રાજકોટમાં ઓછા ટેસ્ટનો વિવાદ! 125 સેમ્પલ તો માત્ર આરોપીનાં લેવાયા, સામાન્ય લોકોના કેટલા ટેસ્ટ થયા?

29 May 2020 04:53 PM
Rajkot Saurashtra
  • રાજકોટમાં ઓછા ટેસ્ટનો વિવાદ! 125 સેમ્પલ તો માત્ર આરોપીનાં લેવાયા, સામાન્ય લોકોના કેટલા ટેસ્ટ થયા?

આરોગ્ય વિભાગના સતાવાર રિપોર્ટ મુજબ અત્યાર સુધીમાં રાજકોટમાં 3280 ટેસ્ટ થયા છે. છેલ્લા 10 દિ’માં 300થી પણ ઓછા આરોપીઓનાં મોટાભાગનાં ટેસ્ટ પણ લોકડાઉન 4.0 માં થયાનો નિર્દેશ: રાજકોટનાં ભકિતનગર પોલીસ સ્ટેશનમાં સૌથી વધુ 78 આરોપીનાં ટેસ્ટ: અત્યાર સુધીમાં બે ગુનેગારોના રિપોર્ટ પોઝીટીવ

રાજકોટ તા.29
કોરોના મહામારીનાં વધતા કહેર વચ્ચે લોકડાઉન 4 ની છુટછાટો બાદ ટેસ્ટીંગ ઘટાડી ઘટાડી દેવાયાનો જબરો ઉહાપોહ છે. છેલ્લા દસ દિવસમાં બહુ ઓછા ટેસ્ટ થયા છે ત્યારે એવુ બહાર આવ્યુ છે કે તેમાંથી ઘણાખરા તો જુદા જુદા ગુનામાં પકડાયેલા આરોપીઓનાં થયા હતા. એટલે સામાન્ય નાગરીકોનાં કેટલા ટેસ્ટ થયા હશે તે સવાલ છે.

રાજકોટના આરોગ્ય વિભાગનાં સતાવાર આંકડાકીય રીપોર્ટમાં એવી માહીતી છે કે કોરોના સંકટ દુર થયુ ત્યારથી અત્યાર સુધીમાં રાજકોટ શહેર જીલ્લામાં કુલ 4600 લોકોના કોરાના ટેસ્ટ કરવામાં આવ્યા હતા.લોકડાઉન 4-0 માં નિયંત્રણોમાં ઘણી છૂટછાટો આપવા સાથે બજારો-દુકાનો ખોલવાની તથા લોકોને બહાર નીકળવાની છૂટ આપી દેવામાં આવી હતી. તે પછીના દસ દિવસમાં માત્ર 595 ટેસ્ટ થયા હતા અને તેમાં 2100 વ્યકિતનાં રીપોર્ટ પોઝીટીવ આવ્યા હતા.અત્યાર સુધીના કુલ 4620 ટેસ્ટમાંથી 100-105 ના પોઝીટીવ રીપોર્ટ હતા.

લોકડાઉન 4 માં ગત તા.19મીથી નિયંત્રણો હળવા બનાવી દેવાયા ત્યારથી ટેસ્ટીંગમાં ધરખમ કાપ મુકાયો છે . સરકારે નીતિ નિયમો બદલાવી નાખ્યા છે અગાઉ કવોરન્ટાઈનના સંપર્કમાં આવીને સરકારી કવોરન્ટાઈન થતા લોકોના પણ મુકિત પૂર્વે સેમ્પલ લેવામાં આવ્યા હતા. આ સિવાય ડોર-ડુ-ડોર સર્વે કરીને રેન્ડમ સેમ્પલીંગ કરવામાં આવતું હતું આ વખતે સામે ચાલીને કોરોના દર્દીઓને બહાર લાવવાનું એલાન કરવામાં આવતુ હતું પરંતુ તંત્ર પછી પાણીમાં બેસી ગયાનો ઘાટ છે.

