ગાયકવાડીની એજન્સીમાંથી લાખોની કરચોરી ઝડપાઈ ? પાન-સોપારી-તમાકુનો મોટો જથ્થો મળ્યો

29 May 2020 05:49 PM
Rajkot Saurashtra
  • ગાયકવાડીની એજન્સીમાંથી લાખોની કરચોરી ઝડપાઈ ? પાન-સોપારી-તમાકુનો મોટો જથ્થો મળ્યો

બ્રહ્મસમાજ ચોકના હોલસેલ વેપારી પર ત્રાટકતા પૂરવઠા ઇન્સ્પેક્ટરો, ઘર-દુકાન-ગોદામમાં ઉંડી તપાસનો ધમધમાટ

રાજકોટ,તા. 29
રાજકોટ શહેર અને જિલ્લામાં લોકડાઉન દરમિયાન પાન-સોપારી-તમાકુ અને બીડીનો જથ્થો સંગ્રહ કરી એજન્સી માલિકોએ કાળાબજારમાં ઉંચા ભાવે વેચી લાખો લોકોને ખંખેર્યા છે. સાથોસાથ કરોડો રુપિયાની કરચોરી કરી હોવાની ચોંકાવનારી ફરિયાદ જિલ્લા કલેક્ટર રેમ્યા મોહન તેમજ રાજ્ય વેરા કમિશનર સમક્ષ પહોંચ્યા બાદ આજ બપોરથી જિલ્લા કલેક્ટર કચેરીના 19 જેટલા પુરવઠા નિરીક્ષકોની ટુકડીઓએ શહેરભરમાં તૂટી પડી પાન-સોપારી-તમાકુ બીડીના હોલસેલરો પર મોટાપાયે દરોડો પાડતાં ખળભળાટ મચી ગયો હોવાનું જાણવા મળેલ છે.

રાજકોટ શહેર અને જિલ્લામાં લોકડાઉનના 54 દિવસ દરમિયાન પાન-બીડી-તમાકુના હોલસેલરોએ પોતાની પાસેનો જથ્થો કાળાબજારમાં વેચી લોકોને રીતસર લૂંટયા હતા. સાથોસાથ સરકારની કરોડો રુપિયાની વેટચોરી પણ કરી હતી. બિલ વગરનો કરોડો રુપિયાનો માલ વેચી નાખ્યો હોવાનું ફરિયાદ બહાર આવી હતી. જેના પગલે આજ સવારથી રાજ્ય વેરા કમિશનર ઘટક-23ની આગેવાની હેઠળ રાજકોટ કલેક્ટરકચેરીના 19 જેટલા પુરવઠા નિરીક્ષકો શહેરભરમાં તૂટી પડયા હતા. જેમાં મળતી વિગતો મુજબ ગાયકવાડી વિસ્તારમાં આવેલી બીડીની હોલસેલ એજન્સી પર પુરવઠા નિરીક્ષકોએ તપાસ હાથ ધરતા મોટા પ્રમાણમાં બિનહીસાબી જથ્થો મળી આવ્યો હોવાનું મનાય છે. સાથોસાથ કરોડો રુપિયાની વેટચોરી થઇ હોવાનું પણ સમજાય રહ્યું છે.

દરમિયાન, પુરવઠા નિરીક્ષકની એક ટીમ બ્રહ્મસમાજ ચોકની એક હોલસેલ દુકાન પર બપોરે ત્રાટકી છે. આ દુકાનદાર વેટ અને કલેક્ટર કચેરીના અધિકારીઓની ટુકડી જોઇ દુકાન બંધ કરી ભાગી ગયો છે પરંતુ આ દુકાનદારની દુકાન સીલ કરી તેના ગોદામ અને તેના નિવાસસ્થાન પર તપાસનો ધમધમાટ હાથ ધર્યો છે. આ દુકાનમાંથી પણ મોટી કરચોરી અને બેનંબરી જથ્થો મળી આવે તેવા સંકેત મળી રહ્યા છે.


Related News

Loading...
Advertisement