નિસર્ગ: 79 હજાર લોકોનું સ્થળાંતર, વડોદરામાં વિજળી પડતા 1નું મોત, 1 ઘાયલ

03 June 2020 01:01 PM
Vadodara Rajkot Saurashtra
  • નિસર્ગ: 79 હજાર લોકોનું સ્થળાંતર, વડોદરામાં વિજળી પડતા 1નું મોત, 1 ઘાયલ

અમરેલીમાં ભારે વરસાદને પગલે નદી-નાળા ઓવરફલો વીજપડી ગામ ફેરવાયું મીની તળાવમાં: વીજળી પડતા 16 બકરીઓના મોત

રાજકોટ તા.3
નિસર્ગ વાવાઝોડાને પગલે દક્ષિણ ગુજરાતના દરીયાકાંઠા વિસ્તારમાં રહેતા 79,000 લોકોને તાકીદે સુરક્ષીત સ્થળોએ ખસેડવામાં આવ્યા છે.એનડીઆરએફની ટીમને પણ તૈનાત કરી દેવામાં આવી છે. અમરેલીમાં ભારે વરસાદને કારણે સાવરકુંડલા અને આસપાસનાં ગામોમાં પણ ભારે વરસાદને પગલે નદી-નાળા ઓવરફલો થયા હતા. જયારે વીજપડી ગામ મીની તળાવમાં ફેલવાયું હતું. તો વીજળી પડતાં 16 બકરીઓનાં મોત નીપજયા હતા તો વડોદરાનાં સાવલી તાલુકામાં વીજળી પડતા 1 વ્યકિતનું મોત થયુ હતું જયારે એક 1 ઘાયલ થયાનું સામે આવ્યુ છે.

રીલીફ કમી.તરીકે હર્ષદ પટેલનાં જણાવ્યા મુજબ 78,891 કરતા પણ વધારે લોકોને સુરક્ષીત સ્થળે ખસેડવામાં આવ્યા હતા. જે વિસ્તારોમાં વાવાઝોડાની અસર થવાની શકયતા છે ત્યાં એનડીઆરએફની ટીમ અને એસડીઆરએફની 13 ટીમ તૈનાત કરવામાં આવી છે.હજુ પણ એનડીઆરએફની 5 ટીમ તૈનાત કરવામાં આવશે.વલસાડ, સુરત અને નવસારીનાં દરીયાકાંઠે વસતા અને કેન્દ્ર શાસીત પ્રદેશ દમણથી 15 હજાર, ભરૂચમાં 1,415 કરતા વધારે, ભાવનગરમાં 34 ગામોમાંથી 2,134 લોકો જયારે અમરેલી જીલ્લાના 9 ગામોમાંથી 1800 લોકોને સુરક્ષીત સ્થળે ખસેડવામાં આવ્યા હતા. આ તમામ માટે પ્રાથમીક શાળા અને કોમ્યુનીટી હોલમાં રહેવા સહીતની વ્યવસ્થા કરવામાં આવી હતી.

અમરેલી જીલ્લાના સાવરકુંડલા અને આસપાસનાં ગામોમાં ગઈકાલે આવેલા ભારે વરસાદના કારણે નદી, નાળા, ઓવરફલો થઈ ગયા હતા. જયારે વીજપડી ગામમાં વીજળી પડતાં 16 બકરીઓના મોત નીપજયા હતા.દમણનાં કલેકટર રાકેશ મિનહારાનાં જણાવ્યા પ્રમાણે નીસર્ગ વાવાઝોડાની અસરના રૂપે દરીયામાં 12 ફૂટ ઉંચા મોજા ઉછળી રહ્યા છે. કોઈપણ પ્રકારની દુઘર્ટના ખાળવા માટે અમે પુરી રીત સજજ છીએ.દમણ અને સિલવાસાનાં તમામ ઉદ્યોગોને તેમની કામગીરી હાલ પુરતી બંધ રાખવાની સૂચના આપવામાં આવી છે.

દ.ગુજરાતનાં અનેક ભાગોમાં નિસર્ગ વાવાઝોડુ ત્રાટકી શકે છે. જેની અસર મધ્ય ગુજરાતનાં જિલ્લાઓમાં પણ જોવા મળે તેવી શકયતા છે, ગઈકાલે જ વડોદરામાં 46 કી.મી.પ્રતિ કલાકની ઝડપે ભારે પવન ફુંકાય છે. જયારે જુદા જુદા વિસ્તારમાં 7 વૃક્ષો અને અનેક હોર્ડીંગ પણ ધરાશાયી થયા હતા. વડોદરાનાં સાવલી તાલુકામાં 1 મી.મી. વરસાદ નોંધાયો હતો.જયારે વીજળી પડવાથી અંદારસિંહ પરમાર નામનાં યુવકનું મોત થયુ હતું અને કીરીટ પરમાર નામનો એક યુવક ઈજાગ્રસ્ત થયો હતો.

જિલ્લા કલેકટર શાલીની અગ્રવાલે નેશનલ ડીઝાસ્ટર રીસ્પોન્સ અને હોર્સઆમીનાં સીનીયર અધિકારીઓ સાથે મીટીંગનું આયોજન કર્યું હતું. કોવીડ-19 ની સાથે ચોમાસાની અણધારી પરિસ્થિતિમાં આઈસોલેશનમાં રાખવામાં આવેલા દર્દીઓ અને કવોરન્ટાઈન સેન્ટરમાં રાખવામાં આવેલા લોકોને રેસ્કયુ કરવા માટે ટીમની નિમણુંક કરવાની વિચારણા કરી હતી.


Related News

Loading...
Advertisement