વિધવા બહેનો હવે પોસ્ટની સાથો સાથ બેંકોમાંથી પણ સહાય મેળવી શકશે : પરિપત્ર

29 May 2020 04:58 PM
Rajkot Saurashtra
  • વિધવા બહેનો હવે પોસ્ટની સાથો સાથ બેંકોમાંથી પણ સહાય મેળવી શકશે : પરિપત્ર

પોસ્ટ ઓફિસમાં ખાતું હોવુ ફરજીયાતના બદલે વિધવા બહેનો નજીકની બેંકમાં ખાતુ હશે તો સહાય લઇ શકશે

રાજકોટ તા.29
રાજકોટ સહિત ગુજરાત રાજયભરમાં વિધવા બહેનોને સરકારી રોકડ સહાય અત્યાર સુધી પોસ્ટ ઓફિસમાંથી જ મળતી હતી. વિધવા બહેનોને ફરજીયાત પોસ્ટ ઓફિસમાં ખાતુ ખોલાવવુ પડતું હતું. હવે રાજય સરકારે વિધવા સહાય મેળવવા માટે વિધવા બહેનોને મુશ્કેલી પડે નહી તે માટે નજીકની કોઇપણ બેંકમાં પોતાનું ખાતુ હોય તો તે બેંકમાંથી પણ મળવાપાત્ર વિધવા સહાય મેળવી શકે તેવો પરિપત્ર કર્યો છે.

રાજય સરકારના મહિલા-બાળ વિકાસ કમિશ્નરે કરેલા પરિપત્રમાં જણાવ્યું છે કે હાલમાં વિધવા બહેનોને માત્ર પોસ્ટ ઓફિસ મારફત જ સરકારી મળવાપાત્ર રોકડ સહાય ચુકવાતી હતી. આ માટે વિધવા બહેનોને ફરજીયાતપણે પોસ્ટ ઓફિસમાં ખાતુ ખોલાવવું પડતું હતું. પરંતુ હવેથી રાજય સરકારના બાળ-મહિલા વિભાગે એવુ જણાવ્યું છે અને પરિપત્ર કરેલો છે કે હાલ સહાય મેળવતા લાભાર્થીઓ જો ઇચ્છે તો પોતાની સહાય પોતાના પરંપરાગત પોસ્ટ ઓફિસ ડબલ્યુએફએ એકાઉન્ટમાં મેળવી શકશે.

ઉપરાંત હાલ જે લાભાર્થીઓ પોસ્ટ ઓફિસના ડબલ્યુએફએ ખાતામાં સહાય મેળવે છે. તેઓ ઇચ્છે તો પોતાની ભવિષ્યની સહાય પોતાના કોઇ રાષ્ટ્રીયકૃત બેંકના બચતખાતા મારફત પણ મેળવી શકશે. આ માટે તેમણે ખાતાની વિગતો (ખાતા નંબર, બેંકનો આઇએફએસસી કોડ વગેરે)ના આધાર પુરાવા સહિત સંબંધીત મામલતદાર કચેરીને પુરી પાડવાની રહેશે. કમિશ્નર મહિલા અને બાળ વિકાસની કચેરી દ્વારા બેવડુ ચુકવણું ન થાય તે સુનિશ્ચિત કરવાનું રહેશે.

નવા લાભાર્થીઓ માટે એવી સૂચના છે કે જે લાભાર્થીઓની સહાય મંજૂર થયેલ છે અને પોસ્ટ ઓફિસ ડબલ્યુએફએ એકાઉન્ટ ખાતા ખોલાવવાના બાકી છે તેઓ પોસ્ટ ઓફિસ ડબલ્યુએફએ ખાતુ અથવા કોઇપણ રાષ્ટ્રીયકૃત બેંકમાં બચત ખાતું ખોલાવી શકશે. નવા લાભાર્થી માટે પોસ્ટ ઓફિસમાં ડબલ્યુએફએ ખાતુ ખોલાવવું ફરજીયાત નથી.

આવા લાભાર્થીઓ પૈકી જે લાભાર્થી પોતાના નામે અગાઉથી જ કોઇ રાષ્ટ્રીયકૃત બેંકમાં બચતખાતું ધરાવે છે અને તેમાં જ સહાય મેળવા માંગે છે તો તેમણે આ ખાતાની વિગતો (ખાતા નંબર, બેંકનો આઇએફએસસી કોડ) વગેરેના આધાર પુરાવા સહિત સંબંધીત મામલતદાર કચેરીને પુરી પાડવાની રહેશે.


Related News

Loading...
Advertisement