જુનમાં સ્કુલો ખુલશે? સંચાલકો કહે છે- કોઈ ચાન્સ નથી

29 May 2020 05:15 PM
Rajkot Saurashtra
  • જુનમાં સ્કુલો ખુલશે? સંચાલકો કહે છે- કોઈ ચાન્સ નથી

શિક્ષણ સંસ્થાનો ખોલવાની કદાચ સરકાર છુટ્ટ આપે તો પણ તત્કાળ ખોલવાનું શકય નહીં બને: શાળાઓ ખોલવા અંગે સરકાર દ્વારા ગાઈડલાઈન તૈયાર થાય છે, જુલાઈ પહેલા શૈક્ષણિક કાર્ય શરૂ કરવું શકય નથી: ડી.વી.મહેતા

*વેકેશન લંબાશે તો શૈક્ષણિક પદ્ધતિ અને પરીક્ષાના માળખામાં ફેરફાર કરવો પડશે: ભરત ગાજીપરા
*પ્રારંભીક તબકકે ધો.9થી12ના વર્ગો શરૂ કરવા માટે બહાલી આપવી જરૂરી: ડો. જતીનભાઈ ભરાડ
*સોશ્યલ ડીસ્ટન્સના નિયમોનું ચુસ્ત પાલન કરી શકાય તે માટે શીફટ પદ્ધતિ અનિવાર્ય: અજયભાઈ પટેલ
*હવે ઓનલાઈન શિક્ષણ પદ્ધતિમાં વિદ્યાર્થીઓ વાલીઓનો સહયોગ જરૂરી: અવધેશભાઈ કાનગડ
*અભ્યાસક્રમોના બિનજરૂરી ચેપ્ટરો રદ કરવાનો પણ શાળા સંચાલકોમાંથી ઉઠેલો સૂર

રાજકોટ તા.29
કોરોના વાયરસની વકરેલી મહામારીએ ગુજરાત સહિત સમગ્ર વિશ્ર્વને લીધેલા અજગરી ભરડાન પગલે રાજયમાં કોલેજો-વિશ્ર્વવિદ્યાલયોનું વેકેશન લંબાવી દેવાયા બાદ હવે પ્રાથમીક-માધ્યમિક શાળાઓનું વેકેશન લંબાશે કે પછી 8 જૂનથી નવા શૈક્ષણિક સત્ર શરૂ થઈ જશે? તેના પર હજુ પ્રશ્ર્નાર્થ મુકાયેલો રહ્યો છે.
પ્રાથમીક-માધ્યમિક શાળાઓમાં નવું શૈક્ષણિક સત્ર આરંભ કરતા પુર્વે સમયસર દ્વારા આ અંગેની ચોકકસ ગાઈડલાઈન જાહેર કરવી જરૂરી છે.

કોરોના પોઝીટીવ દર્દીઓની સંખ્યા હાલ જેટ ગતિએ વધી રહી છે ત્યારે શિક્ષણ સંસ્થાઓને ખાલવાની જો કદાચ મંજુરી અપાય તો પણ શૈક્ષણિક સંસ્થાઓ હાલ તુરંત ખોલવી શકય બને તેમ પણ નથી તેવો શિક્ષણવિદો અને શાળાસંચાલકોમાંથી સુર ઉઠેલ છે.

જયારે બીજી તરફ વેકેશન લંબાય તો હવે અભ્યાસક્રમમાં ચેપ્ટર ઘટાડાની સાથોસાથ પરીક્ષા પદ્ધતિમાં આમુલ પરિવર્તન કરવું પડે તેવા સંજોગોનું નિર્માણ થયલ છે. જો કે હાલ કોરોનાના ફુંફાડાના પગલે શાળાઓ ખુલવાના કોઈ ચાન્સ નથી તેવું શાળા સંચાલકોએ જણાવેલ છે.

ડી.વી.મહેતા
સ્વનિર્ભર શાળા સંચાલક મંડળના ડી.વી.મહેતાએ આ સંદર્ભે સાંજ સમાચાર સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે કોરોનાની મહામારીને લઈ શાળાઓ કયારે ખોલવી? શું તકેદારી રાખવી? તે અંગેની ગાઈડલાઈન રાજય સરકારના શિક્ષણ વિભાગ દ્વારા તૈયાર કરવામાં આવી રહી છે. જો કે જુલાઈ પહેલા શાળાઓ કાર્યરત કરવી પોસીબલ નથી તેમજ શાળાઓ શરુ કરતા પહેલા શાળા સંચાલકોને 15 દિવસનો સમય આપવો જરૂરી છે. જેથી કરીને થર્મલ સ્કેનરો વસાવી બિલ્ડીંગોને સેનેટાઈઝ કરવાની વ્યવસ્થા કરી શકાય.

આ ઉપરાંત હવે બદલાયેલા સંજોગોને લઈને ઓડ-ઈવન અથવા બે શીફટમાં શાળાઓ શરૂ કરવી પડશે. શિક્ષણ વિભાગ દ્વારા જુલાઈમાં શાળાઓ ખોલવાની મંજુરી આપે તો પણ પ્રારંભીક તબકકે ધો.9થી12 ત્યારબાદ ધો.5થી8 ત્યારપછી ધો.1થી4 અને અંતમાં કે.જી.ના વર્ગો શરૂ કરી શકાય.

