અમદાવાદ સિવિલમાં લાઇફ સેવિંગ ઇન્જેકશન-ખાસ લેબોરેટરી તપાસ : દર્દીઓને ગાઇડલાઇન મુજબ અપાતી સારવાર

29 May 2020 04:40 PM
Ahmedabad Gujarat
  • અમદાવાદ સિવિલમાં લાઇફ સેવિંગ ઇન્જેકશન-ખાસ લેબોરેટરી તપાસ : દર્દીઓને ગાઇડલાઇન મુજબ અપાતી સારવાર

મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ કોરોના દર્દીઓને સારવાર આપતા નિષ્ણાંત તબીબો પાસેથી વિગતો મેળવી

ગાંધીનગર, તા. ર9
ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ આજે સિવિલ હોસ્પિટલ અમદાવાદ ખાતે કોરોનાના દર્દીઓને અપાતી સારવાર અને સુવિધા બાબતે સિવિલ સુપ્રિટેન્ડેન્ટ ડો. પ્રભાકરન સાથે ગાંધીનગર ખાતેથી વીડિયો કોન્ફરન્સના માધ્યમથી સંવાદ કરીને જરૂરી માહિતી મેળવી હતી.

મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી સાથેના સંવાદમાં સિવિલ સિવિલ સુપ્રિટેન્ડેન્ટ ડો. પ્રભાકરને સિવિલમાં કોરોનાના દર્દીઓને અપાતી સુવિધાઓ અંગે માહિતી આપતાં જણાવ્યું હતુ કે, કોરોનાના દર્દીઓને કેન્દ્રના સ્વાસ્થ્ય મંત્રાલયની ગાઈડલાઈન અનુસાર દર્દી સાજા થઇ જાય પછી એમને ડિસ્ચાર્જ આપવા માટેની વ્યવસ્થા કરવામાં આવે છે. દર્દીઓને તેમની જરૂરિયાત પ્રમાણે ડોક્ટરની સલાહ અનુસાર નિયમિત દવાઓ આપવામાં આવે છે.

સિવિલમાં દર્દીઓ માટે વેન્ટિલેટર સહિતની તમામ સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવે છે. દર્દીઓના સગાંઓને વીડિયો કોલિંગના માધ્યમથી દર્દીને વાત કરાવવાની તેમજ તેમના ફીડબેક લેવાની પણ વ્યવસ્થા કરાઈ છે. જે માટે પ્રત્યેક કોરોના વોર્ડમાં ચાર મોબાઈલ સહિત SMSની વ્યવસ્થા કરવામાં આવી છે. દર્દીના ડિસ્ચાર્જના એક દિવસ પહેલાં દર્દીઓના સગાંઓને જખજ દ્વારા જાણ કરવામાં આવે છે. બીજા દિવસે દર્દીને નિયત કરેલા સમયે બપોરે 2:30 થી 4:30 દરમિયાન જરૂરી દવાઓ આપીને ડિસ્ચાર્જ કરી (ગાઈડલાઈન અનુસાર) ઘર સુધી પહોંચાડવાની વ્યવસ્થા સિવિલ દ્વારા કરવામાં આવે છે.

આ ઉપરાંત દર્દીઓને બેડ પર જ સવારનો નાસ્તો, બપોર-સાંજનું જમવા તેમજ દિવસમાં બે વખત ચા, નાસ્તો, જ્યુસ અને છાશની વ્યવસ્થા ઉપલબ્ધ કરાવવામાં આવે છે. સાથોસાથ દર્દીઓના સગાંઓને રહેવા માટે આધુનિક ટેન્ટ, મનોરંજન માટે ટીવી તેમજ યોગાના વર્ગો સહિતની વિવિધ સુવિધાઓ ઉપલબ્ધ છે.

ડો. પ્રભાકરને સિવિલના તબીબી સાધનો અંગે મુખ્યમંત્રીને માહિતગાર કરતાં કહ્યું હતુ કે, ખાસ પ્રકારની લેબોરેટરીમાં D-Dimer, Ferritin, રેડિયોલોજીકલ તપાસમાં એક્સ રે, સિટી સ્કેન તથા ઈસીજી વગેરેની તપાસ કરવામાં આવે છે. આ ઉપરાંત કોરોનાના દર્દીઓને જરૂર પડ્યે લાઈફ સેવિંગ ઈન્જેક્શન-Tocilizumab પણ આપવામાં આવે છે. આ ઈન્જેક્શનોનો પૂરતી માત્રામાં જથ્થો ઉપલબ્ધ છે.


Related News

Loading...
Advertisement