જગતમંદિર સહિત દ્વારકાના ત્રણ પ્રાચીન મંદિરો ખુલશે : સોશ્યલ ડિસ્ટન્સ સાથે પ્રવેશ

03 June 2020 02:23 PM
Veraval
  • જગતમંદિર સહિત દ્વારકાના ત્રણ પ્રાચીન મંદિરો ખુલશે : સોશ્યલ ડિસ્ટન્સ સાથે પ્રવેશ

મંદિરમાં પ્રવેશ પહેલા ટેમ્પરેચર ગનથી તપાસ : માસ્ક-સેનિટાઇઝર ફરજીયાત

જામખંભાળીયા, તા. 3
ભારતના કોરોના વાયરસની મહામારીના કારણે છેલ્લા પોણા ત્રણેક માસ થયા દેવભૂમિ દ્વારકા જિલ્લામાં પણ કડક રીતે લોક ડાઉન અમલી છે. ત્યારે દ્વારકાના સુપ્રસિદ્ધ તથા પ્રાચીન મંદિરો પણ દર્શનાર્થીઓ અને ભક્તો માટે બંધ રાખવામાં આવ્યા છે. આ મંદિરો હવે આગામી સપ્તાહમાં ખૂલે તે માટેની મંજૂરી જિલ્લા કલેકટર દ્વારા આપવામાં આવનાર છે.
દેવભૂમિ દ્વારકા જિલ્લામાં અનલોક - વન હેઠળ લોક ડાઉન-5 સાથેનું નવું જાહેરનામું તા. 1 જૂનથી અમલમાં મુકવામાં આવ્યું છે. જેમાં વિવિધ પ્રકારની છૂટછાટ પણ આપવામાં આવી છે. આ સાથે દેવભૂમિ પંથકના ભક્તો માટે રાહતરૂપ અને સ્થાનિક પ્રાચીન અને પ્રખ્યાત મંદિરોને ખુલવાની પરવાનગી આપવામાં આવનાર હોવાનું જાણવા મળેલ છે. જાણવા મળતી વિગત મુજબ આગામી તારીખ 8 મી જૂનથી દ્વારકા જિલ્લાના પ્રાચીન એવા સુપ્રસિદ્ધ દ્વારકાધીશ મંદિર, હર્ષદ ખાતેના હરસિધ્ધિ માતાજી મંદિર ઉપરાંત નાગેશ્વર મહાદેવ મંદિરને વિવિધ નિયમોને આધીન ખુલ્લા મૂકવાનું આયોજન હાથ ધરવામાં આવ્યું છે.
આ અંતર્ગત જિલ્લા કલેકટર ડો. નરેન્દ્રકુમાર મીના દ્વારા સ્થાનિક દ્વારકાધીશ મંદિરના વહીવટદાર તથા પ્રાંત અધિકારી વિગેરે સાથે ચર્ચા વિચારણા બાદ આ મંદિરોને ભક્તો માટે ખોલવા માટેની પરવાનગી આપવામાં આવશે. આ માટે અલગથી ચોક્કસ જાહેરનામું બહાર પાડી, જિલ્લા કલેકટર દ્વારા સોશિયલ ડિસ્ટન્સ, સેનીટાઈઝર, માસ્ક, વિગેરેના નિયમને આધિન મંદિરમાં પ્રવેશ આપવામાં આવશે. આટલું જ નહીં દ્વારકાના ગોમતીઘાટ, સુદામા સેતુ, વિગેરે જેવા વિસ્તારોમાં દર્શનાર્થીઓ - ભક્તોની ભીડ થાય છે તેવા સ્થળોએ ખાસ વ્યવસ્થા પણ હાથ ધરવામાં આવશે.
આટલું જ નહીં, દ્વારકા નજીકના સુપ્રસિદ્ધ નાગેશ્વર મંદિર, હર્ષદ ખાતે આવેલા હરસિધ્ધિ માતાજી મંદિરને પણ લોકો માટે ખોલવા માટેની મંજૂરી આપવામાં આવનાર હોવાનું જાણવા મળેલ છે. આ સાથે ખંભાળિયાના પણ બંધ રહેલા વિવિધ પ્રાચીન મંદિરોના દ્વાર હવે તમામ ભક્તો માટે ખુલશે તેવા નિર્દેશો જોવા મળે છે. જો કે આ અંગેનું વિધિવત રીતે જાહેરનામું જિલ્લા કલેકટર દ્વારા આગામી દિવસોમાં પ્રસિદ્ધ કરવામાં આવશે તેમ જિલ્લા કલેકટર ડો. મીના દ્વારા જણાવાયું છે.દ્વારકાધીશ મંદિરના ફોટા સાથે મેટર મૂકવા વિનંતી.


Loading...
Advertisement