શેરબજારમાં તેજી ‘અનલોક’: ઈન્ટ્રા-ડે 1200 પોઈન્ટનો ઉછાળો

01 June 2020 04:47 PM
Business
  • શેરબજારમાં તેજી ‘અનલોક’: ઈન્ટ્રા-ડે 1200 પોઈન્ટનો ઉછાળો

સોના-ચાંદીમાં પણ તેજીની છલાંગ: ચાંદી 50000ને પાર : બેંક, મેટલ, ઓટોમોબાઈલ્સ, સોફટવેર સહિત તમામ ક્ષેત્રોના શેરો ઉંચકાયા: ઈકોનોમી ખોલી દેવાતા માનસ ફુલગુલાબી

રાજકોટ તા.1
કોરોના સામેના લાંબા લોકડાઉનમાંથી દેશ મહદઅંશે અનલોક થવા સાથે જ શેરબજારમાં તેજી પણ અનલોક થઈ હોય તેમ આજે સેન્સેકસમાં ઈન્ટ્રા-ડે 1200 પોઈન્ટનો ઉછાળો નોંધાયો હતો. નિફટી 9900ની સપાટી કુદાવી ગયો હતો. સોના-ચાંદીમાં પણ તેજી થઈ હતી.
શેરબજારમાં આજે માનસ તેજીનું હતું. વિશ્ર્વબજારમાં સુધારાનો પ્રભાવ હતો જ ઉપરાંત દેશમાં આજથી લાગુ થયેલા લોકડાઉન-5માં લગભગ તમામ આર્થિક પ્રવૃતિઓ ખુલ્લી મુકી દેવામાં આવતા સારી અસર થઈ હતી. હળવા નિયમનો વચ્ચે તમામ ક્ષેત્રોને ખોલવાની મંજુરી મળવાથી અર્થતંત્રને ઝડપથી પાટા પર ચડવા લાગશે તેવો આશાવાદ ઉભો થયો હતો. ગત સપ્તાહના છેલ્લા દિવસોમાં વિદેશી નાણાં સંસ્થાઓની નેટ ખરીદીના આંકડા આવ્યા હોવાની પણ પ્રોત્સાહક અસર રહી શેરબ્રોકરના કહેવા પ્રમાણે સરકારે કોરોના લોકડાઉન પછી હવે અર્થતંત્ર પર જ ધ્યાન કેન્દ્રીત કરવાનો વ્યુહ અપનાવ્યો છે. બહું ટુંકાગાળામાં આર્થિક સ્થિતિ સામાન્ય થવા લાગવાનો આશાવાદ છે. સરકારે જરૂર પડયે વધુ એક આર્થિક પેકેજ આપવાનો વિકલ્પ પણ ખુલ્લો હોવાનું જાહેર કર્યુ છે. આ કારણોને સાનુકુળ પડઘો પડયો હતો.
શેરબજારમાં આજે બેંક, ઓટોમોબાઈલ્સ, મેટલ સહિતના ક્ષેત્રોના શેરોમાં તેજી થઈ હતી. એચડીએફસી બેંક, સ્ટેટ બેંક, એકસીસ બેંક, કોટક બેંક, આઈસીઆઈસીઆઈ બેંક, ઈન્ડુસઈન્ડ બેંક વગેરે ઉંચકાયા હતા. બજાજ ફાઈનાન્સ ટાઈટન, ભારતી એરટેલ, એચડીએફસી ઈન્ફોસીસ, મારૂતી, રીલાયન્સ ટીસીએસ, બજાજ ઓટો વગેરેમાં પણ ઉછાળો હતો.
મુંબઈ શેરબજારનો સેન્સીટીવ ઈન્ડેકસ ઈન્ટ્રા-ડે 1200 પોઈન્ટથી વધુ ઉંચકાયો હતો. ઉંચામાં 33673 થઈને કુલ 902 પોઈન્ટના ઉછાળાથી 33326 હતો. નેશનલ સ્ટોક એકસચેંજનો નિફટી 253 પોઈન્ટના ઉછાળાથી 9834 હતો જે ઉંચામાં 9931 તથા નીચામાં 9706 હતો. દરમ્યાન સોના-ચાંદીમાં પણ તેજી હતી. વિશ્ર્વબજારનો ભાવ હતો. કોમોડીટી એકસચેંજમાં ચાંદીનો ભાવ 50000ની સપાટી કુદાવીને 50350 સાંપડયો હતો. સોનુ વધીને 46834 હતું.


Related News

Loading...
Advertisement