લોકડાઉનમાં લોકોએ હાથ ઉપર રોકડ રાખવાનું કર્યું પસંદ

03 June 2020 12:12 PM
India
  • લોકડાઉનમાં લોકોએ હાથ ઉપર રોકડ રાખવાનું કર્યું પસંદ

મુંબઈ: એપ્રિલ મહિનામાં દેશમાં બેન્ક થકી ઉદ્યોગોને મળતુ ધિરાણ 1.7 ટકા ઘટયુ હતુ અને સર્વિસ સેકટરમાં તેમા 11.2 ટકાનો ઘટાડો જોવા મળે છે. માર્ચની તા.25 થી દેશભરમાં માત્ર આવશ્યક ચીજોના વેચાણ સિવાય દરેક આર્થિક પ્રવૃતિ બંધ થઈ ગઈ હોય ત્યારે ધિરાણ ઘટે એ સ્વાભાવિક છે. જો કે વધારે ધ્યાન ખેંચે એવી બાબત એ છે કે લોકો હાથ ઉપર રોકડ રાખી રહ્યા છે અથવા તો કરકસર કરી રહ્યા છે જેથી આવનારા આકસ્મિક સમયમાં તેનો ઉપયોગ થઈ શકે.

ભૂતકાળના રીઝર્વ બેન્કના આંકડા દર્શાવે છે કે બેન્કએ માર્ચના છેલ્લા પખવાડીયામા કરેલુ ધિરાણ એપ્રિલના પ્રથમ પખવાડીયામાં પરત આવી જાય છે. તા.20 માર્ચના પૂર્ણ થતા પખવાડીયામાં બેન્કોએ વધારાનુ 2.65 લાખ કરોડ રૂપિયાનુ ધિરાણ કર્યું હતુ. આની સામે તા.8 મે સુધીમાં માત્ર 1.18 લાખ કરોડ રૂપિયાનુ બાકી આગળ ધિરાણ ઘટયુ હતુ. નાણાકીય વર્ષ 2018-19માં આ સમયમાં પરત આવેલી રકમ 1.46 કરોડ રૂપિયા હતી અને વર્ષ 2015-16માં 2.75 લાખ કરોડ રૂપિયા જેટલી ઉંચી હતી.

આ દર્શાવે છે કે પરત આવી રહેલી રકમનુ પ્રમાણ ઓછુ છે એટલે ધિરાણ મેળવનાર તેને જે ક્રેડીટ લીમીટ મળી છે તેનો લોકડાઉનમાં પૂર્ણ ઉપયોગ કરી રહ્યો છે. એવુ પણ બની શકે કે તેનો ઉપયોગ ખરીદીમાં થયો હોય, ઉદ્યોગોએ પગાર કરવામાં કે બાકી દેવુ ચૂકવવામા કર્યો હોય. અર્થતંત્ર માટે આ નિશાની સારી છે.

એવી જ રીતે હાથ ઉપર રોકડ પણ વધી રહી છે. તા.31મી માર્ચની સામે તા.8 મેના રોજ લોકોના હાથમાં ચલણ 5.3 ટકા વધી 1,24,316 કરોડ રૂપિયા હતુ. જે આગલા વર્ષે આ જ દિવસે 65,551 કરોડ રૂપિયા જોવા મળ્યુ હતુ. જો કે હાથ ઉપર રોકડ હોવાથી જ ખરીદી વધી છે કે વપરાશ વધ્યો હોય એવુ તારણ કાઢી શકાય નહીં, કારણ કે લોકડાઉનના સમયમાં માત્ર આવશ્યક ચીજો - અનાજ, ખાદ્યતેલ, દૂધ, ફળ, શાકભાજી, દવાઓ જ બજારમાં વેચવી શકય હતી. અન્ય દરેક ચીજોની દુકાનો ફરજીયાત બંધ હોવાથી ગ્રાહકોએ ખરીદી કરી હોય તેવી શકયતા ઘણી ઓછી છે.


Related News

Loading...
Advertisement