‘આત્મનિર્ભર’ના રસ્તા બંધ થવા લાગ્યા; વાજપાઈ લોન યોજના સ્થગિત

04 June 2020 11:07 AM
Rajkot Gujarat
  • ‘આત્મનિર્ભર’ના રસ્તા બંધ થવા લાગ્યા; વાજપાઈ લોન યોજના સ્થગિત
  • ‘આત્મનિર્ભર’ના રસ્તા બંધ થવા લાગ્યા; વાજપાઈ લોન યોજના સ્થગિત

રાજકોટ સહિત રાજ્યભરમાં નાના-મધ્યમ વર્ગના વેપારીઓને મોટો ઝટકો: રાજકોટની જુદી-જુદી બેન્કોમાં 4000થી વધુ અરજીઓ ફાઈલ; વેપારીઓને સરકાર તરફથી અપાતી 30 ટકા સબસીડીવાળી લોન યોજનાનો સંકેલો : જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર દ્વારા ભલામણ કરાયેલી લોનના ચૂકવણા નહિ કરવા તમામ બેન્કોને ભલામણ; લોન લેનારાઓની બેન્કોમાં હડીયાપટ્ટી; દેકારો

રાજકોટ,તા. 4
રાજકોટ સહિત રાજ્યભરમાં તમામ જિલ્લા અને તાલુકા મથકોએ વાજપાઈ બેન્કેબલ લોન યોજના સ્થગિત કરતો હુકમ ગુજરાત રાજ્યનાં કુટીર અને ગ્રામોદ્યોગ કચેરીએ કર્યો હોવાની વિગતો બહાર આવી છે. 30 વર્ષ જૂની વાજપાઈ બેન્કેબલ લોન યોજના મધ્યમ અને નાના વર્ગના વેપારીઓને મોટી રાહત આપતી હતી. આ યોજના હેઠળ લોન લેનારને રાજ્ય સરકાર દ્વારા 30 ટકા સબસીડી આપવામાં આવતી હતી. રાજ્ય સરકારની આર્થિક હાલત નાજુક બનતા આ યોજના સ્થગિત કરવામાં આવી હોવાનું વિગતો ચર્ચાઇ રહી છે.

રાજકોટ સહિત રાજ્યભરની તમામ જિલ્લા ઉદ્યોગ કેન્દ્રનીકચેરીઓને રાજ્ય સરકારના કુટીર અને ગ્રામોદ્યોગ કચેરીએ 1લી જૂને એક પરિપત્ર કરીને જણાવ્યું છે કે રાજ્ય સરકારની વાજપાઈ બેન્કેબલ લોન યોજનાના માળખામાં ફેરફાર કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી રહી હોય તા. 1-6-2020થીકોઇપણ અરજી સ્વીકારવાની કે કચેરીમાં આવેલી અરજીઓની ચકાસણીક રવાની રહેતી નથી.

વધુમાં આ યોજનાના કામે કોઇપણ અરજદારને કચેરીમાં બોલાવવા નહીં કે કોઇપણ અરજી બેન્કોને ભલામણ કરવાની રહેતી નથી. 1-6-2020 પછી ભલામણ કરવામાં આવશે તો તે અંગેની સંપૂર્ણ જવાબદારી જે તે અધિકારી તથા જિલ્લા ઉદ્યોગ કેન્દ્રના જનરલ મેનેજરની રહેશે.

રાજકોટ સહિત ગુજરાત રાજ્યભરમાં રાજ્ય સરકારે કરેલા આ આદેશને પગલે રાજકોટ અને જિલ્લાનાં એલડીએમ અને તમામ બેન્કોને એવું જણાવાયું છે કે જે અરજી આ અગાઉ મંજુર કરવામાં આવી છે અને હાલમાં પડતર છે તેવી અરજીઓ પણ મંજૂર થયા બાદ લોનના ચૂકવણા કરવા નહીં. બેન્ક મેનેજરો પાસેથી મળતી વિગતો મુજબ રાજકોટ શહેર અને જિલ્લામાં એક અંદાજ મુજબ આવી વાજપાઈ બેન્કેબલ લોન યોજના અંતર્ગત 10 હજારથી વધુ અરજીઓ પડતર રહેલી છે તે તમામ હાલ ફાઈલે કરવામાં આવી હોવાનું જણાવાયું છે.

રાજકોટ સહિત દેશભરમાં કેન્દ્ર સરકારે આત્મનિર્ભર યોજના અંતર્ગત 1 લાખ રુપિયાની લોન આપવા માટે તમામ બેન્કોને આદેશ કર્યો છે. આવી અરજીઓના ફોર્મ ભરવા બેન્કોમાં લાઈનો લાગી રહી છે જો કે આ અરજીની સાથોસાથ લાંબુલચક ચેકલીસ્ટ તેમજ જામીન રજૂ કરવાના હોય આત્મનિર્ભર યોજના અંતર્ગત વેપારીઓને કેન્દ્ર સરકારે રુા. 1 લાખ સુુધીની લોન આપવાની જે જાહેરાત કરી છે તેને માત્ર પબ્લીસીટી સ્ટંટ હોય તેવું વેપારીવર્ગ માની રહ્યો છે.

રાજકોટ ઉપરાંત જિલ્લાભરમાં હાલમાં જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર દ્વારા લોકડાઉન પૂર્વે 10 હજાર જેટલી અરજી વાજપાઈ બેન્કેબલ લોન યોજના હેઠળ મંજૂર કરીને વેપારીઓવાઈઝ જે તે વિસ્તારની બેન્કોમાં પોતાની ભલામણ સાથે મોકલી આપી છે. આવી તમામ અરજીઓ હવે સ્થગિત કરી દેવામાં આવી છે અથવાતો ફાઈલ કરવામાં આવી છે. આવી 10 હજાર જેટલી અરજીઓના લોનના ચૂકવણા કરવામાં આવશે નહીં.

દરમિયાન જાણવા મળતી વિગત મુજબ એક તરફ લોકડાઉનના કારણે એક તરફ વેપારીઓની હાલત કથડી ગઇ છે. વેપાર ધંધા મૃતપ્રાય થયા છે અને વેપારીઓને બેઠા કરવા કેન્દ્ર સરકારે આત્મનિર્ભર યોજના જાહેર કરી એક લાખની લોન આપવા ફોર્મ આપવાનું શરુ કર્યું છે અને બીજી તરફ 30 વર્ષથી ચાલતી ગુજરાત રાજ્ય સરકારની 30 ટકા સબસીડીવાળી વાજપાઈબેન્કેબલ લોન યોજના રાજ્ય સરકારે નાણાના અભાવે સ્થગિત કરતા ભારે ચકચાર જાગી છે. આવી લોન જિલ્લા ઉદ્યોગ કેન્દ્રએ મંજુર કરી છે પરંતુ બેન્ક દ્વારા હવે પેમેન્ટ નહીં કરવામાં આવતા વેપારીઓને બેન્કે ધક્કા થઇ રહ્યા હોવાનું પણ જાણવા મળેલ છે.

રાજ્ય સરકારની તિજોરી તળિયાઝાટક થઇ છે. તે સંદર્ભે હાલમાં વેપારીઓને 1 લાખ ઉપર 30 હજારની સબસીડી રાજ્ય સરકાર આપી શકે તેમ નથી. આ સ્થિતિ વચ્ચે ગુજરાત રાજ્ય સરકારે વાજપાઈ બેન્કેબલ લોન યોજના હાલમાં સ્થગિત કરી હોવાનું સમજાઈ રહ્યું છે.


Related News

Loading...
Advertisement