મોરબી પાલિકા પાસેથી બે કરોડ વસુલવા કોર્ટમાં ઢસડી જવા તૈયારી

03 June 2020 11:32 AM
Morbi
  • મોરબી પાલિકા પાસેથી બે કરોડ વસુલવા કોર્ટમાં ઢસડી જવા તૈયારી

વર્ષો પહેલા કચરાની હેરફેરનો કોન્ટ્રાકટ રાખનાર પાર્ટીની ફાઇલ જ ગુમ : અધિકારી જવાબ દેતા નથી : તંત્રની આબરૂનો ‘કચરો’ થવાની ચિંતા

(જીજ્ઞેશ ભટ્ટ)
મોરબી તા.3
મોરબી શહેરને સ્વચ્છ બનાવવા માટે વર્ષો પહેલા પાલિકા દ્વારા સુરતની પાર્ટીને ડોર ટુ ડોર કચરા કલેક્શન અને જાહેરમાંથી કચરા ઉપાડવા માટે કોન્ટ્રકટ આપી દેવામાં આવ્યો હતો પરંતુ જે તે સમયે એક જ ઝાટકે તેનું કામ બંધ કરી દેવામાં આવ્યું અને બીજી પાર્ટીને કામ આપી દેવામાં આવ્યું હતું. આથી તે સમયે કરેલા કામનું 1.99 કરોડ રૂપિયાનું કોન્ટ્રકટરનું બીલ કોન્ટ્રકટરે લેવાનું થતું હતું તેને વસુલ કરવા માટે વારંવાર પાલિકાને તેમજ અધિકારીઓ અને પદાધિકારીઓને નોટીસો આપવામાં આવી છે તેમ છતાં હજુ સુધી બીલ ચુકવવાની હા છે કે નાં તે અંગેનો કોઈ જવાબ દેવામાં આવ્યો નથી અને તેનાથી પણ મોટી વાત તો એ છે કે ડોર ટુ ડોર કચરા કલેક્શનની કામગીરી કરનારા કોન્ટ્રકટરે પાલિકામાં રજુ કરેલ બીલ કોની પાસે છે તે જ પાલિકામાં કોઈને ખબર નથી ત્યારે પાલિકાના ભૂતપૂર્વ અને વર્તમાન અધિકારીની બેદરકારીના લીધે આગામી દિવસોમાં તમામને કોર્ટનું તેડું આવશે તે નક્કી જ છે. જવાબદાર અધિકારીની બેદરકારી પાલિકાને બે કરોડનું નુકશાન કરાવશે તેવા સંકેતો મળી રહ્યા છે.

મોરબી પાલિકા દ્વારા શહેરને સ્વચ્છ રાખવા પાલિકાના બજેટમાં ખાસ જોગવાઈ કરવામાં આવે છે જો કે, શહેરના છેવાડાના વિસ્તાર તો ઠીક પોસ વિસ્તારોમાં પણ કચરાના ઢગલા જોવા મળે જ છે તે હક્કિત છે ત્યારે વર્ષો પહેલા પાલિકાએ શહેરમાં જાહેરમાં થતા કચરાના ઢગલા ઉપાડવા માટે તેમજ ડોર ટુ ડોર કચરો ઉપાડવા માટે શાંતિ કોર્પોરેશન નામના કોન્ટ્રકટરને કોન્ટ્રકટર આપ્યો હતો જો કે, આ કોન્ટ્રકટરનું જે તે સમયે પાલિકા દ્વારા બીલ ચુકવવામાં આવ્યું ન હતું જેથી કોન્ટ્રકટરે કચરાના ઢગલા ઉપાડવાની તેમજ ડોર ટુ ડોર કચરા કલેક્શનની કામગીરી બંધ કરી દીધી હતી ત્યારે બીલ ચુકવવાની કામગીરી કરવાના બદલે તેનો કોન્ટ્રકટર રદ કરીને બીજી પાર્ટીને કચરા કલેકશનનું કામ આપી દેવામાં આવ્યું હતું. શાંતિ કોર્પોરેશનનું 1,99,72,153 રૂપિયાનું બીલ આજની તારીખે પણ ચૂકવવાનું બાકી છે જેથી આ રકમ વસુલ કરવા માટે શાંતિ કોર્પોરેશન અધિકારી અને પદાધિકારીઓને હવે કોર્ટમાં ઢસડી જાય તેવી શક્યતા છે.

