માસૂમોનો મસીહા : ઑનસ્ક્રીન વિલન, ઑફ-સ્ક્રીન સુપરહીરો!

03 June 2020 12:41 PM
Entertainment India
  • માસૂમોનો મસીહા : ઑનસ્ક્રીન વિલન, ઑફ-સ્ક્રીન સુપરહીરો!
  • માસૂમોનો મસીહા : ઑનસ્ક્રીન વિલન, ઑફ-સ્ક્રીન સુપરહીરો!
  • માસૂમોનો મસીહા : ઑનસ્ક્રીન વિલન, ઑફ-સ્ક્રીન સુપરહીરો!

લોકડાઉન આજે ઑલમોસ્ટ સમેટી લેવામાં આવ્યું છે, ત્યારે પાછલા બે મહિનાના લેખાં-જોખાં કરતા જોઈએ ત્યારે ગરીબ-મજૂર-શ્રમિકના તારણહાર બનીને આવનારા સોનુ સૂદને અચૂક યાદ કરવો પડે! મુંબઈથી કર્ણાટક ચાલીને જતાં શ્રમિકોની વેદના ન જોઈ શકનાર ઑનલાઇન વિલન આજે લાખો લોકો માટે આશાનું કિરણ પૂરવાર થયો. 11 મે, 2020થી આજ દિન સુધી તે રાત-દિવસ એક કરીને ગરીબોને પોતપોતાના ગામ પાછા મોકલી રહ્યો છે. પ્રતિદિન 45,000 થી વધુ ફૂડ-પેકેટસ અને સેંકડો બસની વ્યવસ્થા કરવા માટે દિવસના 16-18 કલાક જેટલું કામ કરે છે.

*કોલેજનું ભણતર પૂરું કર્યા પછી સોનુએ મુંબઈ આવીને અભિનય ક્ષેત્રે ઝંપલાવવાનો નિર્ણય કર્યો. માતા-પિતા પાસેથી એકાદ-દોઢ વર્ષ સુધી ફિલ્મ-ઇન્ડસ્ટ્રીમાં સંઘર્ષ કરવા માટે રજા માંગી. પહેલેથી જ નક્કી હતું કે દોઢેક વર્ષની અંદર કંઈ ન થયું તો સોનુએ ફરી પોતાના ગામ આવીને પિતાના વ્યવસાયમાં જોડાઈ જવું પડશે! મુંબઈ આવીને પ્રોડક્શન હાઉસના ધક્કા ખાધા બાદ સોનુ સૂદને ક્યાંય કામ ન મળ્યું. છેવટે સાઉથની ફિલ્મોના એક ડિરેકટરે તેને તમિલ ફિલ્મોમાં કામ કરવાની ઑફર આપી. પુષ્કળ સાઉથ ઇન્ડિયન ફિલ્મોમાં કામ કર્યા પછી તેને બોલિવૂડમાં ભગતસિંહનો પહેલો કિરદાર મળ્યો! પરપ્રાંતીય હોવાની વ્યથા એ વ્યક્તિએ 90ના દશકમાં અનુભવી છે.

*‘મારી મા હંમેશા કહેતી કે તમે સફળ ત્યારે જ કહેવાઓ છો, જ્યારે જરૂરિયાતમંદો માટે મદદરૂપ સાબિત થઈ શકો. મારા માતા-પિતાના આશીર્વાદથી આજે હું સફળ છું, ત્યારે મારાથી સંભવ એટલા તમામ પ્રયત્નો થકી હું બીજાને સહાય કરવા માંગુ છું. કોવિડ-19ના સમયમાં દરેક વ્યક્તિ પોતપોતાના ઘરે થોડુંક વધારે ભોજન રાંધીને આજુબાજુમાં વસવાટ ધરાવતાં ગરીબોને ખવડાવવાનો આગ્રહ રાખશે તો લોકડાઉન અને વાયરસ સામેની લડાઈ વધુ આસાન બની જશે!’ - સોનુ સૂદ (અભિનેતા, રિયલ-લાઇફ હીરો)