છેલ્લા કેટલાંક સમયથી શરદી-ઉધરસ-તાવ જેવા કોરોના લક્ષણો ધરાવતાં દર્દીઓનાં જ સેમ્પલ લેવાનો નિયમ લાગુ કરાયો છે અને તેમાં પણ દૈનિક સંખ્યા માંડ 10 થી 35 જેવી જ રહેતી હતી. હવે એવી ચોંકાવનારી વિગતો છે કે આ મામુલી સંખ્યામાં પણ સિંહફાળો તો જુદાજુદા ગુનાઓમાં પકડાતા આરોપીઓનો હતો અર્થાત થોડા ઘણા સેમ્પલ લેવાતા હતા તેમાંથી મોટાભાગના આરોપી હતા.

પોલીસ વિભાગનાં જ સુત્રોએ આજે વાતચીતમા એમ જણાયુ હતું કે, ગંભીર ગુન્હામાં પકડાતા આરોપીઓને કોર્ટ સમક્ષ હાજર થતા પૂર્વે તેઓનો કોરોના ટેસ્ટ કરવાનું ફરજીયાત કરાયું છે તેવી જ રીતે જેલમાં મોકલતા પૂર્વે પણ કોરોના ટેસ્ટનો નિયમ છે. જેલમાં કોરોનાનું સંક્રમણ ન ફેલાય તેવો ઉદેશ હતો. આરોપીઓને લાગે વળગે છે ત્યાં સુધી લોકડાઉન 3.0 સુધી જુજ ધરપકડો હતી. કારણ કે લોકડાઉનમાં કરફયુ જેવી જ હાલત હતી. ગુના બનવાનો સવાલ ન હતો.

પોલીસ તંત્ર પણ કોરોના સંબંધી લોકડાઉન નિયંત્રણોનાં પાલન કરવવામાં જ રોકાયુ હતું.ગુન્હાખોરી જેવું કાંઈ હતું જ નહિં.લોકડાઉન 3.0 માં અમુક ગુનાઓમાં કેટલીક ધરપકડ થઈ હતી. લોકડાઉન 3.0 માં આ સંખ્યા વધી હતી. રાજકોટના જુદા જુદા પોલીસ સ્ટેશનમાં ગંભીર ગુન્હાઓમાં 125 જેટલા આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી તે મોટાભાગનાં લોકડાઉન 4.0 માં મા પકડાયા હતા આ તમામના કોરોના રીપોર્ટ ટેસ્ટ કરાવવામાં આવ્યા હતા તેમા ગઈકાલે દારૂના ધંધાર્થી મહિલાનો પણ અગાઉ એક જેલના કેદીનો રીપોર્ટ પોઝીટીવ આવ્યો હતો.

ઓછા ટેસ્ટીંગનાં વિવાદ વચ્ચે હવે સવાલ એ ઉઠે છે કે રાજકોટ શહેરમાં તો તંત્ર દ્વારા દસ દિવસમાં 300 થી પણ ઓછા ટેસ્ટીંગ કરવામાં આવ્યા હતા. પોલીસે 125 જેટલા આરોપીઓનાં ટેસ્ટીંગ કરાવ્યા હતા તેમાંથી મોટાભાગના છેલ્લા પખવાડીયામાં જ થયા છે. ત્યારે સામાન્ય લોકોનાં કેટલા ટેસ્ટ થયા હશે તે સવાલ છે વસ્તીની દ્રષ્ટિએ તે સાવ મામુલી છે.

પોલીસ રીપોર્ટમાં એવી રસપ્રદ વિગતો છે કે, રાજકોટમાં 125 માંથી સૌથી વધુ ટેસ્ટ માત્ર ભકિતનગર પોલીસ સ્ટેશનનાંર આરોપીનાં થયા છે. તમામ 125 આરોપીઓ ખુન, લુંટ, બળાત્કાર, જેવા ગુન્હાઓના હતા.ભકિતનગર પોલીસ સ્ટેશનમાં વધુ આરોપી પાછળનુ કારણ કોરોના પ્રભાવીત જંગલેશ્વર વિસ્તાર પર પોલીસ સ્ટેશન હેઠળ આવે છે. પોલીસ પર હુમલો ટીક્ટોક વિડીયો વાયરસ કરવા જેવા ઘટનાક્રમો બન્યા હતા. અને તેમાં અનેકની ધરપકડ થઈ હોવાથી આંકડો ઉંચો છે.

