"વિશ્વ સાયકલ ડે" : આરોગ્ય માટે ‘સાયકલીંગ’નો ટ્રેન્ડ

03 June 2020 04:28 PM
Rajkot Saurashtra
  • "વિશ્વ સાયકલ ડે" : આરોગ્ય માટે ‘સાયકલીંગ’નો ટ્રેન્ડ
  • "વિશ્વ સાયકલ ડે" : આરોગ્ય માટે ‘સાયકલીંગ’નો ટ્રેન્ડ

બાળકોમાં તો ક્રેઝ છે જ, મોટેરાઓ પરિવહનને બદલે સ્વાસ્થ્ય જાળવવા સાયકલનો વધુ ઉપયોગ કરી રહ્યા છે: રૂા.4500થી માંડીને રૂા.35000 સુધીની રેન્જ

રાજકોટ તા.3
એક જમાનો હતો, જયારે સાઈકલ મધ્યમવર્ગનું જરૂરિયાતનું સાધન હતું, કાળક્રમે ટુ વ્હીલર અને ફોર વ્હીલર સામાન્યજનના પણ જરૂરિયાતનું સાધન બન્યા છે. કોઈ સમયે વાહન બુક કરાવ્યા પછી પણ બે-ત્રણ વરસે મળતા હતા, આજે ગ્લોબલાઈઝેશનના યુગમાં ટેકનોલોજીના હરણફાળ વિકાસથી અને બેન્કો દ્વારા સરળતાથી લોન ઉપલબ્ધ થવાની માર્ગો પરથી ધીરે ધીરે સાઈકલો અદ્રશ્ય થવા લાગી હતી અને તેની જગ્યાએ ધુમાડા ઓકતા, પ્રદૂષણ ફેલાવતા વાહનો આવી ગયા.

આજે વિશ્ર્વના નાના-મોટા નગરોમાં વાહનો એટલા તો વધી ગયા છે કે સાઈકલ તેમાં કયાંય સાઈકલ દેખાતી નથી, અલબત, વાહનોમાં યુગમાં સાઈકલે પોતાનું સાવ વજૂદ નથી ગુમાવ્યું. ખાસ કરીને બાળકો અને કિશોરોમાં સાઈકલ ઉપયોગી અને લોકપ્રિય છે. યુવાનો ધુમ સ્ટાઈલમાં બાઈક ચલાવતા નજરે પડે છે.

આજે પરિસ્થિતિ એ પેદા થઈ છે કે શેરીના નાકેથી ઘેર જવામાં યુવાન બાઈકનો ઉપયોગ કરતો હોય છે. વાહનોના આ અનિયંત્રીત ઉપયોગથી પર્યાવરણ, અર્થતંત્ર અને કુદ વાહન ચલાવનારના આરોગ્યને નુકશાન થયું છે. આ સંજોગોમાં હવે દુનિયાને, સમાજને સાઈકલનું મહત્વ સમજાયું છે અને આ કારણે જ વિશ્ર્વમાં દર વર્ષે 3જી જૂને વિશ્વ સાઈકલ ડેની ઉજવણી કરવામાં આવે છે.

આપણે ત્યાં મોટો વર્ગ સાઈકલ ચલાવવામાં નાનપ અનુભવતો હોય છે, જયારે વિદેશમાં વડાપ્રધાન કક્ષાની વ્યક્તિઓ જાહેર માર્ગો પર સાઈકલ ચલાવતા નજરે પડતા હોય છે. ચીન, જાપાન, બ્રિટન વગેરે દેશોમાં આમજન નજીકના અંતરમાં સાઈકલ સવારી કરતો જોવા મળતો હોય છે.

એક જમાનામાં ભારતમાં ઘાંડો સાઈકલ તરીકે ઓળખાતી સાદી સાઈકલ લોકપ્રિય હતી, આજે જમાના પ્રમાણે સાઈકલના પણ રંગરૂપ અને ટેકનોલોજી બદલાયા છે.
આજે રૂા.4500થી માંડીને રૂા.30 હજાર અને રૂા.35 હજાર સુધીના બજેટની સાઈકલો બજારમાં મળે છે તેમ રાજકોટના જૂના અને જાણીતા પરમાર સાઈકલ સ્ટોર્સના પ્રવીણભાઈ જણાવે છે.

પ્રવિણભાઈ વધુમાં જણાવે છે કે અરે જાયન્ટસ કંપનીની પોણા બે લાખની સાઈકલ મળે છે. પ્રવિણભાઈ કહે છે કે લોકડાઉન ખુલ્યા પછી પણ સાઈકલની સારી એવી ડિમાન્ડ છે. ખાસ કરીને લેડીઝ અને બાળકોમાં કિશોરોમાં સાઈકલની સારી ડિમાન્ડ હોય છે.

આજે સાઈકલ પ્રત્યે લોકોના ઉત્સાહ મામલે પ્રવિણભાઈ કહે છે કે ડોકટરો ફીટનેસ મામલે સાઈકલ ચલાવવાની સલાહ આપે છે. જેના કારણે પણ સાઈકલ પ્રત્યે લોકોનો ઉત્સાહ છે. સાદી સાઈકલની કિંમત રૂા.4500થી રૂા.5500 હોય છે. જયારે સ્પોર્ટસ લુકની, ગિયરવાળી સાઈકલોને 7000 થી રૂા.10000 જેટલી કિંમત હોય છે.

આજે વિશ્વ સાઈકલ દીને તસ્વીરો પડાવવા ખાતર સાઈકલ નેતાઓ ચલાવે કે સવારમાં હેલ્થ માટે ડોકટરની સલાહ મુજબ સાઈકલ ચલાવે તે પૂરતું નથી, નાનકડું અંતર હોય તો ટુ વ્હીલર કે ફોર વ્હીલરના બદલે નેતા સાઈકલનો ઉપયોગ કરે તો પ્રજાને પણ પ્રેરણા મળે. પ્રજા પણ જો સાઈકલનો રૂટીનમાં ઉપયોગ કરે તે સરવાળે તે તેના ખિસ્સાને, તેના આરોગ્યને, દેશના અર્થતંત્રને અને સમગ્ર પર્યાવરણને લાભદાયી જ છે.


Related News

Loading...
Advertisement