તમાકુ-સોપારીના કાળાબજાર સામે છેવટે ઓપરેશન: 19 એજન્સીમાં દરોડા

29 May 2020 04:00 PM
Rajkot Saurashtra
  • તમાકુ-સોપારીના કાળાબજાર સામે છેવટે ઓપરેશન: 19 એજન્સીમાં દરોડા
  • તમાકુ-સોપારીના કાળાબજાર સામે છેવટે ઓપરેશન: 19 એજન્સીમાં દરોડા
  • તમાકુ-સોપારીના કાળાબજાર સામે છેવટે ઓપરેશન: 19 એજન્સીમાં દરોડા

દુકાનો ખુલ્યાના 11 દિવસે પણ પાન-તમાકુમાં હાલત કેમ નોર્મલ ન થઈ? ખુદ કલેકટર મેદાને: બીલ વગર બેફામ ધંધો કરીને જંગી કરચોરી થતી હોવાની ફરિયાદ બાદ કલેકટર-જીએસટી તંત્રનું સંયુક્ત ઓપરેશન: કરણપરા, રૈયારોડ, જંકશન, સદર, કોઠારીયા રોડ, બજરંગવાડી, 150 ફુટ રીંગરોડ સહિતના વિસ્તારોમાં એજન્સીઓ પર તવાઈ

રાજકોટ તા.29
છેલ્લા બે માસ કરતા વધુ સમયથી પ્રવર્તી રહેલા લોકડાઉનના કારણે તદન નિષ્ક્રીય બની ગયેલ રાજકોટ જીએસટી વિભાગની અન્વેષણ વિંગે હવે આળસ ખંખેરી હોય તેવુ લાગી રહ્યું છે અને આજથી રાજકોટ જીએસટી વિભાગની અન્વેષણ વિંગે દરોડાનો દૌર ચાલુ કર્યાનું જીએસટી વિભાગના સૂત્રોમાંથી જાણવા મળી રહ્યુ છે.

મળતી વધુ વિગતો મુજબ રાજકોટ જિલ્લા કલેકટરને મળેલી ફરિયાદના આધારે જીલ્લા તંત્રએ જીએસટી તંત્ર સાથે ચર્ચા કરી આજે સવારથી રાજકોટ શહેરનાં જુદા જુદા વિસ્તારમાં આવેલા પાન-મસાલા, તમાકુની એજન્સીના વેપારીઓ પર દરોડાની ધોંસ શરુ કરી છે અને કરચોરી ઝડપવા બાબતે કાર્યવાહીનો દૌર શરુ કર્યો છે. રાજકોટ જીએસટી તંત્રના સૂત્રોમાંથી મળતી વધુ વિગતો મુજબ રાજકોટ જીએસટી તંત્રના સ્ટાફની સાથોસાથ કલેકટરતંત્રના પુરવઠા સહિત પુરવઠા શાખા સહિતના 19 જેટલા નાયબ મામલતદાર અને એક મામલતદારને આ દરોડાની કાર્યવાહીમાં સામેલ કરવામાં આવ્યા છે.

દરમ્યાન રાજકોટ જીએસટી તંત્રના સૂત્રોમાંથી મળતી વધુ વિગતો મુજબ આજરોજ વ્હેલી સવારથી જ જીએસટી અને કલેકટર તંત્રની બનેલી સંયુક્ત ટીમોએ રાજકોટ શહેરના કરણપરા, કોઠારીયા રોડ, રૈયા રોડ, જંકશન પ્લોટ, સદર, 150 ફુટ રીંગરોડ સહિતના વિસ્તારોમાં આવેલા પાન-મસાલા-તમાકુના એજન્સીના વેપારીઓને ત્યાં દરોડા પાડવામાં આવ્યા અને ખાસ કરીને કરચોરી અંગે તપાસનો ધમધમાટ હાથ ધરવામાં આવ્યો છે.

અત્રે ઉલ્લેખનીય છે કે તમાકુ પર 28 ટકા અને સોપારી પર પાંચ ટકા વેરો છે. જો કે પાન-મસાલા અને તમાકુના ઘણા ખરા વેપારીઓ આ વેરો લાંબા સમયથી ભરતા નથી. ઉપરાંત બિલ વિનાનો બે નંબરી ધંધો પણ કરે છે. આ ઉપરાંત તાજેતરમાં અમલી બનેલા ચુસ્ત લોકડાઉન દરમ્યાન પાન-મસાલાના વેપારીઓએ મોટાપાયે બેનંબરી અને કાળાબજારનો ધંધો કર્યો હોવાની માહિતી તંત્ર સમક્ષ પહોંચી હતી. આથી તંત્રએ પાન-મસાલાના વેપારીઓને ઝપટમાં લેવાનું આયોજન હાથ ધર્યું હતું.

આ આયોજન અનુસંધાને આજરોજ રાજકોટ શહેરનાં પાન-મસાલાના 19 વેપારીઓને ત્યાં દરોડા પાડી તપાસ શરુ કરવામાં આવી છે. આ દરોડાના અંતે તંત્રને મોટાપાયે બેનંબરી ધંધાની વિગતો અને કરચોરી હાથ લાગે તેવા નિર્દેશો મળી રહ્યા છે. એવી વિગતો પણ સાંપડી રહી છેકે પાન-મસાલાના વેપારીઓની છેલ્લા કેટલાક સમયથી કરોડો રૂપિયાની બાકી વસુલાત પણ જીએસટીના ચોપડે બોલી રહી છે. આ દરોડા સૂચક માનવામાં આવી રહ્યા છે. એવી વિગતો પણ સાંપડી રહી છે. બાકી વેરા અનુસંધાને તંત્ર દ્વારા પાસ-મસાલાના વેપારીઓની જરૂર પડયે મકાન-દુકાન અને ગોડાઉન જપ્ત કરી રેવન્યુ રાહે વસુલાત કરવામાં આવશે.


Related News

Loading...
Advertisement