સારવાર ખુબ સારી : તાવ પણ નથી : જમવા સહિતની સુવિધા શ્રેષ્ઠ : ઉસ્માન ગની

29 May 2020 04:46 PM
Ahmedabad Gujarat
  • સારવાર ખુબ સારી : તાવ પણ નથી : જમવા સહિતની સુવિધા શ્રેષ્ઠ : ઉસ્માન ગની
  • સારવાર ખુબ સારી : તાવ પણ નથી : જમવા સહિતની સુવિધા શ્રેષ્ઠ : ઉસ્માન ગની

મુખ્યમંત્રી રૂપાણીએ અમદાવાદ સિવિલમાં કોરોના દર્દી સાથે કર્યો વાર્તાલાપ: અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં કોરોનાની સારવાર લેતા દર્દીઓના હાલચાલ પુછતા મુખ્યમંત્રી : અડધા લાખની કિંમતના ઈન્જેકશનોનો પુરતો જથ્થો અને સારવારમાં ઉપયોગ થયો : મુખ્યમંત્રીએ શુભેચ્છાઓ પાઠવી

ગાંધીનગર, તા. 29
ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ સિવિલ હોસ્પિટલ અમદાવાદ ખાતે સારવાર લઈ રહેલાં કોરોનાના દર્દીઓ અને તેમની દિવસ-રાત સેવા કરતાં ડોકટર્સ અને નર્સ સાથે ગાંધીનગર ખાતેથી વીડિયો કોન્ફરન્સના માધ્યમથી સીધો સંવાદ કરીને સંપૂર્ણ પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો.

ગાંધીનગર ખાતે સીએમ ડેશબોર્ડના માધ્યમથી સિવિલ હોસ્પિટલ અમદાવાદ ખાતે સારવાર લઈ રહેલાં કોરોનાના દર્દીઓ અને તબીબો સાથે સંવાદ કરતાં મુખ્યમંત્રીએ જણાવ્યું હતુ કે, કોરોનાના દર્દીઓનો જીવ બચાવવા માટે રૂ. 50 હજારથી વધુ કિંમતનું લાઈફ સેવિગ ઈન્જેક્શન આપવા સરકાર કટિબદ્ધ છે. રાજ્ય સરકાર પાસે પુરતી માત્રામાં આ ઈન્જેક્શનનો જથ્થો ઉપલબ્ધ છે.

મુખ્યમંત્રી તથા કોરોના દર્દીઓ અને તબીબો વચ્ચે થયેલા સંવાદના મુખ્ય અંશો
મુખ્યમંત્રી : કેમ ચાલે છે, દર્દીઓના ડિસ્ચાર્જમાં વધારો થયો છે કે નહીં ?
તબીબ મુક્તેશ : હા સાહેબ, ખૂબ સરસ ચાલે છે. દર્દીઓના ડિસ્ચાર્જમાં સુધારો થયો છે અને અહિંયા કોઈ સમસ્યા નથી, પૂરતી માત્રામાં સાધનો, દવાઓ બધુ જ ઉપલબ્ધ છે.
મુખ્યમંત્રી : કોરોના દર્દીઓની સારવાર પ્રોટોકોલ મુજબ થાય છે કે નહીં
તબીબ મુક્તેશ : હા સાહેબ, પ્રોટોકલ મુજબ જ સારવાર થાય છે અને સિવિલના સિનિયર ડોકટર્સ પણ કોવિડ વોર્ડની મુલાકાત કરે છે.
મુખ્યમંત્રી : નવીનભાઈ આપની તબિયત કેવી છે ?
દર્દી નવીનભાઈ સોલંકી : ખૂબ સારી છે, હવે તાવ નથી. શરૂઆતમાં ક્રિટિકલ કન્ડિશન હોવાથી 12 દિવસથી ICUમાં સારવાર બાદ હવે સંપૂર્ણ સ્વસ્થ છું.
હું આવ્યો ત્યારે 95 ટકા એવું હતુ કે, હવે હું જીવી નહીં શકુ... પણ ડો. કાર્તિક પરમાર અને તેમની ટીમની સારવાર બાદ માત્ર ચાર દિવસમાં મને ખૂબ સુધાર લાગ્યો. સ્ટાફના સહયોગથી મારુ જીવન બચ્યુ છે. હું મારા પરિવારને મળી શકીશ.
સાહેબ, હું કદાચ સિવિલમાં ન આવ્યો હોત તો, હું બચી શકયો ન હોત. અહિં સિવિલમાં જમવાથી માંડીને તમામ સુવિધા ખૂબ સરસ છે. હું રાજ્ય સરકાર અને સિવિલના તબીબોનો આભાર માનું છું.
મુખ્યમંત્રી : આપ કેમ છો ?
દર્દી કુરેશી ઉસ્માન ગની : સાહેબ, સારવાર ખૂબ સારી ચાલે છે. છેલ્લાં બે-ત્રણ દિવસથી તાવ નથી. અહીં હોસ્પિટલમાં જમવા તેમજ આરોગ્ય સહિતની સુવિધાઓ સુંદર છે.
મુખ્યમંત્રી : આપ કયા વિસ્તારમાંથી આવો છો ?
દર્દી કુરેશી ઉસ્માન ગની : સાહેબ, મીરઝાપુરથી... મારા ઘરના કોઈ પણ સભ્યને કોરોનાનો ચેપ લાગ્યો નથી... સિવિલના તબીબો નિયમિત મને ચકાસવા પણ આવે છે.
મુખ્યમંત્રી : આપની તબિયત કેવી છે બહેન ?
દર્દી સંધ્યાબેન : સાહેબ, પહેલાં કરતાં વધુ સારું છે. હું નવ દિવસથી સારવાર લઈ રહી છું. અહિંયા તમામ વ્યવસ્થા ખૂબ સારી છે. છેલ્લાં કેટલાંક દિવસથી તાવ નથી.
મુખ્યમંત્રી : બહેન, આપ ક્યાંથી આવો છો.
દર્દી સંધ્યાબેન : સાહેબ, મણિનગરથી.. સાહેબ અહિંયા તબિબના સ્વરૂપે અમને ભગવાન મળ્યા હોય તેવી અનુભૂતિ થાય છે.
મુખ્યમંત્રી : બહેન, આપ જલ્દીથી સાજા થઈ જાઓ તેવી શુભકામનાઓ..
મુખ્યમંત્રી : યુસુફભાઈ હવે કેવું છે..
દર્દી યુસુફ માણેક : સાહેબ આપનો ખૂબ ખૂબ આભાર..
ડોકટર કાર્તિકભાઈ અને કરણભાઈએ ખૂબ મહેનત કરી મને મોતના મુખમાંથી બચાવ્યો છે.. મને અત્યારસુધીમાં 70-80 બાટલા ચડાવ્યા છે અને ઈન્જેક્શન આપ્યા છે.. હવે હું સંપૂર્ણ હરતો ફરતો થઈ ગયો છું..
સાહેબ, ગુજરાતની સિવિલમાં એક નંબરની સારવાર મળે છે.. દિવસમાં ચાર-ચાર વાર સફાઈ થાય છે.. સાહેબ મારા જેવા ગરીબ માણસને બચાવ્યો તે બદલ આભાર..


Related News

Loading...
Advertisement