સુત્રો પાસેથી મળી રહેલી માહિતી મુજબ કોન્ટ્રકટરની કામગીરી ચાલુ હતી ત્યારે તેની સાથે શું વાંકું પડ્યું તે તો હજુ સુધી બાહર આવ્યું નથી જો કે, કામગીરી શંકાસ્પદ છે માટે તેનું કામ બંધ કરાવી દીધું છે તેવું કહેવામાં આવી રહ્યું હતું પણ શાંતિ કોર્પોરેશન નામના કોન્ટ્રકટર દ્વારા પાલિકામાંથી લેવાની થતી બીલની રકમ વસુલ કરવા માટે બીલ તો રજુ કરી દેવામાં આવ્યું છે હવે તે બીલ કોના કબજામાં છે તે કોઈને ખબર નથી અને કોન્ટ્રકટર દ્વારા નગરપાલિકા, ચીફ ઓફિસર, પ્રમુખ, ઉપપ્રમુખ અને કારોબારી સમિતિના ચેરમેનને નોટીસ ફટકારવામાં આવી છે જેનો પણ પાલિકા દ્વારા આપવામાં આવ્યો નથી જેથી પાલિકામાંથી બાકી બીલની રકમને વસુલ કરવા માટે હવે કોર્ટના દ્વાર કોન્ટ્રકટર ખટખટાવે તેવી પુરેપુરી શક્યતા છે.

અત્રે ઉલેખનીય છે કે, પાલિકા દ્વારા શાંતિ કોર્પોરેશનને જે કામગીરી આપવામાં આવી હતી તેના માટે ટેન્ડર કયારે ઈશ્યુ કરવામાં આવ્યું હતું ?, કેટલી પાર્ટી આવી હતી ?, ટેન્ડરની શરતો શું હતી?, એક પાર્ટીનું કામ અધવચ્ચે બંધ કરીને પાલિકા બીજી પાર્ટીને કામ આપી શકે ?, બીલની કોપી કોની પાસે છે?, શા માટે બીલ ચુકવવામાં આવ્યું નથી ?, કેમ પાલિકાના અધિકારી દ્વારા કોન્ટ્રકટરની નોટીસનો અત્યાર સુધીમાં એક પણ વખત જવાબદ આપવામાં આવ્યો નથી તેવા અનેક સવાલો હાલમાં પાલીકાના ભૂતપૂર્વ અને વર્તમાન અધિકારીની સામે ઉભા થઇ રહ્યા છે.

પાલિકામાં એવો પણ ગણગણાટ થઇ રહ્યો છે કે કોન્ટ્રકટરની સાથે જે તે અધિકારીએ સાંઠગાંઠ કરી લીધી હોય તેવું લાગે છે કેમ કે કોન્ટ્રકટરને બીલ ન ચૂકવી તેમજ એકપણ નોટીસનો જવાબ ન આપીને ઘોર બેદરકારી રાખવામાં આવી છે જે કોર્ટ મેટર થશે ત્યારે કોન્ટ્રકટરને ચોક્કસ ફાયદો કરાવશે તેમાં શંકાને કોઈ સ્થાન નથી એટલે અધિકારીઓની અત્યાર સુધીની બેદરકારી પાલિકાને બે કરોડનું નુકશાન કરવાશે તે નિશ્ચિત જ છે.


Loading...
Advertisement