઉછળ્યા હતા.

સુરેન્દ્રનગર
સુરેન્દ્રનગર જિલ્લામાં ગઇકાલે દિવસે વાદળીયુ વાતાવરણ બની રહ્યા બાદ રાત્રીના વાતાવરણમાં પલટો આવતા ધ્રાંગધ્રા, થાન સહિત રણકાંઠાના કુડા, નરાળી, નિમકનગર, કોયાણી, જેસરડા જેવા ગામોમાં વરસાદ થયો હતો.

જૂનાગઢ
જૂનાગઢમાં ભારે પવનના લીધે બેનરો હોર્ડિગ્ઝ ઉડયા હતા. બસ સ્ટેશન સામે આવેલા કોમ્પ્લેક્ષમાં લાગેલ બોર્ડ ધરાશાઇ થતા એક કાર દબાઇ જતા નુકશાન થયું હતું. સદનસીબે કોઇ જાનહાની નથી થઇ.

મોરબી
મોરબી સાંજથી પવન સાથે વરસાદ નોંધાયો હતો. માળીયા વિસ્તારમાં વધુ પવન ફૂંકાયો હતો. નવલખી બંદર પર સાવચેતી વધારવામાં આવી હતી અને 2 નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું હતું તો માળીયા હળવદ હાઇવે પર ટોલનાકાની કેનોપી ધરાશાયી થતા થોડીવાર માટે વાહનોની અવર-જવર બંધ થઇ હતી. ટોલનાકાના કર્મચારીઓ ત્યાં કેનોપી દૂર કરી ફરી વાહન વ્યવહાર શરૂ કરાવ્યો સદનસીબે કોઇ જાનહાની થઇ નથી.

હળવદ
હળવદ પંથકના ગ્રામીણ વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળ્યો હતો. જેમાં માલણીયાદ, ઇશનપુર, ટીકર, સુંદરગઢ, ચરાડવા, માનગઢ, રણમલપુર, વેગડવાવ સહિતના ગામોમાં સખત ગરમી વચ્ચે બપોરબાદ વાતાવરણમાં અચાનક પલટો જોવા મળેલ. અચાનક કાળા ડીબાંગ વાદળો વચ્ચે વાતાવરણ ધુંધળુ થઇ ગયું હતું અને ગાજવીજ સાથે વરસાદ પડતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઇ હતી તો બીજી તરફ વરસાદને કારણે તલ અને બાજરીનો પાક તૈયાર થઇ ગયો હતો. જેમાં વ્યા પક પ્રમાણમાં નુકશાન થયું હોવાનું ખેડૂતો પાસેથી જાણવા મળી રહ્યું છે.

જામજોધપુર
જામજોધપુરમાં ગ્રામ્ય પંથકમાં વરસાદ જામજોધપુરના ગ્રામ્ય પંથક વાંસજાળીયા જામવાળી સખપુર તરસાઇ વગેરે વિસ્તારમાં દોઢથી બે ઇંચ પવન સાથે વરસાદ ખાબકયો હતો.

વાંસજાળીયા
જામજોધપુર તાલુકાના વાંસજાળીયા ગામે બુધવારે બપોરે સવા ત્રણ વાગ્યાથી પાંચ વાગ્યા સુધીમાં જોરદાર પવન સાથે આશરે બે ઇંચ વરસાદ પડયો હતો. સાથે પવનને લીધે સીમમાં વીજળીના કેટલાક થાંભલા પડી ગયા છે. આસપાસના વિસ્તારોમાં પણ વરસાદ પડયાના વાવડ છે.


Related News

Loading...
Advertisement