સવારે વાદળો વિખેરાયા બાદ સૂર્યદેવ આકરા : 41 ડિગ્રી

29 May 2020 04:29 PM
Rajkot Saurashtra
  • સવારે વાદળો વિખેરાયા બાદ સૂર્યદેવ આકરા : 41 ડિગ્રી

સતત ત્રીજા દિવસે પવનના સુસવાટા સાથે લૂ ફૂંકાઇ : કાલથી ગરમીમાં ઘટાડો થવાની શકયતા

રાજકોટ તા.29
રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્રભરમાં એક તરફ 40 થી 42 ડિગ્રી સાથે અગનવર્ષાનો દૌર શરૂ છે. ત્યારે આજે સવારે વાતાવરણમાં બદલાવ સાથે વાદળો છવાતા ચોમાસુ નજીક હોવાના અણસાર વચ્ચે સૂર્યાસ્ત બાદ સૂર્યદેવ આકરા થતા અંગ દઝાડતી તાપ સાથે ગરમ પવન લૂં ફૂંકાતા ગરમીમાં જનતા અકળાઇ ઉઠી હતી.

આજના દિવસે આગ ઓકતા આકાશ સામે સામ્રાજય જળવાઇ રહેવાનાં સાથે કાલથી 2-3 ડિગ્રી સુધી ગરમીનો પારો નીચે ઉતરી છુટો છવાયો વરસાદ વરસે તેવી આગાહી હવામાન વિભાગે આપી છે.

તાપ-બફારા અને અંગ દઝાડતી લૂ શહેરીજનોને સતત બેચેન બનાવી રહી છે. આજે સવારે લઘુતમ તાપમાન 27.4 ડિગ્રી સાથે હવામાં ભેજનું પ્રમાણ 68 ટકા અને પવનની ગતિ સરેરાશ 18 કિ.મી. નોંધાઇ હતી. બપોરે મહતમ તાપમાન 39.6 ડિગ્રી સાથે હવામાં ભેજનું પ્રમાણ 31 ટકા અને પવનની ગતિ સરેરાશ 34 કિ.મી. નોંધાઇ હતી.

રાજકોટ મહાનગરમાં આજે સતત ત્રીજા દિવસે 34 કિ.મી.ની ઝડપે ગરમ લૂ ફૂંકાતા જનજીવન પશુ પંખીઓ પર ગરમીની અસર જોવા મળી હતી. ગરમીથી બચવા ઠંડાપીણા, આઇસ્ક્રીમ સરબત અને જયુસનું સેવનમાં વધારો થયો છે. ગરમી અને બફારાથી બચવા એસી કુલર જેવા વીજ ઉપકરણોનો પણ વપરાશ વધી રહ્યો છે. આગામી 2-3 દિવસમાં ગરમીમાં ઘટાડા સાથે છુટો છવાયો વરસાદ વરસે તેવી હવામાન વિભાગે આગાહી આપી છે.


Related News

Loading...
Advertisement