સાબરમતી જેલમાંથી રાજકોટ લવાયેલા આરોપીને કોરોના: પીએસઆઈ સહિત ચાર કવોરન્ટાઈન

03 June 2020 10:58 AM
Rajkot Saurashtra
  • સાબરમતી જેલમાંથી રાજકોટ લવાયેલા આરોપીને કોરોના: પીએસઆઈ સહિત ચાર કવોરન્ટાઈન

દારૂના ગુન્હામાં ટ્રાન્સફર વોરંટના આધારે કબ્જો લઈ રાજકોટ લવાયા બાદ રીપોર્ટ કરાવાતા પોઝીટીવ આવ્યો: આરોપીને લેવા ગયેલા એસઓજીના પીએસઆઈ, બે કોન્સ્ટેબલ અને લોકઅપમાં મુકનાર કોન્સ્ટેબલને કવોરન્ટાઈન કરાયા: ક્રાઈમ બ્રાંચ પોલીસ સ્ટેશન સેનેટાઈઝ કરાયુ: રાજકોટમાં અગાઉ મહિલા બુટલેગરનો રીપોર્ટ પોઝીટીવ આવતા આઠ પોલીસમેનને કવોરન્ટાઈન કરાયા હતા.

રાજકોટ તા.3
દારૂના ગુન્હામાં અમદાવાદની સાબરમતિ જેલમાંથી ટ્રાન્સફર વોરંટના આધારે રાજકોટ લવાયેલા મૂળ ગુંદા ગામનાં કોળી યુવાનનો રીપોર્ટ પોઝીટીવ આવતા પોલીસ બેડામાં ચિંતાનું મોજુ ફરી વળ્યુ હતું. આરોપીનો રીપોર્ટ પોઝીટીવ આવ્યા બાદ એસઓજીના પીએસઆઈ અંસારી તથા ત્રણ કોન્સટેબલને કવોરન્ટાઈન કરી દેવામાં આવ્યા છે તેમજ આરોપીને રાતના લોકઅપમાં રાખવામાં આવ્યો હોય ક્રાઈમ બ્રાંચ પોલીસ સ્ટેશન પણ સેનેટાઈઝ કરવામાં આવ્યુ છે.

દારૂના ગુન્હામાં સંડોવાયેલા મૂળ ગોંડલનાં ગુંદા ગામનાં કોળી યુવાન ભાવેશ દેહાભાઈ ડાભી અમદાવાદની સાબરમતી જેલમાં બંદીવાન હોય રાજકોટ પેરલ ફર્લો સ્કવોડ અને એસઓજીના પીએસઆઈ અસલમ અંસારી તથા ટીમ ટ્રાન્સફર વોરંટના આધારે આ આરોપીનો કબ્જો લેવા અમદાવાદ પહોંચી હતી.

અમદાવાદથી આરોપીનો કબ્જો લઈ રાજકોટ લાવ્યા બાદ રાત્રીના તેને લોકઅપમાં રાખવામાં આવ્યો હતો.દરમ્યાન નિયમ મુજબ આરોપીને કોર્ટ સમક્ષ રજુ કરવાનો હોય તેનો કોરોના ટેસ્ટ કરાવવામાં આવ્યો હતો.જેનો રીપોર્ટ પોઝીટીવ આવતા પોલીસ બેડામાં ચિંતા વ્યાપી ગઈ હતી.

આરોપીને અમદાવાદ લેવા જનાર એસઓજીનાં પીએસઆઈ અસલમ અંસારી તેમજ કોન્સટેબલ કૃષ્ણસિંહ ઝાલા,પ્રદિપસિંહ ગોહીલ અને રાઈટર અનિલ ગોહીલને કવોરન્ટાઈન કરી દેવામાં આવ્યા છે તેમજ રાત્રીનાં આરોપીને લોકઅપમાં રાખવામાં આવ્યો હોય ક્રાઈમ બ્રાંચ પોલીસ સ્ટેશનને પણ સેનીટાઈઝ કરવામાં આવ્યું છે. જોકે સદનસીબે આરોપીને લોકઅપમાં રાખવામાં આવ્યો ત્યારે અન્ય કોઈ આરોપી લોકઅપમાં ન હોવાથી કોરોનાનું સંક્રમણ ફેલાતા અટકયુ છે.

રાજકોટમાં આજરોજ વધુ એક પોઝીટીવ કેસ સામે આવતાં શહેરમાં કોરોનાના કુલ પોઝીટીવ કેસની સંખ્યા વધીને 85 થઈ ચૂકી છે શહેરમાં આ પૂર્વે કીટીપરા વિસ્તારમાં પોલીસે મહિલા બુટલેગર હસુબેન રાઠોડને પકડી હતી. જેનો રીપોર્ટ પોઝીટીવ આવતા પ્ર.નગર પોલીસ મથકનાં પીએસઆઈ કે.ડી.પટેલ સહિત આઠ પોલીસ મેનને ફેસેલીટી કવોરન્ટાઈન કરાયા હતા.


Related News

Loading...
Advertisement