*સોનુ સૂદે પોતાના એક ઇન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે, એક બસની વ્યવસ્થા કરવા માટે અંદાજે દોઢેક લાખ રૂપિયાની જરૂરિયાત પડે છે. શ્રમિકોને રસ્તામાં ભોજન અને પાણી મળી રહે એ પ્રકારની વ્યવસ્થા સાથે બસમાં બેસાડવામાં આવે છે. અરવિંદ પાંડે નામના ટવીટર યુઝરે 1997ની સાલનો એક ફોટો અપલોડ કર્યો હતો, જેમાં સોનુ સૂદે એ સમયમાં કઢાવેલો બોરિવલીથી ચર્ચગેટ સુધીનો 450 રૂપિયાનો રેલ્વે-પાસ નજરે ચડે છે! આ ટવીટના જવાબમાં સોનુએ લખ્યું કે, ‘જિંદગી એક પૂર્ણ ચક્ર છે.’ એનો આ પ્રત્યુત્તર સૂચવે છે કે, માણસ પોતે ભૂતકાળમાં વેઠી ચૂકેલી વેદના ક્યારેય ભૂલતો નથી.

આલેખન-પરખ ભટ્ટ : પાછલા કેટલાક અઠવાડિયાથી આપણું સોશિયલ મીડિયા સોનુ સૂદના ફોટોથી ભરાઈ ગયું છે. ટ્વિટર, ફેસબૂક, વોટ્સએપ, ઇન્સ્ટાગ્રામ પર જ્યાં જુઓ ત્યાં યુઝર્સ સોનુ સૂદના ભરપેટ વખાણ કરી રહ્યા છે. જે કામ કદાચ આપણે ચૂંટેલા નેતાઓને કરવું જોઈતું હતું એ અત્યારે સોનુ કરી રહ્યો છે. મુંબઈ-મહારાષ્ટ્રના લાખો પરપ્રાંતીયોને તે બસ ભાડે કરી પોતપોતાના ઘરે મોકલી રહ્યો છે. હજારો લોકો પ્રતિદિન તેના ફૂડ-પેકેટ્સ જમીને જઠરાગ્નિ ઠારી રહ્યા છે.

આ વિશે વાત કરતાં સોનુ સૂદ જણાવે છે કે, મુંબઈથી પગપાળા ચાલીને જતાં શ્રમિકોના દ્રશ્યો જોઈને મારું હ્રદય એ હદ્દે દ્રવી ઉઠ્યું હતું કે હું ઘણી રાતો સુધી ઊંઘ નહોતો લઈ શક્યો. પરપ્રાંતીય હોવું કોને કહેવાય એની સોનુ સૂદને સારી રીતે ખબર છે. પંજાબના મોગામાં જન્મેલો સોનુ કોલેજ પૂરી કર્યા બાદ એક્ટર બનવા માટે જ્યારે મુંબઈ આવ્યો ત્યારે તે પણ આખરે તો એક પરપ્રાંતીય જ હતો! દોઢ વર્ષ સુધી તેણે મુંબઈના મોટા મોટા પ્રોડકશન હાઉસના ધક્કા ખાઈને સ્ટ્રગલ કરી હતી.

એટલે જ કદાચ તેને શ્રમિકોની વેદનાનો ખ્યાલ હતો. 24મી માર્ચે કેટકેટલા લોકો સાવ નોંધારા થઈ ગયા હતાં! નોકરી, રહેઠાણ, છત, પૈસાનો અભાવ અને અમુક પાસે તો ખાદ્યપદાર્થો પણ ખૂટી જવાને કારણે ઉપર આભ તથા નીચે ધરતી જેવો ઘાટ સર્જાયો હતો. એમાં પણ મુંબઈ જેવા મોંઘા શહેરમાં વસવાટ ધરાવનારા શ્રમિકનો તો કેવો હાલ થયો હશે એની તો કલ્પના કરવી પણ મુશ્કેલ છે. કેટલાક મજૂરો તો સહપરિવાર 1000 કિલોમીટર ચાલીને પણ પોતાના વતન જવા રવાના થઈ ચૂક્યા હતા. 100 જેટલા મજૂરોએ વતનવાપસીના રસ્તે પોતાના પ્રાણ ત્યાગી દીધા હતાં. બે મહિનાથી સોનુ સૂદ પોતાની બાળપણની મિત્ર નિતિ ગોયેલ સાથે મળીને ગરીબોની સહાય કરી રહ્યો હતો. શરૂઆતમાં તેઓ પ્રતિદિન 500 ફૂડ-પેકેટ્સનું વિતરણ કરી શકતાં હતાં, ત્યારબાદ એમને ધીરે ધીરે જુદી જુદી સંસ્થાઓનો સહયોગ પ્રાપ્ત થતો ગયો અને આજે તેઓ પ્રતિદિન 45,000થી વધારે ફૂડ-પેકેટ્સનું વિતરણ કરીને ભૂખ્યાને ભોજન જમાડે છે.

