કચ્છનો દરીયાકાંઠો બન્યો ડ્રગ્સ લેન્ડીંગ પોઇન્ટ : ચરસના વધુ 13 પેકેટ ઝડપાયા

03 June 2020 11:00 AM
kutch Gujarat Saurashtra
  • કચ્છનો દરીયાકાંઠો બન્યો ડ્રગ્સ લેન્ડીંગ પોઇન્ટ : ચરસના વધુ 13 પેકેટ ઝડપાયા

બાર દિવસથી ચાલતું સર્ચ ઓપરેશન : એકાદ કરોડનો જથ્થો કબ્જે

ભૂજ તા.3
સરહદી કચ્છના સુરક્ષાની દ્રષ્ટિએ અતિ સંવેદનશીલ પશ્ચિમી સાગરકાંઠેથી વધુ એકવાર સરહદી સલામતી દળે 20 લાખ રૂપિયાની કિંમતના ચરસના 13 પેકેટ જેટલા પડીકાઓ કબ્જે કર્યાં છે.

અગાઉ ઝડપાયા જેમ જ ચરસના આ પેકેટ દરીયામાંથી કાંઠા નજીક તણાઈ આવેલાં છે. સીમા સુરક્ષા દળે કોટેશ્વર કોરી ક્રીક નજીકથી બીનવારસી હાલતમાં આ પેકેટ કબ્જે કર્યાં છે. જિલ્લા પોલીસ વડા સૌરભ તોલંબિયાએ બીએસએફએ વધુ 13 પેકેટ કબ્જે કર્યાં હોવાને સમર્થન આપ્યું છે.

તેમણે ઉમેર્યું હતું કે અગાઉ કચ્છ પોલીસે શેખરણ પીર પાસેથી 24 લાખની કિંમતના ચરસના જે 16 પેકેટ કબ્જે કર્યાં હતા તે જ જથ્થા પૈકીના છે. ગઈકાલે નેવી ઈન્ટેલિજન્સએ કોટેશ્વરના ક્રીક વિસ્તારમાંથી 28.50 લાખની કિંમતના 19 પેકેટ કબ્જે કર્યાં હતા.

પશ્ચિમ કચ્છ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ અને જખૌ મરીન પોલીસે ગત 20 મેનાં રોજ શેખરણપીર પાસેથી ચરસના 24 લાખની કિંમતના 16 પેકેટ કબ્જે કર્યાં બાદ હરકતમાં આવેલી અન્ય એજન્સીઓએ પણ પેટ્રોલીંગ-સર્વેલન્સ વધારી ચરસના વધુ 33 બીનવારસી પેકેટ કબ્જે કર્યાં છે. 22 મેનાં રોજ બીએસએફએ મોટા પીર પાસેથી 1 પેકેટ ઝડપ્યું હતું. તો, ગઈકાલે તટરક્ષક દળે 19 પેકેટ અને આજે બીએસએફએ વધુ 13 પેકેટ કબ્જે કર્યાં છે. અત્યારસુધી પકડાયેલાં 49 પેકેટની કિંમત 73.50 લાખ જેટલી થાય છે.

સુરક્ષા એજન્સીઓના અધિકારીઓના મતે ચરસની હેરાફેરી માટે ડ્રગ્સ માફિયાઓ રાજસ્થાન અને કાશ્મિરની બોર્ડરનો ઉપયોગ કરે છે. જો કે, છેલ્લાં થોડાંક વર્ષોથી ગુજરાતની જળસીમાનો ડ્રગ્સ લેન્ડિંગ માટે દુરુપયોગ વધ્યો હોવાના સંખ્યાબંધ દાખલા છે. એજન્સીઓએ જે પેકેટ પકડ્યાં છે તે બીનવારસી હાલતમાં મળી આવેલા છે.

ડ્રગ્સ માફિયાઓ બોટમાં લાદીને માલની ડિલિવરી કરવા જતા હોય અને સુરક્ષા એજન્સીઓના હાથે ઝડપાઈ જવાની બીકમાં તેમણે માલને મધદરીયે ફેંકી દીધા હોય તેવી સંભાવના છે. જો કે, આ માલ ખરેખર કયા દેશમાંથી ક્યાં પહોંચાડવાનો હતો, માદક દ્રવ્યો કેટલાં સમય જૂનાં છે તે એફએસએલના રીપોર્ટ બાદ જાણી શકાશે.


Related News

Loading...
Advertisement