છ માસ ટેકસ મુકિત સહિતની માંગ સ્વીકારાય તો જ ખાનગી બસો શરૂ કરાશે!

03 June 2020 04:05 PM
Rajkot
  • છ માસ ટેકસ મુકિત સહિતની માંગ સ્વીકારાય તો જ ખાનગી બસો શરૂ કરાશે!

50 ટકા કેપીસીટીમાં બસો ચલાવવી કોઇ રીતે પોષાય તેમ નથી, ડિઝલનો ખર્ચ પણ ન નીકળે : નોનયુઝ એડવાન્સ ટેક્ષ પણ માફ કરો : રાજકોટ ટ્રાવેલ્સ એસોસીએશનનાં હોદેદારોએ ‘સાંજ સમાચાર’ સમક્ષ સમસ્યાઓ વર્ણવી

રાજકોટ તા.3
રાજય સરકાર રાજકોટ સહિત રાજયભરનાં ટ્રાવેલ્સ સંચાલકો કે જેઓની રાજયભરની 1પ હજાર જેટલી અને રાજકોટની 600 જેટલી બસો છેલ્લા અઢી માસ કરતા વધુ સમયથી કોરોના લોકડાઉનનાં કારણે બંધ હતી.

પરંતુ તાજેતરમાં જ રાજય સરકારે ખાનગી બસોમાં પણ 50 ટકાની કેપેસીટી અને નિયંત્રણો સાથે બસો ચલાવવા મંજૂરી આપી છે. પરંતુ કોરોના કાળની મંદીનો માર ખાઇ બેહાલ જેવા થઇ ગયેલા રાજકોટ સહિત રાજયભરનાં ટ્રાવેલ્સ સંચાલકોએ સરકાર પાસે રાહત માટે હાથ લંબાવ્યો છે અને વિવિધ માંગણીઓ મૂકી છે અને જણાવેલ છે કે જયાં સુધી સરકાર તેઓની માંગણીઓ ન સ્વીકારે ત્યાં સુધી એકપણ ખાનગી બસ દોડાવાશે નહી.

દરમ્યાન આજરોજ સાંજ સમાચારની મુલાકાતે આવેલા રાજકોટ ટ્રાવેલ્સ એસોસીએશનનાં હોદેદારો હારૂનભાઇ મેતર, દિવ્યેશભાઇ ચોલેરા, સિઘ્ધરાજસિંહ ચૌહાણ, ભાવેશભાઇ કનેરીયા અને હાર્દિકભાઇ બવારીયાએ એક સૂરે જણાવેલ હતું કે છ માસ સુધી ટોટલી ટેક્ષમુકિત નોનયુઝ વાહન મૂકવા લેવાતો રૂા.40 હજારનાં એડવાન્સ ટેક્ષમાંથી મુકિત અને 50 ટકા કેપેસીટીમાં વધારો કરવો સહિતની માંગણીઓ નહી સ્વીકારય ત્યાં સુધી ખાનગી બસોનાં પૈડા થંભેલા રહેશે.

હોદેદારોએ એવુ પણ જણાવેલ હતું કે બસ દીઠ સરેરાશ રૂા.10 હજારનું ડિઝલ વપરાય છે. ત્યારે 50 ટકા કેપેસીટીમાં બસ દોડાવાય તો ડિઝલનો ખર્ચો પણ નીકળે. હોદેદારોએ વધુમાં એવુ પણ જણાવેલ હતું કે ટોલટેક્ષમાં પણ છ માસની મુકિતની અમારી માંગ છે અને બેંક લોનમાં હપ્તાનાં વ્યાજમાં પણ રાહત આપવી જોઇએ.

રાજકોટ ટ્રાવેલ્સ એસો.નાં હોદેદારોએ વધુમાં એવુ પણ જણાવેલ હતું કે વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી દ્વારા 20 લાખ કરોડ રૂપિયાની સહાયની જાહેરાત દેશના નાગરિકો તથા ઉદ્યોગોને આર્થિક મદદ મળે તે અર્થે કરવામાં આવી છે જે ખરેખર સરાહનીય છે. પરંતુ અમારો વ્યવસાય તેમાંથી વંચીત રહી ગયો હોય તેવું અમને લાગી રહ્યું છે.

ગુજરાત સરકારને અમો માસીક 350 કરોડથી પણ વધારે ટેકસ ભરીએ છીએ અને આડકતરી રીતે બીજા માસીક 650 કરોડથી પણ વધારે ટેકસ અમો દ્વારા મળી રહ્યો હોય ત્યારે ગુજરાત સરકાર અમારી સાથે ઓરમાયુ વર્તન કરી રહી હોય તેવુ લાગી રહ્યું છે.