સોનુ સૂદની ટીમે 11મી મેના રોજથી મજૂરો માટે બસ ભાડે કરી એમને ઘરે મોકલવાનું શરૂ કર્યુ, એની પાછળ પણ એક હ્રદયદ્રાવક કહાણી છે. તેઓ 9મી મેના દિવસે મુંબઈના કેટલાક વિસ્તારોમાં ફૂડ-પેકેટ્સ વહેંચી રહ્યા હતાં ત્યારે પગપાળા વતન જતાં મજૂરો પર ધ્યાન પડ્યું. સોનુએ એમને આવી રીતે ચાલતાં જવાનું કારણ પૂછયું. શ્રમિકો કામ અને પૈસાના અભાવે વતન પરત ફરી રહ્યા હતાં. કર્ણાટક સુધીનું 550 કિલોમીટરનું અંતર તેઓ કેવી રીતે કાપશે એ પ્રશ્ન સોનુ સૂદને સતાવી રહ્યો હતો. એણે મજૂરોને બે દિવસ રાહ જોવાનું કહ્યું અને સાથોસાથ વચન પણ આપ્યું કે 11મી તારીખે એમને પોતાના વતન જવા માટે બસની વ્યવસ્થા કરી આપવામાં આવશે. મજૂરો માની ગયા અને સોનુએ તાત્કાલિક લોકલ ગવર્નમેન્ટ અને મહારાષ્ટ્ર તથા કર્ણાટક રાજ્યોની સરકાર સાથે અંગત રીતે પરામર્શ કરીને 11મી તારીખ માટે બસની વ્યવસ્થા કરી, જેમણે 200 મજૂરોને સુખરૂપ પોતપોતાના વતન પાછા મોકલ્યા. એ દિવસે તે પોતે મજૂરોને અલવિદા કહેવા માટે બસ-ડેપો સુધી પહોંચ્યો હતો. ત્યારથી શરૂ કરીને આજ સુધીમાં તે સેંકડો બસમાં હજારો શ્રમિકોને પોતાના ઘરે મોકલી ચૂક્યો છે.

આ પ્રસંગ વિશે જણાવતાં સોનુ કહે છે કે, શ્રમિકોની આંખમાં પોતાના સ્વજન પાસે પરત ફરવાના હર્ષાશ્રુ જોઈને હ્રદય ભરાઈ આવે છે. તેમના ચહેરા પર જોવા મળતું સ્મિત મને સંતોષ અપાવે છે. દરરોજ મને હજારો મેઇલ્સ અને મેસેજ મળે છે, જેમાં લોકો ઘરે પહોંચવા માટે આજીજી કરતા હોય છે. એમને એમના વતન પહોંચાડીને મને અનેરી ખુશી મળે છે.

તાજેતરમાં સોનુ સૂદે ફ્લાઇટના માધ્યમથી પણ લોકોને ઘરે પહોંચાડવાની વ્યવસ્થા કરી આપી હતી. ઘણા લોકો કહે છે કે, જે કામ સરકારે કરવું જોઈતું હતું એ સોનુ એકલા હાથે કરી રહ્યો છે અને એ પણ કોઈ જાતના સ્વાર્થ વગર! સાચું પૂછો તો ભારત આવા જ કેટલાક હૂંફાળા હ્રદય ધરાવતાં માણસોથી ટકી શક્યો છે, જે મુશ્કેલીના સમયમાં પોતાના પરિવારથી પહેલાં જરૂરિયાતમંદોની પુકાર સાંભળે છે.
bhattparakh@yahoo.com


Related News

Loading...
Advertisement