શહેરમાં હજુ ટેસ્ટ મામૂલી; જીલ્લામાં વધારાયા
રાજકોટ જીલ્લામાં કેસ વધતા એકાએક ટેસ્ટીંગમાં વધારો; 121 સેમ્પલ લેવાયા: રાજકોટમાં માત્ર 28
કોરાનાના વધતા કહેર વચ્ચે છેલ્લા એકાદ સપ્તાહથી ટેસ્ટીંગમાં થયેલા ધરખમ કાપ સામે જબરો ઉહાપોહ સર્જાતા આરોગ્ય વિભાગે ફરી ટેસ્ટીંગ વધારી દીધાના સંકેત છે. આજે રાજકોટ જીલ્લામાં 150 જેટલા સેમ્પલ લેવામાં આવ્યા હતા. છેલ્લા દસ દિવસમાં ગ્રામ્ય વિસ્તારોમાંથી પોઝીટીવ કેસો બહાર આવવા લાગતા જીલ્લાકક્ષાએ ફોકસ વધારવામાં આવ્યું છે.

રાજકોટના આરોગ્ય વિભાગના સતાવાર આંકડાકીય રીપોર્ટમાં એમ જણાવવામાં આવ્યું છે કે આજે કુલ 164 સેમ્પલ લેવામાં આવ્યા હતા તેમાંથી એક પોઝીટીવ આવ્યો છે. 47 નેગેટીવ જાહેર થયા છે જયારે 116ના રીપોર્ટ પેન્ડીંગ છે. ટેસ્ટીંગ વધારાયુ હોવાનું સ્પષ્ટ છે. જો કે રાજકાટ શહેરમાં માત્ર 28 સેમ્પલ જ લેવામાં આવ્યા હતા. 121 સેમ્પલ રાજકોટ જીલ્લાના હતા જયારે 15 સેમ્પલ અન્ય જીલ્લાના હતા.

રાજકોટમાં ટેસ્ટીંગના ઘટાડા પોઝીટીવ કેસોની વધતી સંખ્યા સામે જબરો ગણગણાટ હતા. માત્ર લક્ષણ ધરાવતા લોકોના જ સમ્પલ લેવાનો નીતિગત નિર્ણય લેવાયો હતો છતાં ટેસ્ટીંગની માત્રા મામુલી જ હતી. લક્ષણ વિનાના પોઝીટીવ દર્દી ન પકડાય તો સંક્રમણ લાગવાનું જોખમ વધી જતી હોવાનો ઉહાપોહ સર્જાયો હતો તે પછી આજે સેમ્પલની સંખ્યા વધી ગયાનું સૂચક છે. ગ્રામ્ય વિસ્તારોમાં વધુ કેસો નોંધાતા ટેસ્ટીંગ ગ્રામ્ય વિસ્તામાં જ વધારાયાનું જણાય છે. રાજકોટ શશહેરમાં તો માત્ર 28 સેમ્પલ જ લેવાયા હતા.

પોલીસ સ્ટેશન અને કેસની સંખ્યા
યુનિવર્સિટી-5
ગાંધીધામ -
માલવીયા -
તાલુકા-7
મહીલા-1
પ્રનગર-6
ડીસીબી-2
ભક્તિનગર-78
કુવાડવા-7
થોરાળા-5
એ.ડીવીઝન-3
બી.ડીવીઝન-9
આજીડેમ-6
સાયબર ક્રાઈમ-2
કુલ-125


Related News

Loading...
Advertisement