જુનાગઢ જીલ્લામાં સાર્વત્રીક 0॥ થી 2॥ ઈંચ: અમરેલી પંથકમાં વીજળી પડી

03 June 2020 05:50 PM
Jamnagar Rajkot Saurashtra
  • જુનાગઢ જીલ્લામાં સાર્વત્રીક 0॥ થી 2॥ ઈંચ: અમરેલી પંથકમાં વીજળી પડી

સૌરાષ્ટ્રનાં અમરેલી, જુનાગઢ, ગીર સોમનાથ જીલ્લામાં નોંધપાત્ર વરસાદ: તોફાની પવનમાં દરવાજો પડતાં જુનાગઢ પંથકમાં આધેડનું મોત: જુન પ્રારંભે વરસાદ વરસતા તલ, મગ, જુવાર,મગફળી, કપાસ, કેરીના પાકને નુકશાન: હજુ 24 કલાક હળવા ભારે વરસાદની આગાહી : વાવાઝોડાનું સંકટ ટળ્યુ છતાં તેના પ્રભાવ હેઠળ સૌરાષ્ટ્રનાં અનેક ભાગોમાં હળવો-નોંધપાત્ર વરસાદ

રાજકોટ તા.3
જુન માસના પ્રારંભ સાથે કેરળમાં નૈઋત્ય ચોમાસું બેસી ગયુ છે તો બીજી તરફ અરબી સમુદ્રમાં સર્જાયેલા લો પ્રેસરના કારણે ગુજરાત-સૌરાષ્ટ્રમાં નિસર્ગ વાવાઝોડુ ત્રાટકવાનું હતું પરંતુ વાવાઝોડુ ફંટાઈ મહારાષ્ટ્ર તરફ આગળ ધપી રહ્યું છે. વાવાઝોડાની અસરનાં પગલે છેલ્લા 24 કલાકમાં જુનાગઢ જીલ્લામાં સાર્વત્રીક અડધાથી અઢી ઈંચ તોફાની વરસાદ સાથે અમરેલી, પોરબંદર, રાજકોટ, જામનગર, સોમનાથ, દ્વારકા, મોરબી, સુરેન્દ્રનગર, બોટાદ, ભાવનગર, જીલ્લામાં મીની વાવાઝોડા સામે કયાક તોફાની તો અમુક સ્થળે હળવા ભારે ઝાપટા-વરસ્યા છતાં ગઈકાલે ભીમ અગીયારના દિને મેઘરાજાએ મુહુર્ત સાચવતા ખેડૂતોમાં આનંદની લાગણી ફેલાઈ જવા પામી છે.

સોરઠ-સોમનાથ-અમરેલી જીલ્લામાં તોફાની પવન સાથે પાકને નુકશાન સાથે અમરેલી જીલ્લાનાં સાવરકુંડલાના નાળ ગામે ચેકડેમોમાં પાણી વહ્યા હતા. વાવાઝોડાની દહેશતને સૌરાષ્ટ્રનાં સાગરકાંઠા વિસ્તારોમાં માછીમારોને સાવચેત કરાયા છે અને વહીવટીતંત્ર એલર્ટ પર રખાયું છે. જોકે વાવાઝોડાનો ખતરો ટળી જતાં આવતીકાલ સુધી ભારે-મધ્યમ વરસાદ વરસે તેવી હવામાન વિભાગે આગાહી કરી છે.