હોદેદારોના જણાવ્યા મુજબ અમારા ઉદ્યોગને લોકડાઉન ખુલ્યા પછી એટલે કે જયારથી પેસેન્જર વાહન ચલાવવાની સરકાર તરફથી પરવાનગી મળે તે પછીથી 6 માસ સુધી આરટીઓ, તમામ ટેકસ, એસજીએસટીમાંથી મુકિત આપવી ઉપરાંત પ્રોપર્ટી ટેકસ અને રાજયના ધોરીમાર્ગો પર લાગુ પાડવામાં આવેલ ટોલ ટેકસમાં માફી આપવામાં આવે તથા પેસેન્જર વાહનોને કાયમી ધોરણે નોન યુઝ મૂકવા માટે એડવાન્સ ટેકસમાંથી મુકિત આપવામાં આવે. જયારે લોકડાઉનનો સમયગાળો પૂરો થાય પછી અમારા વાહનો શરૂ કરતી વખતે મેઇન્ટેનન્સ કરવા માટે વાહન દીઠ રૂા.35,000ની આર્થિક સહાય સરકાર દ્વારા આપવામાં આવે અને આ ઉદ્યોગને ફરી રનીંગ કરવા વાહન દીઠ 1 લાખ સુધીની વગર વ્યાજે લોન પણ આપવામાં આવે.

તથા હાલની પરિસ્થિતિને અનુલક્ષીને બેન્કોને ધીરાણના રીપેમેનટ પર 6 મહિના માટે મુકિતના આદેશ આપવામાં આવે તેમજ આ મુકિતના સમયમર્યાદા દરમિયાન ધિરાણ પરનું વ્યાજ પણ માફ કરવાની સૂચના આપવી જોઇએ. જયારે સંપૂર્ણ લોકડાઉન સમય દરમિયાન બ્રેક ડાઉન રહેલી લકઝરી બસો માટેના દિવસો+ બીજા પંદર દિવસ માટે વીમાના સમયમાં વધારાના પ્રિમીયમ ભર્યા વગર એકસ્ટેન્શન મળવુ જોઇએ.

અમો સરકારને મહિને રૂા.1400થી 1500 કરોડ આપીએ છીએ, સરકારને વ્હેલી તકે સાંભળવા માંગ
કોરોનાકાળમાં ટ્રાવેલ્સ ઉદ્યોગ કરોડોનું નુકશાન વેઠી ચુકયો છે! હવે મદદ ખૂબ જરૂરી
લોકડાઉનનાં અઢી માસ દરમિયાન રૂા.300 કરોડ જેટલું નુકશાન સહન કરનાર રાજકોટ સહિત રાજયભરનાં ટ્રાવેલ્સ સંચાલકો જીએસટી, ટોલટેકસ અને આરટીઓ ટેક્ષ મળી દર મહિને સરકાર જે રૂા.1400 થી 1500 કરોડની રેવન્યુ આપે છે.
આમ છતાં સરકાર રાહત તો ન આપે પરંતુ પૂરી રીતે સાંભળે નહી તે અયોગ્ય છે. રૂા.300 કરોડનાં નુકશાનનો માર સહન કરનાર રાજયનાં ટ્રાવેલ્સ ઉદ્યોગને હવે વ્હેલી તકે સરકાર સાંભળે અને માંગણીઓ સ્વીકારે તે સમયની માંગ હોવાનું રાજકોટ ટ્રાવેલ્સ એસોસીએશનનાં હોદેદારોએ જણાવેલ હતું.

50 ટકા કેપેસીટીમાં ડિઝલનો ખર્ચ પણ નીકળે તેમ નથી!
મુસાફરોની ક્ષમતા વધારવા સિવાય છુટકો નથી!
હાલમાં ખાનગી બસમાં 50 ટકા મુસાફરોની કેપેસીટી સાથે બસો દોડાવવી કોઇપણ રીતે પોષાય તેમ નથી. ત્યારે સરકાર આ ક્ષમતામાં વધારો કરે તો જ ખાનગી બસો ચલાવવી પોષાય બાકી નહી તેવુ રાજકોટ ટ્રાવેલ્સ એસો.નાં હોદેદારોએ જણાવેલ હતું. હોદેદારોએ સ્પષ્ટ શબ્દોમાં જણાવેલ કે દૈનિક એક બસ દીઠ સરેરાશ રૂા.10 હજારનું ડિઝલ વપરાય છે અને 50 ટકાની ક્ષમતા સાથે જ હાલમાં બસો દોડાવાય તો ડિઝલનો ખર્ચો પણ નીકળે નહી. આથી હાલનાં સંજોગોમાં ખાનગી બસો માટે મુસાફરોની ક્ષમતા વધારવા સિવાય છુટકો નથી.

સાંજે ફરી રાજયનાં હોદેદારોની બેઠક
ટેક્ષ મુકિત સહિતની માંગણીઓને લઇ રાજયભરનાં ખાનગી બસ સંચાલકોએ લોકડાઉન-પ બાદ પણ હજુ ખાનગી બસો શરૂ કરી નથી અને આ અંગે રાજય સરકારને રજૂઆત પણ કરી છે. ત્યારે સરકારે આજ સુધી ટ્રાવેલ્સ સંચાલકો માટે કોઇ રાહતરૂપ નિર્ણય કર્યો નથી. આથી બસો હવે ચાલુ કરવી કે કેમ અને લડતની રણનીતિ અંગે આજે સાંજે રાજયભરનાં હોદેદારોની બેઠક યોજી હોવાનું અખીલ ગુજરાત પ્રવાસી વાહન સંચાલક મહામંડળનાં પ્રમુખ મેઘજીભાઇ ખેતાણીએ જણાવેલ હતું.


Related News

Loading...
Advertisement