લોકડાઉનમાં છુટછાટ મળતા જ રાજકોટમાં 1862 મિલકતોનું વેચાણ

02 June 2020 03:53 PM
Rajkot
  • લોકડાઉનમાં છુટછાટ મળતા જ રાજકોટમાં 1862 મિલકતોનું વેચાણ

19મેથી શરૂ થયેલી દસ્તાવેજ નોંધણીની કામગીરીમાં દસ દિવસમાં ધડાધડ મિલકત વેચાણ : રાજકોટ શહેર અને જિલ્લામાં 12.81 કરોડના સ્ટેમ્પોનું વેચાણ : 71.42 લાખની સ્ટેમ્પ ડયુટીની આવક

રાજકોટ તા.2
રાજકોટ શહેરની આઠ દસ્તાવેજ નોંધણી કચેરી સહિત જિલ્લાની 18 સબરજીસ્ટ્રાર કચેરીમાં માત્ર દસ દિવસમાં જ 1862 મિલકતોના વેચાણ દસ્તાવેજો નોંધાયા હોવાની પ્રાથમિક વિગતો નોંધણીસર નિરીક્ષણ સવાણીએ આપી હતી. લોકડાઉન-4 દરમ્યાન રાજય સરકારે ચોક્કસ શરતોને આધિન માત્ર ઓનલાઇન દસ્તાવેજ નોંધણી કચેરીઓ ચાલુ કરવાની મંજૂરી આપતા ધડાધડ દસ્તાવેજો થયા છે. દર મહિનાની માફક આ વખતે પણ મોરબી રોડ, જંકશન, રેલનગર, સામાકાંઠાને આવરી લેતા ઝોનલ-2 કચેરીમાં સૌથી વધુ દસ્તાવેજોની નોંધણી થઇ છે.
રાજકોટ શહેર-જિલ્લામાં લોકડાઉન દરમ્યાન 54 દિવસ સુધી દસ્તાવેજ નોંધણી કચેરીઓ બંધ કરવામાં આવી હતી. રાજય સરકારે લોકડાઉન-4 દરમયાન ચોક્કસ શરતોને આધિન દસ્તાવેજ નોંધણી કચેરીઓ શરૂ કરવા સૂચના કરતા ગત 19મેના રોજથી રાજકોટ શહેરની આઠ સબ રજીસ્ટ્રાર કચેરીઓ માત્ર ઓનલાઇન સિસ્ટમથી દસ્તાવેજ નોંધવા શરૂ કરવામાં આવી હતી.
રાજકોટ શહેરની આઠ દસ્તાવેજ નોંધણી કચેરીઓમાં 19/5થી કામગીરી શરૂ થઇ હતી. શહેરની આઠ કચેરી ઉપરાંત જિલ્લાની 18 સબરજીસ્ટ્રાર કચેરીમાં 1862થી વધુ દસ્તાવેજો નોંધાયા હતા. આસામીઓને ઓનલાઇન ટોકન આપી દસ્તાવેજ કરવા માટે બોલાવવામાં આવ્યા હતા અને દસ્તાવેજ રજીસ્ટ્રેશન ફીની રોકડ ચુકવણી નહી માત્રને માત્ર ઓનલાઇન પેમેન્ટથી કરવાની શરતે દસ્તાવેજો નોંધાયા હતા. રાજય સરકારને સ્ટેમ્પ પેપર વેચાણ અને રજીસ્ટ્રેશન ફીથી કરોડો રૂપિયાની આવક થઇ છે. રાજકોટ જિલ્લામાં અન્ય દસ દસ્તાવેજ નોંધણી કચેરીમાં પણ દસ્તાવેજો નોંધાયા છે. જેની વિગતો પ્રાપ્ત થઇ નથી.
દરમિયાન રાજકોટ શહેરની સબરજીસ્ટ્રાર ઝોન-1માં 129, ઝોન-2માં 177, ઝોન-3માં 136, ઝોન-4માં 143, ઝોન-પમાં 97, ઝોન-6માં 159, ઝોન-7માં 199 અને ઝોન-8માં 142 દસ્તાવેજો નોંધાયા છે. જયારે રાજકોટની ગોંડલ સબરજીસ્ટ્રાર કચેરીમાં 174, પડધરીમાં 44, લોધીકામાં 84, ઉપલેટામાં 80, વિંછીયામાં 9, કોટડાસાંગાણી 72, ધોરાજી 59, જેતપુર 146, જામકંડોરણા 26 અને જસદણમાં 2787 દસ્તાવેજો નોંધાયા છે. રાજકોટ શહેર અને જિલ્લામાં રાજય સરકારને સ્ટેમ્પ પેપર વેચાણ પૈકી 12.81 કરોડની તોતીંગ આવક માત્ર 10 દિવસમાં થઇ છે. જયારે રજીસ્ટ્રેશન ફી પેટે 7.14 લાખની આવક થઇ છે. ગુજરાત રાજય સરકારને માત્ર 10 દિવસમાં જ મિલકત વેચાણમાં તોતીંગ આવક મળી હોય હવે રિયલ એસ્ટેટમાં ગાડી ધીમે ધીમે પાટે ચડતી હોવાનું બહાર આવ્યું છે. જો કે આ વખતે સૌથી વધારે મિલકત વેચાણમાં પ્રથમ ક્રમે રહેતા જંકશન રેલનગર, સામોકાંઠો, મોરબી રોડ સહિતના વિસ્તારને સમાવતા ઝોનલ-2 કચેરીમાં માત્ર 177 દસ્તાવેજો જ નોંધાયા છે. તેની સાપેક્ષમાં મવડી વિસ્તારને સાંકડી લેતા સબરજીસ્ટ્રાર ઝોન-6માં 159 મિલકતોના વેચાણ દસ્તાવેજ થયા હોવાનું બહાર આવ્યું છે.


Related News

Loading...
Advertisement