જુનાગઢ જીલ્લો
સોરઠ જીલ્લામાં ગઈકાલે ભારે પવન સાથે મેઘરાજાએ એન્ટ્રી પાડી હતી. જુનાગઢ શહેરમાં 35 કી.મી.ની ઝડપે પવન ફુંકાતા વંથલી રોડ પર દિપાંજલી એસ.ટી.બસ સ્ટેન્ડ (પીકઅપ સ્ટેન્ડ) મુળમાં ઉખડી પડયુ હતું. સાથે માર્ગોમાં હોર્ડીંગ્સ ધરાશાયી થયા હતા
.
મીની વાવાઝોડા સાથે માળીયા અને કેશોદમાં 2॥ ઈંચ વરસાદ વરસ્યો હતો. ગ્રામ્ય વિસ્તારોમાં પણ હળવો-ભારે વરસાદ તૂટી પડયો હતો. ફલડ ક્ધટ્રોલનાં આંકડા મુજબ કેશોદ 57 મી.મી, માળીયા 30, મી,મી, માણાવદર 32 મી,મી, મેંદરડા 27 મી.મી,વિસાવદર 10 મી,મી, વરસાદ નોંધાયો હતો. વિસાવદરનાં માંડાવડ નજીક તોતીંગ વૃક્ષ વીજ પોલ જમીનદોસ્ત થયા હતા. લાઠોદ્રા ગામે દરવાજો પડતા ભીખાભાઈ નામનાં આધેડનું મોત થયુ હતું
.
સોરઠ પંથકમાં હજુ ઉનાળુ મગફળીના પાથરા પડયા હોય ગઈકાલે વરસાદમાં પાથરા પલળી જતાં કુદરતે મોઢે આવેલ કોળીયો ઝુંટવી લીધો છે. ઉનાળુ બાજરીનાં પાકનો સોથ વળી ગયો હતો આ ઉપરાંત કેરી, રાવણાની સીઝન શરૂ થઈ અચાનક મીની વાવાઝોડુ ત્રાટકતા વિસાવદર, મેંદરડા, સાસણ, વંથલી, માળીયા, ભેસાણ, તાલુકામાં કેરીના પાકને નુકશાન થતાં ઈજારદારો બગીચા માલીકોને પડયા પર પાટુ લાગવા જેવી સ્થિતિ સર્જાઈ છે.

ગીર સોમનાથ
ગીર સોમનાથ જીલ્લામાં ઉના અને ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદના હળવા ભારે ઝાપટા વરસ્યા હતા.

અમરેલી જીલ્લો
અમરેલી જીલ્લામાં ગઈકાલે તોફાની વરસાદ સાથે વીજળી પડવાના બનાવમાં 16 બકરાનાં મોત થયા હતા. અમરેલી જીલ્લામાં વાવાઝોડાની દહેશત સાથે સાગર કાંઠાના જાફરાબાદ તાલુકાનાં ગ્રામ્ય વિસ્તારોને એલર્ટ કરાયા છે. સાવરકુંડલા તાલુકાના નાળ ગામે મીની વાવાઝોડા સાથે વીજળી પડતાં 16 બકરાના મોત થયા હતા અને 20 થી વધુ બકરા ઘાયલ થયેલ છે. વરસાદ ગામના નદી-નાળા ચેકડેમોમાં પાણી વહ્યા હતા. ડુંગરાળ વિસ્તારમાં બે ઈંચ વરસાદ વરસ્યો હતો.

રાજકોટ જીલ્લો
રાજકોટ સહીત સમગ્ર જીલ્લામાં હળવો ભારે વરસાદ વરસ્યો હતો. ગઈકાલે બપોર બાદ જેતપુર, ગોંડલ, ધોરાજી, મોટી મારડ, ઉપલેટા જસદણ પંથકમાં વરસાદના હળવા ભારે ઝાપટા વરસ્યા હતા. વિરપુરમાં ધુળની ડમરીઓ ઉડયા બાદ હળવો વરસાદ વરસ્યો હતો.
ગોંડલ પંથકનાં બીલીયાળા, સેમળા, ભૂણાવા, ભરૂડી સહીતનાં આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં ઠંડક પ્રસરી હતી.

ટંકારા
વાવાઝોડાની અસરના પગલે ટંકારા પંથકમાં ગઈકાલે સાંજના વાતાવરણમાં બદલાવ સાથે વરસાદના ઝાપટા વરસતા બજારોમાં પાણી વહેતા થયા હતા.
ભાવનગરનાં જેસર પંથકમાં એક ઈંચ વરસાદ વરસ્યો હતો. પાલીતાણામાં ઝાપટા વરસ્યા હતા. સમગ્ર સૌરાષ્ટ્રભરમાં ગઈકાલે વાતાવરણમાં બદલાવ સાથે હળવો ભારે વરસાદ વરસ્યો હતો. હજુ આગામી 24 કલાક સૌરાષ્ટ્રમાં કોઈક સ્થળોએ હળવા ભારે વરસાદ વરસે તેવી હવામાન વિભાગે આગાહી વ્યકત કરી છે.


Related News

Loading...
Advertisement