રાજકોટ: ગરીબોનું 11145 કિલો રાશન કાળાબજારમાં વેચી નાખતો પરવાનેદાર

29 May 2020 04:16 PM
Rajkot Saurashtra
  • રાજકોટ: ગરીબોનું 11145 કિલો રાશન કાળાબજારમાં વેચી નાખતો પરવાનેદાર
  • રાજકોટ: ગરીબોનું 11145 કિલો રાશન કાળાબજારમાં વેચી નાખતો પરવાનેદાર
  • રાજકોટ: ગરીબોનું 11145 કિલો રાશન કાળાબજારમાં વેચી નાખતો પરવાનેદાર

રાજકોટમાં એક સપ્તાહમાં બીજો દુકાનદાર ઝડપાયો; પરવાનો સસ્પેન્ડ: બજરંગવાડીના બી.ડી.જોષી દુકાનદારે 6350 કિલો ઘઉં, 3050 કિલો ચોખા, 250 કિલો ખાંડ, 900 કિલો ચણા, 135 લિટર કેરોસીન બારોબાર વેચ્યું: રાજકોટના 20થી વધુ રેશનિંગ પરવાનેદારો શંકાના દાયરામાં; 22ની કિલો ખાંડ રૂા.30માં ખુલ્લેઆમ કાળાબજારમાં વેચતો હોવાની ફરિયાદ; પુરવઠા નિરીક્ષકો મેદાને

રાજકોટ તા.29
રાજકોટ શહેરનાં બજરંગવાડી વિસ્તારના એક રેશનીંગ પરવાનેદારે ગરીબોને આપવા પાત્ર મફત રાશન, કેરોસીનનો જથ્થો બારોબાર કાળાબજારમાં વહેંચી નાંખ્યો હોવાની ચોંકાવનારી વિગત બહાર આવી છે. જિલ્લા કલેકટર રેમ્યા મોહનને મળેલી ફરિયાદ બાદ આજે વહેલી સવારે બજરંગવાડી વિસ્તારના બી.ડી.જોષી નામના રેશનીંગ દુકાનદાર પર દરોડો પાડતા 11145 કિલો રાશન-કેરોસીનનો જથ્થો કાળાબજારમાં વહેંચી નાંખ્યો હોવાનું બહાર આવતા 67905ની કિંમતનો જથ્થો સીઝ કરી આ દુકાનદારનો 90 દિવસ માટે પરવાનો સસ્પેન્ડ કરી હિસાબી સાહિત્ય કબ્જે લઈ આકરી કાનૂની કાર્યવાહી હાથ ધરી હોવાનું જાણવા મળેલ છે.

રાજકોટના પુરવઠા નિરીક્ષકો હરસુખ પરસાણીયા અને કિરીટસિંહ ઝાલાએ આજે સવારે બજરંગવાડી વિસ્તારમાં આવેલા બી.ડી.જોષી નામના રેશનીંગ દુકાનદારની દુકાન પર આકસ્મિક તપાસ હાથ ધરી હતી. આ પરવાનેદારે ઓનલાઈન તેમજ ઓફલાઈન કરેલા વેચાણની તપાસ કરતા 1000 પરિવારોનું મળવાપાત્ર રાશન-કેરોસીનનો જથ્થો બારોબાર વહેંચી નાંખ્યો હોવાનું જણાવ્યું હતું. હાજર સ્ટોક અને વેચાણ કરેલા જથ્થાની તપાસ કરતા 6350 કિલો ઘઉં, 3050 કિલો ચોખા, અઢીસો કિલો ખાંડ, 900 કિલો ચણા, 460 કિલો મીઠુ અને 135 લીટર કેરોસીનનો જથ્થો ઓછી મળી આવતા પુરવઠા નિરીક્ષકો ચોંકી ઉઠયા હતા.

પુરવઠાખાતાના સૂત્રોએ વધુમાં જણાવ્યું હતું કે આ દુકાનદારે દુકાન પર ફરજીયાત મુકવાનું સ્ટોક તેમજ ભાવનું બોર્ડ પણ મુકયુ ન હતું. હાજર જથ્થામાં 11145 કિલોની ઘટ્ટ જણાય હતી જેની ગણતરી કરતા 67905ની કિંમતનો જથ્થો કાળાબજારમાં વહેંચી નાંખ્યો હોવાનું ખુલતા આ દુકાનદારનું હિસાબી સાહિત્ય કબ્જે લઈ રાશનકાર્ડ ધારકોનું નિવેદન લેવાનું શરૂ કર્યુ છે. આ દુકાનદારે ઓનલાઈન વેચાણમાં ખોટી એન્ટ્રી તેમજ બિલ બનાવ્યા હોવાનું પણ જણાઈ આવ્યું હતું. આ ગંભીર પ્રકારની ગેરરીતિ બહાર આવતા દુકાનદારનો 90 દિવસ માટે પરવાનો સસ્પેન્ડ કરી હિસાબી સાહિત્ય કબ્જે લઈ ઉંડી તપાસ હાથ ધરી છે.

દરમ્યાન રાજકોટ શહેરમાં અન્ય 20 જેટલા રેશનીંગ દુકાનદારો પુરવઠા ખાતામાં રડારમાં હોવાનું બહાર આવ્યું છે. આ 20 જેટલા દુકાનદારોની વિગતો મેળવવામાં આવી રહી છે. આગામી એકાદ બે દિવસમાં મોટાપાયે દરોડાનો દૌર શરુ કરવામાં આવે તેવુ મનાઈ રહ્યું છે. આ કાર્યવાહી જિલ્લા કલેકટરના આદેશથી પુરવઠા નિરીક્ષકો હરસુખ પરસાણીયા અને કિરીટસિંહ ઝાલાએ કરી હોવાનું અંતમાં જણાવાયું છે.


Related News

Loading...
Advertisement