ભરતભાઈ ગાજીપરા
ભરતભાઈ ગાજીપરા એ જણાવ્યું હતું કે વર્તમાન સમય સંજોગોને ધ્યાને લઈ હવે 15 જૂન બાદ જ સ્થિતિની સમીક્ષા બાદ શાળાઓ શરૂ કરવાનો નિર્ણય સંજોગો મુજબ લેવો જરૂરી છે. શાળાઓ શરૂ કરવાની મંજુરી બાદ સોશ્યલ ડીસ્ટન્સ સેનેટાઈઝ કલાસ સહિતના તકેદારીના પગલા શાળા સંચાલકોએ રાખવા પડશે. ઉપરાંત બાળકોએ સ્માર્ટ વર્ક કરવું પડશે તેમજ વેકેશન લંબાતા અભ્યાસક્રમમાંથી અમુક બિનજરૂરી ચેપ્ટરોની બાદબાકી તેમજ પરીક્ષા પદ્ધતિમાં પણ બદલાવ લાવવો જરૂરી છે.

ડો. જતીનભાઈ ભરાડ
ડો. જતીનભાઈ ભરાડે પણ 8 જૂનથી શાળાઓ ખોલવી શકય ન હોવાનું જણાવી હાલ તુરંત વેકેશન લંબાવવું જરૂરી હોવાનું જણાવ્યું હતું. સાથોસાથ તેઓએ એમ પણ જણાવ્યું હતું કે શાળાઓ શરૂ કરવા બાબતે સરકાર દ્વારા ગાઈડલાઈન તૈયાર કરવામાં આવી રહી છે. જૂન-જુલાઈમાં શાળાઓ ખોલવાની મંજુરી આપ્યા બાદ પ્રથમ તબકકામાં ધો.9થી12ના વર્ગો શરૂ કરવા માટે બહાલી આપવી જરૂરી છે. ડો. જતીનભાઈ ભરાડે વિશેષમાં એવું પણ જણાવ્યું હતું કે કોરોનાના પગલે શાળા સંચાલકોએ વિદ્યાર્થીઓ સોશ્યલ ડીસ્ટન્સના નિયમોનું પાલન કરે તેનું ધ્યાન રાખવું પડશે. શાળાઓમાં શીફટ પદ્ધતિની ગાઈડલાઈન પણ અમલી થવાની શકયતા છે.

અજયભાઈ પટેલ
સ્વનિર્ભર શાળા-સંચાલક મંડળના પ્રમુખ અજયભાઈ પટેલે પણ વિદ્યાર્થીઓની સલામતી માટે વેકેશન લંબાવવાની હિમાયત કરી સાથોસાથ તેઓએ એમ પણ જણાવ્યું હતું કે રાજય સરકારે પ્રારંભીક તબકકે ધો.10થી12ના વર્ગો ચલાવવાની મંજુરી આપવી જોઈએ તેઓએ સોશ્યલ ડીસ્ટન્સના નિયમોનું પાલન કરી શકાય તે માટે શીફટ વધારવી જરૂરી હોવાનું જણાવ્યું હતું.

અવધેશભાઈ કાનગડ
અવધેશભાઈ કાનગડે જણાવ્યું હતું કે કોરોના વાયરસની મહામારીના કારણે શાળાઓની શિક્ષણ પદ્ધતિ અને પરીક્ષા પદ્ધતિમાં પણ પરીવર્તન લાવવુ જરૂરી બનશે.
ઓનલાઈન શિક્ષણ પદ્ધતિમાં પણ વાલીઓએ સહયોગ આપે તેમજ સુખી સંપન્ન વાલીઓ હાલના સમય સંજોગોને અનુલક્ષી શાળાઓમાં ફીની ભરપાઈ કરે તે પણ જરૂરી હોવાનું અવધેશભાઈ કાનગડે જણાવેલ હતું.

GCERT દ્વારા તમામ સરકારી શાળાઓના છાત્રોને અભ્યાસનું સાહિત્ય પૂરૂ પડાશે
વેકેશન લંબાવવામાં આવનાર હોય શૈક્ષણિક કાર્ય અટકે નહીં તે માટે આગોતરા પગલા
કોરોના વાયરસની વકરેલી મહામારીના પગલે પ્રાથમીક શાળાઓનું વેકેશન લંબાવવામાં આવનાર હોય સરકારી પ્રાથમીક શાળાઓના વિદ્યાર્થીઓનો અભ્યાસ અટકે નહીં તે માટે જી.સી.ઈ.આર.ટી. દ્વારા ધો.1થી8ના વિદ્યાર્થીઓ માટે ખાસ સાહિત્ય તૈયાર કરવામાં આવેલ છે. જે આગામી તા.8 જૂન સુધીમાં તમામ શાળાઓને પહોંચતુ કરવામાં આવેલ છે. આ સાહિત્ય જે તે શાળાઓના શિક્ષકો મારફતે વિદ્યાર્થીઓ સુધી પહોંચતુ કરવામાં આવનાર છે.

જી.સી.ઈ.આર.ટી. દ્વારા ધો.1થી4 માટે 20-20 ધો.5 માટે 28 ધો.6 માટે 36 તેમજ ધો.7 અને 8 માટે 44-44 પાનાનું વિદ્યાર્થીઓના અભ્યાસ માટે મટીરીયલ્સ એન.સી.ઈ.આર.ટી.ની ગાઈડલાઈન મુજબ તૈયાર કરવામાં આવેલ છે જે વિદ્યાર્થીઓ સુધી પહોંચતું કરવામાં આવનાર છે.


Related News

Loading...
Advertisement